<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

સૌરાષ્‍ટ્રમાં IMAની મેડીકલ સેવા સજ્જડ બંધ : દર્દીઓ પરેશાન

કોલકત્તામાં મહિલા તબીબ ઉપર દુષ્‍કર્મ - હત્‍યાની અમાનવીય ઘટનાના ઘેરા પડઘા : તબીબોમાં ભારે રોષ : કાલે રવિવાર સવારે ૬ વાગ્‍યા સુધી તમામ તબીબોની ઓપીડી - ઓપરેશન પ્રોસીઝર બંધ... દર્દીઓના લાભાર્થે માત્ર ઇમરજન્‍સી સેવાઓ ચાલુ : ઠેર ઠેર રેલી, કેન્‍ડલ માર્ચ, ધરણા, આવેદનોના કાર્યક્રમ

રાજકોટ : કોલકત્તામાં મહિલા તબીબ સાથે થયેલી અમાનવીય ઘટનાથી સમગ્ર દેશમાં તબીબોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. આઇએમએ દ્વારા રાષ્‍ટ્રીય હડતાલ આજે પાડી છે. ઇન્‍ડીયન મેડિકલ એસોસીએશન સાથે જોડાયેલા ગુજરાતના ૩૭ હજાર તબીબો ૨૪ કલાક માટે ઓપીડી - ઓપરેશન - પ્રોસીઝર સહિતની સેવાઓથી દૂર રહ્યા હતા. પરિણામે હોસ્‍પિટલો દર્દીઓ વગર સૂમસામ ભાસતી હતી. પ્રસ્‍તુત તસ્‍વીરમાં ઓપીડી વિભાગ બંધ અને હોસ્‍પિટલનું પ્રાંગણ પણ દર્દીઓ વગર નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરિયા)

રાજકોટ તા. ૧૭ :.. કોલકતાની આર. જી. મેડીકલ કોલેજમાં ટ્રેઇની ડોકટર ઉપર દુષ્‍કર્મ અને હત્‍યાના ઘેરા પડઘા સમગ્ર દેશમાં પડયા છે. આજે ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશનના એલાનને પગલે દેશવ્‍યાપી તબીબોએ હડતાલ પાડી છે. તબીબોની હડતાલને પગલે મેડીકલ સેવાઓ ખોરવાઇ ગઇ છે. દર્દીઓ હેરાન - પરેશાન થઇ ગયા છે.

ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશનની દેશવ્‍યાપી હડતાલને પગલે ગુજરાત આઇએમએ પણ કોલકતાથી અમાનવીય ઘટના સામે રોષ વ્‍યકત કરી હડતાલને પ્રચંડ સમર્થન મળ્‍યુ છે. રાજકોટ, જામનગર, સુરેન્‍દ્રનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં તબીબી સેવા ઠપ્‍પ થઇ ગઇ છે.

ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશનના રાષ્‍ટ્રવ્‍યાપી મેડીકલ સેવા બંધના એલાનને પગલે આજે તા. ૧૭ ના સવારે ૬ વાગ્‍યાથી રાજકોટ, જામનગર, સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રની કોર્પોરેટ,  ટ્રસ્‍ટ સંચાલીત, ખાનગી હોસ્‍પીટલમાં ઓપીડી, ઓપરેશન, પ્રોસીઝર, તેમજ રૂટીન વર્ક પણ બંધ રહ્યું હતું. તા. ૧૮ ના રવિવારે સવારે ૬ વાગ્‍યા સુધી આઇએમએ ના એલાન મુજબ મેડીકલ સેવા બંધ રહેશે. દર્દીઓને ઇમરજન્‍સી સેવા તુરંત મળી રહે તે માટે તબીબોએ ખાસ કાળજી રાખી છે.

ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા જિલ્લા મથકોએ આવેદન, ધરણા, રેલી, કેન્‍ડલ માર્ચ સહિતના કાર્યક્રમો યોજાયા છે. ગુજરાત મેડીકલ એસોસીએશનના પ્રમુખ ડો. ભરત કાકડીયા, સેક્રેટરી ડો. મેહુલ શાહ અને રાજકોટ આઇએમએ પ્રેસીડેન્‍ટ કાંત જોગાણીના નેતૃત્‍વમાં સૌરાષ્‍ટ્રનાં ૭ હજારથી વધુ તબીબો હડતાલ જોડાયા છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રભરમાં આઇએમએની હડતાલની ભારે અસર જોવા મળી છે. દરરોજ દર્દીઓથી ઉભરાતી હોસ્‍પીટલના ઓપીડી વિભાગ સૂમસામ ભાસી રહ્યા છે. તબીબો બંધમાં જોડાતા અનેક દર્દીઓએ ભારે હાલાકી ભોગવવી પડી છે.

(11:46 AM IST)