News of Saturday, 17th August 2024
પીડીયુ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાલઃ બેનર્સ સાથે સુત્રોચ્ચાર કરાયાઃ વિશાળ રેલીઃ આઇએમએના તબિબો પણ જોડાયા : જુઓ વિડિયો
મેડિકલ કોલેજ ખાતે એકઠા થયા બાદ રેલી સ્વરૂપે ચોૈધરી હાઇસ્કૂલ, આર. વર્લ્ડ થઇ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત હડતાલને પગલે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી ન પડે તેવી વ્યવસ્થા ગોઠવાયાનો તંત્રવાહકોનો દાવોઃ ઓપીડી પણ ચાલુ રહી

તસ્વીરમાં સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબિબો સાથે આઇએમએના તબિબો અલગ અલગ બેનર્સ સાથે સુત્રોચ્ચાર કરતાં અને રેલી કલેક્ટર કચેરી તરફ ગઇ અને પહોંચી તેમજ કલેકટરશ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી તેના દ્રશ્યો જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૭: કોલકત્તાની આર.જી. કર મેડિકલ કોલેજમાં મહિલા તબિબ સાથે બળાત્કાર ગુજારી હત્યા કરી નાખવાની ઘટનાના દેશભરમાં પડેલા પડઘાના ભાગરૂપે આજે તબિબોએ હડતાલ પાડી છે. જે અંતગર્ત રાજકોટ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલ પીડીયુ મેડિકલ કોલેજના ૪૦૦ જેટલા રેસિડેન્ટ તબિબો મળી ૬૦૦ જેટલા તબિબો હડતાલમાં સામેલ થયા છે. તબિબોએ અલગ અલગ બેનર્સ સાથે સુત્રોચ્ચાર કર્યા હતાં અને બાદમાં રેલી સ્વરૂપે હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ફરી ત્યાંથી ચોૈધરી હાઇસ્કૂલ રોડ, આર. વર્લ્ડ સિનેમા રોડ થઇ કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરશ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. જ્યાં કોલકત્તાની ઘટનાને લઇને રજૂઆત કરવા ઉપરાંત રાજ્યના તમામ ડોક્ટરોની સુરક્ષા માટેના નક્કર પગલા લેવા અંગે પણ રજૂઆત થઇ હતી.
ત્યારબાદ તમામ તબિબો ફરીથી બેનર્સ સાથે રેલી સ્વરૂપે જામ ટાવર રોડ થઇ ફરી સિવિલ હોસ્પિટલે આવી પહોંચ્યા હતાં અને ધરણા કર્યા હતાં. બંગાળની ઘટનામાં ન્યાયી કાર્યવાહીની માંગણી સાથે તબિબોએ સુત્રોચ્ચાર કર્યા હતાં. આઇએમએ રાજકોટના પ્રેસિડેન્ટ પણ તેમને ટેકો આપવા મેડિકલ કોલેજ ખાતે પહોંચ્યા હોવાનું જણાવાયું હતું.
આ હડતાલને પગલે સિવિલ હોસ્પિટલમાં આવતાં દર્દીઓને અને દાખલ દર્દીઓને તકલીફ ન પડે તે માટે અલગથી વ્યવસ્થા ઉભી કરી લેવામાં આવી હોવાનો દાવો સત્તાધીશોએ વ્યક્ત કર્યો હતો. જો કે બીજી તરફ અનેક દર્દીઓને હેરાનગતી થયાની ફરિયાદો પણ ઉઠવા પામી હતી.
સિવિલ હોસ્પિટલમાં હડતાલને પગલે દર્દીઓને હાલાકી ભોગવવી ન પડે તે માટે તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા, આરએમઓ ડો. દૂસરા સહિતે વ્યવસ્થા ગોઠવી હતી. અહિ મેડિકલ ઓફિસર તેમજ મેડિકલ કોલેજના ટયુટર સહિતના તેમજ આરોગ્ય કેન્દ્રોમાંથી પણ તબિબોને બોલાવીને ઓપીડી તેમજ ઇમર્જન્સીમાં સેવા ઉપલબ્ધ રાખવામાં આવી છે. આ કારણે દર્દીઓને કોઇ હાલાકી નહિ પડે તેવું જણાવવામાં આવ્યું હતું.
દરમિયાન પીડીયુ મેડિકલ કોલેજના ચારસોથી વધુ રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાલમાં ગુજરાત આઇએમએના પ્રમુખ ડો. ભરત કાકડીયા, ડો. અતુલ પંડયા, ડો. ભાવેશ સચદે, રાજકોટ આઇએમએના પ્રમુખ ડો. કાંત જોગાણી, સેક્રેટરી ડો. અમિત મહેતા, ડો. અમિત હાપાણી, ડો. એમ. વી. વેકરીયા, ડો. હિરેન કોઠારી, ડો. ચેતન લાલચેતા, ડો. દર્શનાબેન પંડયા, ડો. દર્શીતાબેન શાહ, ડો. તેજસ કરમટા, ડો. પારસ શાહ સહિતના તબિબો સામેલ થયા હતાં. ૬૦૦થી વધુ ડોક્ટરો રેલી સ્વરૂપે સુત્રોચ્ચાર કરતાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતાં અને રજૂઆત કરી આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે પિડીતોને સમયસર ન્યાય મળે, ટોળા દ્વારા શાંતિપુર્ણ ધરણામાં તોફાન કરાયા તેની સામે તાત્કાલીક પગલા લેવામાં આવે, રાજ્યની બધી સરકારી હોસ્પિટલોમાં સલામત અને ભયમુક્ત કાર્યક્ષેત્ર જળવાયેલુ રહે અને એ માટે સુરક્ષા વધારવામાં આવે, દવાખાનામાં સુરક્ષા માટે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટને સમયસર લાગુ કરવામાં આવે.
(3:03 PM IST)










