<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

જુગારની કલબમાં રમવા ગયેલા રાજકોટના કારખાનેદાર નિતેશ ટિમ્બડીયાએ લાખો ગુમાવ્યા: રમવા લઈ જનારે પઠાણી ઉઘરાણી કરતાં એસિડ પીવું પડ્યું: આજીડેમ પોલીસે રવિ વેકરિયા સહિત પાંચ સામે ગુનો નોંધ્યો: પીઆઇ એ.બી.જાડેજાએ તપાસ આદરી

રાજકોટ: શહેરના કોઠારીયા રોડ પર આલોક રેસીડેન્સીમાં રહેતા અને માંડાડુંગર પાસે બાલાજી ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં જય બાલાજી સ્ટીલ નામે કારખાનુ ચલાવતા નિતેષભાઈ હસમુખભાઈ ટીંબડીયા (ઉ.વ.૩૫)ને જુગારની ક્લબમાં જુગાર રમવા લઈ જવાયા બાદ તેણે હારી ગયેલી રકમ પૈકી મોટા ભાગની રકમ આપી દીધી હોવા છતાં બાકીની રકમની પાંચ શખ્સોએ પઠાણી ઉઘરાણી કરી ધમકીઓ આપતા ત્રાસથી કંટાળી એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યાની આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે.

આજી ડેમ પોલીસે આ અંગે નિતેષભાઈની ફરિયાદ પરથી રવિ વેકરીયા, કપિલ પટેલ, બાદશાહ, ચિરાગ મોલીયા અને કાના કાકડીયા સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.નિતેષભાઈએ પોલીસને જણાવ્યું કે આજથી છએક માસ પહેલા તેને આરોપી કપીલ સાથે મુલાકાત થતાં મિત્રતા થઇ હતી. કપીલ અલગ-અલગ સ્થળે જુગાર રમવા જતો હોવાથી તેણે તેને ‘તું પણ જુગાર રમવા મારી સાથે આવ’ તેમ વારંવાર કહેતો હોવાથી તે આરોપી રવિ વેકરીયાની જુગાર ક્લબ કે જે ગોંડલ નજીક વાડી વિસ્તારમાં આવેલી છે ત્યાં જુગાર રમવાં ગયા હતા. જ્યાં જુગાર રમવા પાંચથી છ શખ્સો આવતા હતા. અને રૂા. ૩ લાખ ડિપોઝીટ પેટે જમા લઈ જુગાર રમાડતો હતો.

તે દિવસે તે જુગારમાં રૂા. ૧૩.૪૦ લાખ હારી ગયા હતા. જેમાંથી ડિપોઝીટનાં ૩ લાખ કાપી બાકીની હારેલી રકમનાં ૧૦.૪૦ લાખ બે દિવસમાં તેણે આરોપી રવિને રોકડા આપી દીધા હતા. બાદમાં જુગાર રમવાનું બંધ કરી દીધું હતું. એકાદ માસ બાદ ફરી આરોપી કપિલ અવારનવાર ફોન કરી જુગાર રમવા બોલાવતો હોઇ અને રવિની મોંઘીદાટ કાર લેવા માટે  આવતાં તે કારમાં મવડી વગડ ચોકડી પાસે એક ફલેટમાં ૧૪માં માળે જુગાર રમવા ગયો હતો. તે દિવસે પણ તે જુગારમાં રૂા. ૪૬.૫૦ લાખ હારી જતાં તેની ચૂકવણી પેટે રૂા. ૧૦ લાખ આરોપી કપિલને સોરઠીયાવાડી સર્કલ પાસે બોલાવી આરોપી રવિ અને બાદશાહ સાથે વાત કરાવીને આપ્યા હતાં. બાદમાં ૩ લાખ, પાંચ લાખ અલગ અલગ સ્થળે આપ્યા હતાં. જ્યારે બાકી રહેતી રકમ માટે આરોપી રવિ, કપિલ અને બાદશાહ તેને ફોન કરી આધાર કાર્ડ અને ચેકબૂક લઈને મવડીમાં આરોપી રવિની ઓફિસે તેને આપવાની થતી રકમ ઉછીના કે શરાફી રકમ પેટે આપેલ છે તેવું લખાણ કરી આપવા દબાણ કરતા હતા.

    ત્યારબાદ રવિ અને કપિલે આપવાની થતી રકમનો મેળ ન થયો હોય આરોપી કપિલે તેને થોડાક રૂપિયાનો મેળ કરી કાના કાકડીયાની જુગાર ક્લબ કે જે મેટોડા ગેઇટ નં. ૩ની સામે ૮માં માળે ફલેટમાં ચાલતી હોય ત્યાં જુગાર રમવા જવાનું અને રૂપિયા જીતી રવિને ચૂકવી આપવાની વાત કરી કપિલ તેને તે ક્લબે લઈ ગયો હતો. જ્યાં પણ તે જુગારમાં રૂા. ૮૦ લાખ હારી ગયો હતો. જે પૈકી રૂા. ૧૯ લાખ તેણે કાનાને ભાવનગર હાઇવે પર બોલાવી આપ્યા બાદ રૂા. ૮ લાખ, ૫ લાખ, ૩ લાખ, ૧ લાખ, ૩ લાખ, ૯.૫૦ લાખ મળી ચિરાગ મોલીયા સહિતના આરોપીઓ ૪૮.૫૦ લાખ અલગ-અલગ સ્થળેથી લઇ ગયા હતાં. જ્યારે બાકી રહેતી રૂા. ૩૧.૫૦ લાખની રકમ માટે આરોપીઓએ બે મહિનાનો સમય આપી બે મહિના બાદ ગમે તેમ કરીને તું મરી જા તો પણ મારા રૂપિયા આપી દેજે તેમ કહી ધમકી આપી હતી. તેણે જુગારમાં હારી ગયેલી રકમ પૈકી મોટી રકમ આરોપીઓને ચૂકવી દીધી હોવા છતાં વારંવાર ફોન અને રૂબરૂમાં ધમકીઓ આપી જો આ રકમ ન આપે તો જાનથી મારી નાખવાની અને મકાન કે અન્ય કોઇ મિલકત તેમના નામે લખાવી આપવા દબાણ કરતાં હતાં. એટલું જ નહીં આરોપીઓએ ગઈ તા. ૧૦ના તેના કારખાને જઇ બહાર બોલાવી મારકૂટ કરી ‘તું ગમે તેમ કર, તારે મરવું હો તો મરી જા, પણ અમારા રૂપિયા તો તારે ગમે તેમ કરીને આપવા જ પડશે.' કહીને ધમકી આપી પરાણે તેનું આધાર કાર્ડ લઇ ગયા હતા.

તેમજ સોમવાર સુધીમાં ગમે તેમ કરીને રૂપિયા આપવા માટે અલ્ટીમેટમ આપતા ત્રાસથી કંટાળી ગઈ તા. ૧૦ના તેના કારખાને એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલમાં ખસેડાયા હતાં. તેમ ફરિયાદમાં જણાવાતા આજીડેમ પીઆઇ એ.બી. જાડેજા અને ટીમે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(10:37 AM IST)