News of Monday, 19th August 2024
‘ઉત્સવનો રંગોત્સવ' : ૪ દિ'માં દરરોજ બે એકાંકી નાટકો : ૬૪ કલાકારોએ કલા પીરસી

રાજકોટઃ ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી - ગાંધીનગરના આર્થિક સહયોગથી રાજકોટ ખાતે ‘ઉત્સવનો રંગોત્સવ - દશાબ્દી મહોત્સવ' નાટકનો કાર્યક્રમ નિઃશુલ્ક નાટયશાળા ઉત્સવ એક્ટિંગ એકેડેમીના રજીસ્ટ્રેશનને દશ વર્ષ પૂર્ણ થતાં યોજાયેલ.
પ્રથમ દિવસે શિવમ ફાઉન્ડેશન નિર્મિત, શશિ શાહ લિખિત અને ગૌતમ દવે દિગ્દર્શિત સાયકોપ્લે ‘બેશરમ કથાનો નાયક' અને બીજું નવજીવન આર્ટ નિર્મિત, દામુ સાંગાણી લિખિત અને શમીક દવે દિગ્દર્શિત ‘વકીલ સાહેબ વીફર્યા' બમ્પર કોમેડી નાટક રજૂ થયા હતાં.
બીજા દિવસે રંગધારા આર્ટ એજન્સી નિર્મિત, ચુનિલાલ મડિયા લિખિત અને ગૌતમ દવે - રાયમલ બોરિયા દિગ્દર્શિત ગ્રામ્યશૈલીનું કરુણ નાટક ‘ભવોભવ' અને ત્યારબાદ કુંજ કલા કેન્દ્ર - રાજકોટ નિર્મિત, ડો.જગદીશ ત્રિવેદી લિખિત અને નિકુંજ દવે દિગ્દર્શિત સસ્પેન્સ નાટક ‘ગૂંચ' રજૂ થયેલ.
ત્રીજા દિવસે વી - ડ્રામેટીક્સ નિર્મિત, વળંદા નથવાણી લિખિત અને દિગ્દર્શિત સોસિયલ એક્સ્પેરીમેન્ટલ પ્લે ‘જરૂરિયાત કેટલી?' અને રંગ ઉપાષક રાજકોટ નિર્મિત, શ્રીકાન્ત શાહ લિખિત અને દર્પણ લાઠીગરા દિગ્દર્શિત એબ્સર્ટ નાટક ‘સરનામા વગરનું મોત' રજૂ થયેલ.
ચોથા દિવસે રંગોત્સવના અંતિમ દિવસે સૂરભી આર્ટસ નિર્મિત, ગુલામહુસેન અગવાન લિખિત અને ગૌતમ દવે-ગુલામહુસેન અગવાન દિગ્દર્શિત સસ્પેન્સ નાટક ‘અંજામ' અને ત્યારબાદ કનક થિયેટર ગ્રુપ નિર્મિત, કિશોર ઘેલાણી વિમિત અને પ્રેરક મેર કિશોર પેલાણી દિગ્દર્શિત સોસિયલ કોમેડી નાટક ‘રસિક સોજી બલમા' રજૂ થયેલ. કુલ ૬૪ કલાકારોએ અભિનયના ઓજસ પાથર્યા હતા.
ડો. દર્શિતાબેન શાહ (ધારાસભ્ય - રાજકોટ દક્ષિણ), મુકેશ દોશી (પ્રમુખ - રાજકોટ શહેર ભાજપ), જવલંત છાયા (તંત્રી - ફૂલછાબ), વિમલ ધામી (પત્રકાર), જગદીશ મહેતા (તંત્રી - હેડ લાઈન), સંજુ વાળા (વરિષ્ઠ કવિ), ડો. શૈલેશ ટેવાણી (વરિષ્ઠ કવિ-નાટયકાર), પ્રો. રાજા કાથડ (અધ્યક્ષ - આંબેડકર ચેર), આર.પી.જોષી (વરિષ્ઠ કવિ), પંકજભાઈ રાવલ (સંપર્ક પ્રમુખ - સૌરાષ્ટ્ર પ્રાંત આરએસએસ), એચ.વી. દિહોરા (જિલ્લા યુવા વિકાસ અધિકાર - રાજકોટ) તેમજ દિનેશ વિરાણી (ઉત્સવ ગ્રુપ) એ નાટક માણ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ઉત્સવ એક્ટિંગ એકેડેમીના સંચાલક નિર્લોક પરમાર યુવા દિગ્દર્શક ગૌતમ દવે, આર્ષ વ્યાસ, હર્ષિત ચૌહાણ, શુભમ ભટ્ટ, અમિત વાઘેલા અને દિવ્યેશ- મહેતાએ જહેમત ઉઠાવી હતી.
(10:05 AM IST)










