News of Monday, 19th August 2024
વ્યાજખોરીઃ સરધારમાં પાઉભાજીવાળા ઉમેશના મકાનમાં કબ્જો,દૂકાનનો સામાન પણ વેંચી માર્યોઃ બે પકડાયા
ચાલીસ વર્ષથી મધુરમ્ પાઉભાજી નામે ધંધો કરતાં યુવાનને બહેનના લગ્ન અને ધંધા માટે વ્યાજે નાણા લેતાં ગામ મુકવા મજબૂર થવું પડયું હતું આજીડેમ પોલીસે ભૂપગઢના વિવેકસિંહ સિંધવ અને સરધારના નિલેષ કાશીપરા સામે ગુનો નોંધી ધરપકડ કરીઃ વિવેકસિંહે ૧.૭૦ લાખ સામે મકાન પડાવી સામાન ભરી લીધોઃ નિલેષ પાંચ લાખ સામે દૂકાનની ડિપોઝીટના ૭ લાખ ખાઇ ગયો, બે લાખનો સામાન વેંચી નાંખ્યો

રાજકોટ તા. ૧૯: વ્યાજખોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં સરધારમાં વર્ષોથી રહેતાં અને પિતા સાથે મધુરમ્ પાઉભાજી નામે ધંધો કરતાં યુવાને અગાઉ ભૂપગઢ અને સરધારના શખ્સો પાસેથી બહેનના લગ્ન માટે તેમજ ધંધા માટે વ્યાજે નાણા લીધા હતાં. આ બંનેએ મસમોટુ વ્યાજ વસુલ્યા પછી છેલ્લે યુવાન વ્યાજમાં ફસાઇ જતાં ગામ મુકવા મજબૂર થઇ જતાં એક શખ્સે તેના ઘરમાં કબ્જો જમાવી ૭ લાખની ઘરવખરી ઉઠાવી લીધી હતી અને બીજાએ તેની દૂકાનની ડિપોઝીટ ખાઇ જઇ દુકાનનો બે લાખનો સામાન વેંચી માર્યો હતો. આજીડેમ પોલીસે અગાઉ લોક દરબારમાં થયેલી અરજીને આધારે ગુનો નોંધી બંને આરોપીને પકડી લીધા છે.
આ બનાવમાં આજીડેમ પોલીસે સાતકે માસથી સરધારમાં અલગ અલગ સગાને ત્યાં રહેતાં મુળ મુળ યુપીના જાલોન જીલ્લાના કોંચ તાબેના સોની ગામના વતની ઉમેશ ઇન્દલસિંગ કુશવાહ (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી ભૂપગઢના વિવેકસિંહ બાલુભા સિંધવ (ઉ.વ.૩૪) અને સરધારના નિલેષ પરષોત્તમભાઇ કાશીપરા (ઉ.વ.૪૮) વિરૂધ્ધ બીએનએસની કલમો હેઠળ વ્યાજખોરીનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. એક શખ્સે ૧.૭૦ લાખ વ્યાજે આપી તેની સામે તેનો સાત લાખનો ઘરવખરીનો સામાન, ધંધાનો સામાત પડાવી લઇ તેમજ બીજા શખ્સે પાંચ લાખ સામે દુકાનની ડિપોલઝીટ અને દુકાનનો બે લાખનો સામન પડાવી લઇ મકાન, સામાન બળજબરીથી કઢાવી લીધાનો આરોપી મુકાયો છે.
ઉમેશ કુશવાહે જણાવ્યું છે કે મારા પિતા સરધાર ગામે ચાલીસ વર્ષથી રહે છે. તેઓ ગામમાં મધુરમ્ પાઉભાજી નામે ધંધો કરતાં હતાં. મારા પિતાની ઉમર થઇ જતાં આ ધંધો હું સંભાળતો હતો. વર્ષ ૨૦૦૭માં નિલેષ કાશીપરાકે જેની દુકાન સરધાર બસ સ્ટેશનમાં છે તેની દૂકાન મેં અને મારા પિતાએ ભાડેથી રાખી હતી. ત્યારબાદ તેમાં મધુરમ્ નામે પાઉઘાજીનો ધંધો ચાલુ કર્યો હતો. બે દુકાન હોઇ એકના ૩ હજાર લેખે હું છ હજાર ભાડુ તેને ચુકવતો હતો. ડીપોઝીટના પંદર હજાર જમા કરાવ્યા હતાં. પાંચ વર્ષ પહેલા તેમણે કાશીપરા નામથી કોમ્પલેક્ષ બનાવતાં એક દુકાનની ડિપોઝીટ સાડા ત્રણ લાખ રાખી હતી. જેથી મેં એક જ દુકાન રાખી હતી અને એક દુકાનની ડિપોઝીટ સાડા ત્રણ લાખ રૂપિય ાભરી હતી.
મારે વધુ દુકાનની જરૂર પડતાં મેં વધારાની એક દુકાન જુલાઇ-૨૦૨૩માં ભાડેથી રાખી હતી. તેના પણ સાડા ત્રણ લાખ ડિપોઝીટના અલગથી ભર્યા હતાં. પરંતુ બીજી દુકાન મને ભાડેથી ન આપી તેણે જ તેમાં પાઉભાજીનો ધંધો મારી બાજુમાં જ ચાલુ કરી દીધો હતો. આ નિલેષભાઇએ મને ૨૦૨૦માં પણ મારી બહેનના લગ્ન હતાં ત્યારે પાંચ લાખ વ્યાજે આપ્યા હતાં. તેનું દર મહિને હું ૩૫ હજાર વ્યાજ ભરતો હતો. છેલ્લે હું વ્યાજવટાવમાંફસાઇ જતાં નિલેષભાઇએ પઠાણી ઉઘરાણી ચાલુ કરી હતી.
આથી નવેમ્બર-૨૦૨૩માં હું પરિવાર સાથે ગામ મુકી જતો રહ્યો હતો. નિલેષભાઇ પાસે મારા ડિપોઝીટના ૭ લાખ હતાં તેમાંથી સાડા ત્રણ લાખ પાછા માંગતા તેણે પોતાના પાંચ લાખ માંગી દુકાન ખાલી કરવાની ધમકી આપી હતી. મેં વ્યાજે લીધેલા પાંચ લાખ આપી શકુ તેમ ન હોઉ સરધારના ભૂપગઢના વિવેકસિંહ સિંધવ પાસેથી મે-૨૦૨૧માં એક લાખ વ્યાજ લઇ દર મહિને પાંચ હજાર વ્યાજ ભરવાનું ચાલુક ર્યુ હતું. ૧૧-૨૦૨૩ સુધી મેં વ્યાજ ભર્યુ હતું. એ પછી ૨૦૨૩માં ૭૦ હજાર લીધા હતાં. તેનું રોજનું ૭૦૦ વ્યાજ ભર્યુ હતું. છએક મહિના આ વ્યાજ ભર્યુ હતું. એ પછી ગામ મુકી હું જતો રહ્યો હતો. ત્યારથી મેં તેમને વ્યાજ આપ્યું નથી.
વિવેકસિંહ મને ફોન કરી ઉઘરાણી કરી ધમકી આપી ગાળો દઇ કહેતો હતો કે મારા પૈસા તો તારા બાપને પણ વ્યાજ સહિત આપવાના છે, જો નહિ આપ તો યુપીમાંથી પણ તને ગોતી લઇશ અને પરિવાર સાથે જીવતા નહિ રહેવા દઉ, તારુ મકાન પણ સામાન સહિત લઇ લઇશ તેવી વાંરવાર ધમકી આપી હતી. નિલેષ કાશીપરાએ પણ મને ફોન કરી વારંવાર વ્યાજની ઉઘરાણી કરી હતી. મેં તેને મારી ડિપોઝીટ સાડા સાત લાખ જમા છે તેમ કહેતાં તેણે આ રકમ વ્યાજમાં પુરી થઇ ગઇ, હજી તારે પાંચ લાખ તો આપવાના જ છે, તું પૈસા આપીને તારી દુકાનનો સામાન લઇ જાય, નહિતર સામાન વેંચી નાખીશ. ત્યારબાદ તેણે મને કહેલુ કે તારો સામાન મેં વેંચી નાખ્યો છે હવે તુ ધક્કો ન ખાતો.
એ પછી મને જાણવા મળેલુ કે વિવેકસિંહે પણ મારા મકાનનું તાળુ તોડી સામાન ભરી તે તેના ભુપગઢના ઘરે લઇ ગયો છે અને મારા મકાનને તાળા મારા કબ્જો કરી લીધો છે. તેમજ મારુ મકાન હાર્દિક કુબાવતને ભાડે આપી દીધુ છે. મેં વિવેકસિંહને ફોન કરતાં તેણે કહેલું કે તારો સમાન અને મકાન હવે મારા કબ્જામાં છે, મારા વ્યાજ સહિતની રકમ આપીશ તો જ તને આ પાછુ મળશે. તેમજ પોલીસ ફરિયાદ કરવા જઇશ તો જીવતો નહિ રહેવા દઉ તેવી ધમકી આપી હતી. જેથી હું ડરી જતા ંસરધારમાં આવ્યો નહોતો.
બીજી તરફ મારી દૂકાનનો આશરે બે લાખનો સામાન નિલેષ કાશીપરાએ ભરી લીધો છે અને મારી દુકાનમાં તેણે જ પાઉભાજીનો ધંધો ચાલુ કરી દીધો છે. રાજકોટમાં વ્યાજખોરી સામે લોકદરબાર યોજાતાં મેં અરજી કરી હતી. મારા મકાનમાં ભાડે રહેતાં હાર્દિક કુબાવત તરફથી જાણવા મળેલુ કે મારા મકાનમાંથી વિવેકસિંહ બે કૂલર, એક ટીવી, એક ફ્રીઝ, પ્લાસ્ટીકના ટેબલો, બે સુટેકેશ, સાત ગેસના બાટલા, બે ફર્નિચરના કાઉન્ટર, ઘઉ ભરેલી કોઠી, ગેસના ચુલા, વીટી, તુટેલુ મંગલસુત્ર સહિતનો સામાન ભરી ગયો છે.
આમ વિવેકસિંહ સિંધવે મને ૧,૭૦,૦૦૦ વ્યાજે આપી સામે મારો મકાનનો કબ્જો કરી લઇ તેમાંથી ૭ લાખની ઘરવખરી ભરી ગયો છે અને નિલેષ કાશીપરાએ મને ૫ લાખ વ્યાજે આપ્યા હોઇ તેની સામે મારી દૂકાનની ડિપોઝીટ ખાઇ ગયો છે અને બે લાખનો સામાન ભરી ગયો છે. હાલ મારે ઘર હોવા છતાં સગા સંબંધીઓના ઘરે રહેવા મજબુર થવુ પડયુ હતું. પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એ. જે. પરમાર અને ટીમે કાર્યવાહી કરી બંને આરોપીની ધરપકડ કરી મકાન ખાલી કરાવી આપવા કાર્યવાહી કરી હતી.
(3:04 PM IST)










