News of Monday, 19th August 2024
સૂરનો શહેનશાહ રાસડાનો રાજા હેમુ ગઢવી આટલી નાની ઉંમરે કેમ પ્રભુને પ્યારો થઇ ગયો હશે?
યાદ હેમુ આવશેઃ ૨૦ ઓગસ્ટે સ્વ.હેમુગઢવીની પુણ્યતિથિ નિમિતે શબ્દાંજલી

૨૦ ઓગસ્ટ !
આ દિવસે ૧૯૬૫ ની સાલમાં ગરવા ગાયક હેમુ ગઢવીનો હેમ જેવો કંઠ વિરમ્યો એ ગોઝારી દુર્ઘટનાને આજે ૫૯- ૫૯ વરસનાં વ્હાણાં વાઈ ગયાં. પણ આટલા વરસોમાં ભાગ્યેજ એવો કોઈ દિવસ વિત્યો હશે કે એવી રઢિયાળી રાત્રી વિતી હશે કે ગુજરાત, ભારત કે વિશ્વના કોઇ ખૂણે હેમુ ગઢવીએ ગાયેલ કોઈ લોકગીત/ ભજન /સંગીતિકા /દુહા-છંદની પંક્તિઓ ગવાઈ નહીં હોય !
કાઠિયાવાડી લોકસાહિત્ય/લોકસંગીત/લોકવિદ્યાના આપણા મરતલોકના એ મોરલાનું અને આપણા મલકની એ હૂંફાળી હલકનું આજે એમની પુણ્યતિથિએ સજળ આંખોએ સ્મરણ કરીને વંદન કરીએ હેમુ ગઢવીની ચિરંજીવી,કાલાતીત કલાચેતનાને.
કલામર્મજ્ઞ સ્વ. વિનુ મહેતા લખે છેઃ ગળથૂથીમાં ગળું અને ગાયકી લઈને આવેલો એ રૂખડીયો ચારણ આફુડો આફુડો વ્હાલો લાગતો. ઈ ગોળનાં ગાડાં ને મધના માટલિયાળો, સૂરનો શહેનશાહ, રાસડાનો રાજા હેમુ ગઢવી આટલી નાની ઉમરે - ૩૫ વર્ષે - કેમ પરભુનો પ્યારો થઈ ગયો હશે ? શું આપણા કાનની બહેરાશ, નમાલી દાદ અને હ્રદયની ઓછપ ઈ પામી જઈ અકાળે મોં ફેરવી અબોલ અને અદ્રશ્ય થઈ ગીયો હશે ?
કાઠીયાવાડની પાંચાળભૂમિનાં સાયલા તાલુકાનાં ગામ ઢાંકણિયા ખાતે ૪ સપ્ટેમ્બર, ૧૯૨૯ ના રોજ નાનભા ગઢવીનાં ઘરે બાલુબાની કુખે કવિકુળમાં જન્મ લેનાર શ્રી હેમુભાઈને નાનપણથી કળા અને સંગીતમાં રસ. ૧૧ વરસની ઉમરે હેમુભાઈ મામાની નાટકમંડળીમાં જોડાઈને બાળકનૈયા જેવી નાની મોટી ભૂમિકાઓ ભજવતા થઈ ગયા. પુખ્ત ઉમરે સ્ત્રી પાત્રો ભજવનાર ‘માસ્ટર હિંમત' ઊર્ફે હેમુ ગઢવી અને એમની નાટકમંડળીનાં નાટક ‘શેણી વિજાણંદ'નો શો રાજકોટ ખાતે ‘રાજ' થિયેટરમાં યોજાયેલ. આ નાટકમાં પ્રેક્ષક તરીકે આવેલ તત્કાલીન આકાશવાણી કેન્દ્ર નિયામક શ્રી ગિજુભાઈ વ્યાસ અને અધિકારી ચંદ્રકાંત ભટ્ટ,સુરેશ ઠાકોર વગેરે હેમુ ગઢવીની અભિનયકળાથી અચંબિત થઈ ગયા.‘શેણી વિજાણંદ' નાટક પૂરું થયા બાદ હેમુભાઈને તેઓ મળ્યા અને આકાશવાણી રાજકોટમાં જોડાવાની વિનંતી કરી અને આમ ‘તાનપુરા વાદક' તરીકે હેમુ ગઢવીનો પ્રભાવક પ્રવેશ થયો આકાશવાણી રાજકોટમાં. આ વાત છે ૧૯૫૬ ની.
આકાશવાણી, રાજકોટમાં ત્યારે ગિજુભાઈ વ્યાસ, ચંદ્રકાંત ભટ્ટ, ઉપેન્દ્ર ત્રિવેદી,સુરેશ ઠાકોર, દીનાબેન ગાંધર્વ, ભારતીબેન વ્યાસ, ભરતભાઈ યાજ્ઞિક, દેવેન શાહ જેવા મર્મજ્ઞો અને તજજ્ઞોનો દબદબો.
આકાશવાણી રાજકોટના તત્કાલીન હીરાપારખું/હીરપારખું અધિકારીઓએ લોકસાહિત્ય અને લોકસંગીતના ‘તેજીલા તોખાર' હેમુ ગઢવીને આકાશવાણીમાં છૂટો દોર આપ્યો. અને હેમુભાઈએ એકથી એક ચડિયાતા એવાં લોકગીતો /ભજનો /દુહા-છંદ /રાસડા /સંગીત - રૂપકો/નાટકો વગેરે તૈયાર કરીને,સ્વરદેહ આપીને પ્રસારણની પાંખે વહેતા મૂકીને છાકો પાડી દીધો.
હેમુભાઈનાં ગરવાં ગળામાંથી ગળાઇને નીકળેલાં ગીતો/ભજનો/સંગીતિકાઓ લોકજીભે અને લોકહૈયે રમવાં લાગ્યાં.
હેમુભાઈના સ્વરને સુરીલો સાથ સાંપડ્યો દીનાબેન ગાંધર્વનો. બંનેએ સાથે મળીને અસંખ્ય લોકગીતો /ભજનો /સંગીત રૂપકો પ્રસ્તુત કર્યા જે આટલા વર્ષો પછી પણ કામણ કરી રહ્યાં છે. તબલાવાદક હાજીભાઈ અને મંજીરાં વાદક ટપુભાઈ દેગામા અને વાયોલિન વાદક નાનજીભાઈ મિસ્ત્રીની ત્રિપૂટીએ હેમુભાઈ/દીનાબેન સાથે સાંગીતિક સાયુજય રચીને અનેક રમણીય /સ્મરણીય રચનાઓની ભેટ આપી. આ પૈકી કેટલાક લોકપ્રિય સંગીત રૂપકો/નાટકો જોઈએ તો -
-રાજા હરિશ્ચંદ્ર /પૃથ્વીરાજ ચૌહાણ/કવળાં સાસરિયાં / રાણો કુવર /પાતળી પરમાર /જાહલની ચિઠ્ઠી /રાંકનું રતન / શેતલને કાંઠે/શેણી-વીજાણંદ/રાણકદેવી-રાખેંગાર/જેસલ-તોરલ/મીંઢોળબંધો હમીરજી ગોહિલ/દાસીજીવણ/ વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં/વગેરે.
ઉપરાંત હેમુભાઈએ સ્વરદેહ આપેલ અન્ય કેટલીક લોકપ્રિય લોકગીત/ભજન રચનાઓ જોઈએ તો -
મારું વનરાવન છે રૂડું..., સવા બશેરનું મારું દાતરડું.., દાદા હો દીકરી.., સોના વાટકડી રે કેસર ઘોળ્યાં.., એક દિન પંચસિંધુને તીર.., મારું મન મોર બની થનગાટ.. , વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં.., રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.., ખમ્મા મારા નંદજીના લાલ.., ઝૂલણ મોરલી વાગી રે..., ચાંદો ઉગ્યો ચોકમા.., કાન તારી મોરલીએ.., ભોળી રે ભરવાડણ હરિને.., હૈડા તમે હાલોને અંજાર.., જેને દેખીને મારાં નેણાં ઠરે..., હાલો મારા હરિજનની.., તમે વિશ્વાસી નરને કાં .., મેરુ તો ડગે,જેનાં મનડાં..
એચએમવીએ બહાર પાડેલ લોંગ પ્લે રેકોર્ડ ‘સ્મરણાંજલિ'માં હેમુભાઈએ ગાયેલ ઘણીખરી રચનાઓ સંગ્રહિત છે. ઉપરાંત સ્વ. મનુભાઈ ગઢવીની ૧૯૬૫ ની ગરિમાપૂર્ણ ગુજરાતી ફિલ્મ ‘કસંબીનો રંગ' માં હેમુ ગઢવીએ પાર્શ્વગાયન પણ કરેલ છે.
હેમુ ગઢવી ઉચ્ચ કોટિના ગાયક હોવા ઉપરાંત માણસાઈથી છલોછલ વ્યક્તિ હતા. કોઈ અજાણ ગરીબ વિધવાએ પોતાનાં પુત્રનાં અવસાન નિમિત્તે ભજનનો કાર્યક્રમ રાખવાની આકાશવાણી ખાતે રૂબરૂ આવીને વિનંતી કરતાં હેમુભાઈએ પોતાના સાથીદારો હાજીભાઈ /ટપુભાઈ /નટવરગિરી ગોસ્વામી વગેરેને લઈને ત્યાં કાર્યક્રમ કરેલ. એ જ રીતે આકાશવાણી ઉપર પોસ્ટકાર્ડ લખીને હેમુભાઈને કોઈ ગરીબ વિધવાએ પોતાને ખોરડે પધારવા જણાવેલ તો હેમુભાઈ એક દિવસ એ બાજુ કાર્યક્રમ માટે ગયેલ ત્યારે કાર્યક્રમ પૂરો કરીને પેલાં પોસ્ટકાર્ડનાં નામ /સરનામાંના આધારે અન્ય કલાકાર મિત્ર જોડે પેલી વિધવાનાં ગામડે રૂબરૂ ગયેલ અને પોતાને મળેલ પુરસ્કારનું કવર પેલી ‘બહેન' ને આપી આવેલ. આ કિસ્સો પદ્મશ્રી ભીખુદાનભાઈ પાસેથી વિગતવાર સાંભળવા જેવો છે.
૧૯૬૦ ની આસપાસના થોડા વરસો સુધી સૌરાષ્ટ્રની કળા/સંગીતની પ્રવૃત્તિઓનું કેન્દ્ર સ્થાન હતું રાજકોટની ‘સૌરાષ્ટ્ર સંગીત નાટક એકેડમી' જેમાં હેમુ ગઢવી લોકસંગીતના વર્ગો લેવા જતા. આકાશવાણીની નોકરીની સાથોસાથ હેમુ ગઢવી આ રીતે નાટયપ્રવૃત્તિમાંય રમમાણ રહ્યાં. માર્કંડ ભટ્ટ, રામજીભાઈ વાણિયા, ભરતભાઈ યાજ્ઞિક, રેણુ બેન યાજ્ઞિક, દેવેન શાહ વગેરે પણ એ સમયે એકેડમી સાથે જોડાયેલ હતા.‘શેતલને કાંઠે /ધન્ય સૌરાષ્ટ્ર ધરણી' જેવા એ સમયનાં લોકપ્રિય નાટકોમાં હેમુભાઈનાં મૂલ્યવાન પ્રદાન વિશે કલામર્મજ્ઞ જયમલ પરમારે સહર્ષ નોંધ લીધી છે.
૧૯૬૩ માં આકાશવાણી દ્વારા દિલ્હી ખાતે યોજાયેલા ‘અખિલ ભારતીય સંગીત સંમેલન' માં હેમુભાઈ ગઢવીએ અને કનુભાઈ બારોટે આકાશવાણી રાજકોટના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહીને કાઠીયાવાડી લોકસંગીતને દિલ્હીના દરબારમાં પ્રસ્તુત કરીને પ્રચંડ પ્રતિસાદ મેળવેલ.
સુખ્યાત ફિલ્મકાર,અભિનેતા દેવાનંદ તેમની મહત્વાકાંક્ષી ફિલ્મ ગાઇડનું શૂટીંગ કરવા ૧૯૬૩ માં વઢવાણ આવેલ એ દરમ્યાન એક રાત્રે સુરેન્દ્રનગર ખાતે એક ડાયરામાં દેવાનંદ લઈ જવામાં આવ્યા. એ ડાયરામાં હેમુ ગઢવીને સાંભળીને દેવાનંદ તો ઓળઘોળ થઈ ગયા અને બીજા દિવસે હેમુભાઈને ગાઇડ ના સેટ પર નિમંત્રિત કરીને ત્યાં ગવડાવ્યું.એટલું જ નહીં હેમુભાઈએ ગાયેલ એ બધું તેમણે અંગત સંગ્રહ માટે રેકોર્ડ કરી લીધું. હેમુભાઈનાં એ રેકોર્ડિંગને યથાવકાશે આંખો મીંચીને, મન ભરીને માણતા દેવાનંદ.
૧૯૬૫ ના ઓગસ્ટની ૨૦ મી તારીખે હેમુ ગઢવી રાજકોટ નજીકનાં પડધરી ગામે રજપૂત સમાજનાં રાસ-ગરબાનું રેકોર્ડિંગ કરવા ગયેલ. સાથે હતા તબલાવાદક હાજીભાઈ અને મંજીરાવાદક ટપુભાઈ દેગામા. રેકોર્ડિંગ દરમ્યાન જ હેમુભાઈને અચાનક હ્રદયરોગનો હુમલો આવ્યો ને તબલાવાદક હાજીભાઈના ખોળામાં ઢળી પડ્યા હેમુભાઈ !
ગુર્જરધરાનું અણમોલ રતન પડધરીનાં પાદરમાં અંતિમ શ્વાસ લઈને વિરમી ગયું સદાને માટે. યોગાનુયોગ ત્યારે જન્માષ્ટમીનો દિવસ હતો. રાજકોટનાં શાસ્ત્રીમેદાનમાં ત્યારે લોકમેળામાં હૈયેહૈયું દળાય એટલી મેદની હેમુ ગઢવીને સાંભળવા વાટ જોઈ રહી હતી. ને એ મેદનીને હેમુભાઈના અષાઢી કંઠને બદલે સાંભળવા મળ્યા હેમુભાઈની વસમી વિદાયના વાવડ !
એ પણ કેવો જોગાનુજોગ છે કે ‘મોરલીધર' નાટકમાં બાલકૃષ્ણની ભૂમિકાથી પ્રારંભાયેલ ‘માસ્ટર હિંમત' ઊર્ફે હેમુ ગઢવીની કલાયાત્રા કાનુડાના પદો/લોકગીતો ગાતાં ગાતાં અંતે કાનુડાના જન્મદિવસે એટલે કે જન્માષ્ટમીના સપરમા દિવસે જ આટોપાઈ.
આજે એ ગોઝારી ઘટનાને ૫૯ વર્ષ થયા પણ હેમુ ગઢવીનો હલકદાર કંઠ તો વાતાવરણમાં અત્યારે પણ ગુંજયા કરે છે ને ગુંજયા જ કરશે યાવત્ચ્ચંદ્રદિવાકરૌ !
રાજકોટના કોલેજવાડી વિસ્તારમાં હેમુભાઈનું જયાં પ્રારંભિક નિવાસસ્થાન હતું એ માર્ગને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘હેમુ ગઢવી માર્ગ' નામ અપાયું છે. ઉપરાંત, ગુજરાત સરકાર દ્વારા રાજકોટ ખાતે નિર્મિત અદ્યતન નાટયગૃહને ૨૦ ઓગસ્ટ,૧૯૯૮ ના રોજ લોકાર્પણ બાદ ‘હેમુગઢવી નાટયગૃહ' નામ અપાયું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંચાલિત ‘ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર' દ્વારા દર વર્ષે લોકસંગીતના કોઈ ઉત્કૃષ્ટ કલાકારને પસંદ કરીને ‘હેમુ ગઢવી એવોર્ડ' પ્રદાન કરવાનું હેમુભાઈની ૫૦ મી પુણ્યતિથિએ ( ૨૦૧૫ થી) શરૂ થયેલ છે, જેના પ્રારંભિક વિજેતા રહ્યા સ્વ. દિવાળીબેન ભીલ.
હેમુ ગઢવીના ચાહકજનો અને પરિવારજનો દ્વારા ‘હેમુ ગઢવી સ્મૃતિ સંસ્થાપન ટ્રસ્ટ' ના નેજા હેઠળ ૧૯૬૬ થી ૨૦૧૫ સુધી એમ લગાતાર ૫૦ વર્ષ સુધી હેમુભાઈની પુણ્યતિથિએ દિગ્ગજ કલાકારોની ઉપસ્થિતિ વાળા શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાતા રહ્યા.
હેમુભાઈની ૫૦ મી પુણ્યતિથિએ એટલે કે ૨૦૧૫ માં તો ત્રિદિવસીય કાર્યક્રમનું અદભુત આયોજન થયેલું. હેમુભાઈની પુણ્યતિથિએ દર વરસે યોજાતા આ વિશિષ્ટ આયોજન ‘યાદ હેમુ આવશે' ને ૫૦ વરસની મજલ પૂરી કર્યા બાદ કાયમી વિરામ આપવામાં આવેલ છે.
હેમુ ગઢવીનાં જન્મસ્થળનાં ગામ ‘ઢાંકણિયા' (તા.સાયલા-જિ.સુરેન્દ્રનગર) ખાતે હેમુ ગઢવીનું સોહામણું,સંગીતમય સ્મારક ‘હેમતીર્થ' ૨૦૧૬ માં લોકાર્પિત થયેલ છે.
લોકસાહિત્ય /લોકવિદ્યા / લોકવાણી/લોકસંગીત /લોકસંસ્કૃતિના ખેપિયા, રખોપિયા અને મશાલચી એવા ગાંધર્વ સમા ગાયક શ્રી હેમુ ગઢવીની વિરલ કલાચેતનાને વિનમ્ર નમન.
આલેખન
આર.પી.જોષી
રાજકોટ
મો ૬૩૫૩૫ ૯૪૯૨૦/ ૯૮૨૫૨ ૭૨૩૮૨

(2:50 PM IST)










