<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

વિશ્વ ફોટોગ્રાફી દિવસ : કેમેરો ગમે તેટલો મોંઘો હોય, પરંતુ કેમેરા પાછળની આંખ જ સર્વોપરી રહેશે

થોડાં દિવસો પહેલાં જ ફ્રાન્‍સમાં પેરિસ ઓલમ્‍પિક રમતોત્‍સવ યોજાઈ ગયો. વિશ્વભરનાં અનેક ફોટોગ્રાફર્સ સહિત સેંકડો લોકોએ તેની યાદગાર તસવીરો લીધી. હવામાં કૂદકો મારતાં જીમ્‍નાસ્‍ટીક ખેલાડીઓ, ડાઇવિંગ બોર્ડ પરથી હવામાં ગુલાંટો મારી પાણીમાં ડુબકી લગાવતાં ડાઈવર્સ, સાડા પાંચસો કિલોમીટર પ્રતિ કલાક થી વધુ ઝડપે સ્‍મેશ મારતો બેડમિન્‍ટન ખેલાડી હોય કે પછી ટેનિસ નો ગોલ્‍ડન સ્‍લેમ પૂર્ણ કરનાર વિશ્વનાં સૌથી મહાન ખેલાડીઓમાં નો એક - નોવાક જોકોવિચ ભાવાવેશમાં આવી, અશ્રુભીની આંખે રોનાલ્‍ડ ગારોઝ નાં  કોર્ટની પવિત્ર લાલ ધરાની ધૂળની ચપટી મોમાં મુકતો હોય! આવી અનેક સુંદર તસવીરો આપણે નિહાળીએ છે. ઘણાં ઓછાં લોકોને ખ્‍યાલ હશે કે ફ્રાન્‍સનાં જોસેફ નિસેફોર નીએપ્‍સ ને ફોટોગ્રાફી નાં ભીષ્‍મ પિતામહ કહેવાય છે. તેમણે ૧૮૧૬ થી સૂર્યપ્રકાશ દ્વારા ફોટાઓ લેવાનાં પ્રયોગો શરૂ કર્યા હતાં. તે પધ્‍ધતિ હેલીઓગ્રાફી કહેવાતી. તેમણે કેમેરા દ્વારા સૌપ્રથમ ૧૮૨૬ માં ધાતુની પ્‍લેટ પર એક તસવીર અંકિત કરી. ત્‍યાર બાદ ફ્રાન્‍સનાં જ એક ચિત્રકાર તથાં તસવીરકાર લુઇસ ડેગ્‍યુરે સાથે મળી સંશોધન કર્યું. ૧૮૩૩ માં નિસેફોર નાં અવસાન પછી ૧૮૩૯ માં ડેન્‍ગ્‍યુરે ને જબરી સફળતા મળી. તેમણે લાંબા સમય સુધી જળવાઈ રહે તેવી વિશ્વની સૌપ્રથમ તસવીર નું સર્જન કર્યું. ત્રાંબાની પ્‍લેટ પર લાઈટ સેન્‍સિટિવ સિલ્‍વર હેલાઈડ એટલે કે ચાંદી સાથેનાં ક્‍લોરાઇડ, બ્રોમાઈડ જેવાં સંયોજનો લગાડીને સીધી પોઝિટિવ ઈમેજ ઉત્‍પન્ન કરતી આ પ્રક્રિયાને ડેગ્‍યુરેટાઈપ પ્રોસેસ કહેવામાં આવે છે. ફ્રેન્‍ચ ગવર્મેન્‍ટ દ્વારા આ પ્રોસેસના પેટન્‍ટ ખરીદી લેવાયા બાદ સરકારે વિનામૂલ્‍યે આ પદ્ધતિ સામાન્‍ય લોકોને ઉપલબ્‍ધ કરી. આટલાં વર્ષો પછી, આજે પણ ફોટોગ્રાફિક ફિલ્‍મ કે પેપર માં સિલ્‍વર બ્રોમાઇડ નો ઉપયોગ કરવામાં આવે છે.

 દાયકાઓ સુધી સામાન્‍ય લોકો માટે ફોટોગ્રાફી એક જટિલ કાર્ય હતું, તેથી પ્રોફેશનલ ફોટોગ્રાફરો દ્વારા જ ફોટોગ્રાફી થતી. સમય જતાં ડિજિટલ ફોટોગ્રાફીનો યુગ આવ્‍યો અને હવે તો સેલફોન કેમેરામાં એમેચ્‍યોર્સ પણ સુંદર તસવીરો ઝડપી રહ્યાં છે! ટેકનોલોજી નાં આ અભૂતપૂર્વ આવિષ્‍કારથી ફોટોગ્રાફી/વિડીયોગ્રાફી નાનાં બાળકથી માંડી દરેકના જીવનનું એક રોજિંદુ અને અવિભાજ્‍ય અંગ બની ગયેલ છે. જન્‍મદિવસ, લગ્ન જેવા શુભ પ્રસંગ હોય કે કુદરતી વનોમાં સિંહ-વાઘ જોવા જવાનું હોય, બેંકમાં ખાતું ખોલાવવાનું હોય કે વિદેશ જવા માટે પાસપોર્ટ બનાવવાનો હોય, એન્‍ડોસ્‍કોપી દ્વારા

ચિકિત્‍સા કે સર્જરી કરવાની હોય કે ડોક્‍ટર પાસે ઓનલાઇન ચેકઅપ કરાવવાનું હોય, નરી આંખે જોઈ શકાય નહીં કે નક્કી કરી શકાય નહીં, તેવાં સેકન્‍ડ નાં સો માં ભાગમાં ફોટોફિનિશ થી નિર્ણાયક થતાં એથલેટિક્‍સ નાં પરિણામો, વિગેરે અનેક જગ્‍યાએ ફોટોગ્રાફીનો ઉપયોગ થાય છે. ૧૯૬૫-૬૬ આસપાસ પાંચમા-છઠ્ઠા ધોરણમાં હતો, ત્‍યારે ગિરનાર પર્વતની ક્‍લાસની ટ્રીપ માં મેં જ્‍યારે બ્‍લેક એન્‍ડ વ્‍હાઈટ ફોટોગ્રાફી થી શરૂઆત કરી, ત્‍યારે સ્‍વપ્ને પણ ખ્‍યાલ નહોતો કે અત્‍યારે સ્‍ટાર લાઈટ કેમેરાથી, કરોડો જોજનો દૂર આવેલાં તારાઓ નાં પ્રકાશમાં પણ સુંદર રંગીન તસવીરો લઈ શકાશે! મને ઘણાં મિત્રો થોડાં અફસોસ સાથે કહે છે કે ફિલ્‍મ કેમેરાથી ફોટોગ્રાફી કરવામાં જે કલા હતી, તે ઓટોમેટીક ડિજિટલ કેમેરા આવવાથી નાશ પામી છે. મારું માનવું છે કે આ બાબત બિલકુલ સાચી નથી. ભૂતકાળમાં અશકય કહેવાય તેવી તસવીરો લેવી, હવે નવી ટેકનોલોજી આવતાં શકય બની છે. કેમેરા ગમે તેટલો મોંઘો હોય, પરંતુ કેમેરા પાછળની આંખ હંમેશા સર્વોપરી છે અને રહેશે. ફોટોગ્રાફી એક ગ્રીક શબ્‍દ છે, જેનો અર્થ થાય છે પ્રકાશ દ્વારા પેઇન્‍ટિંગ. જે કલાકાર છે, તે બધાથી જુદી જ નજરથી યાદગાર તસવીરો નું સર્જન કરશે.

દર વર્ષે ૧૯ મી ઓગસ્‍ટ નાં રોજ વિશ્વ ફોટોગ્રાફી દિવસ ઉજવાય છે. આ વર્ષની થીમ છે - દિવસભર ફોટાઓ પાડો અને શેર કરો. અકિલા નાં વાંચકોને વિશ્વ ફોટોગ્રાફી દિવસની શુભેચ્‍છાઓ આપતાં એક નમ્ર સૂચન કરું છું કે માત્ર આજે જ નહીં પરંતુ હંમેશાં એવાં ફોટાં લેવાનો પ્રયત્‍ન કરો, જેનાંથી સમાજને કોઈ ઉપયોગી સંદેશો મળે અને આપની અંદરનો કલાકાર પણ ફોટાઓ દ્વારા બહાર આવે.

આલેખન અને તસવીરોઃ

- ભૂષણ પંડ્‍યા.

પૂર્વ સભ્‍ય, સ્‍ટેટ બોર્ડ ફોર વાઇલ્‍ડ લાઇફ,

વાઇલ્‍ડ લાઇફ ફોટોગ્રાફર. મો.૯૪૨૮૨ ૦૩૧૧૭

(2:52 PM IST)