<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

રાજકોટ મધ્‍યસ્‍થ જેલમાં બંદીવાન ભાઇ-બહેનોએ રક્ષાબંધન પર્વની ઉમંગભેર ઉજવણી કરી

જેલ અધિક્ષક રાઘવ જૈન, નાયબ અધિક્ષક નાસિરૂદ્દીન અને જેલરો સહિતની ટીમનું સફળ આયોજન : પુર્વ ટીપીઓ સાગઠીયાને બહેને ચિઠ્ઠી આપ્‍યાની તસ્‍વીર વાયરલ થઇ : જેલ સત્તાધીશોએ કહ્યું-ચિઠ્ઠી નહોતી, ટોકન હતું

રાજકોટઃ શહેરની મધ્‍યસ્‍થ જેલ ખાતે આજે ભાઇ-બહેનના પ્રેમના પર્વ રક્ષાબંધનની ઉજવણી કરવા માટે જેલ અધિક્ષકશ્રી રાઘવ જૈન દ્વારા જેલ કેમ્‍પસમાં ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. સવારે આઠથી બપોરના બે સુધી જેલના બંદીવાન ભાઇઓ-બહેનો માટે રક્ષાસુત્ર-રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેલ અધિક્ષકશ્રી જૈને  તમામ બંદીવાનોને રક્ષાબંધન પર્વની શુભેચ્‍છાઓ પાઠવી હતી. બપોરના સાડા બાર સુધીમાં ૫૦૦ બંદીવાનોએ આ પર્વની ઉજવણી કરી લીધી હતી. બંદીવાનો માટે મિઠાઇની વ્‍યવસ્‍થા પણ રખાઇ હતી. રક્ષાબંધન પર્વની ઉજવણી વખતે જેલમાં બંધ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી પુર્વ ટીપીઓ મનસુખ ડી. સાગઠીયાને રાખડી બાંધ્‍યા બાદ તેમના બહેને ચિઠ્ઠી આપ્‍યાની અને ચિઠ્ઠી પોલીસે લઇ લીધાની વિગતો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ હતી. જો કે જેલ સત્તાધીશોના કહેવા મુજબ કોઇપણ જાતની ચિઠ્ઠી અપાઇ નહોતી. આ વખતે બંદીવાનો માટે ટોકન સિસ્‍ટમ રખાઇ હતી. રાખડી બંધાઇ જાય પછી ટોકન જે તે બહેન કે ભાઇ તેના બંદીવાન ભાઇ-બહેનને આપી દે એ પછી ટોકન લઇ લેવામાં આવે છે. એમ. ડી. સાગઠીયાને તેના બહેને ટોકન આપ્‍યું હતું. રક્ષાબંધન પર્વની ઉજવણી માટે જેલ અધિક્ષકશ્રી રાઘવ જૈન, નાયબ અધિક્ષકશ્રી નાસિરૂદ્દીન સહિતે જેલોના મહાનિદેશકશ્રી ડૉ.કે.એલ.એન.રાવના માર્ગદર્શન હેઠળ આયોજન કર્યુ હતું. જેને  સિનિયર જેલર શ્રી વાઢેર, શ્રી એસ.ટી.ગોપલાણી સહિતે સફળ બનાવ્‍યું હતું. જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી થઇ તેની તસ્‍વીરી ઝલક જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:18 PM IST)