<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

અકિલા ચોકમાં એસટી બસની ઠોકરે જંગલેશ્વરના નઝમાબેનના એક પગનો છૂંદો, બીજામાં ફ્રેકચર

પતિ હયાત ન હોઇ પારકા ઘરના કામ કરી ગુજરાન ચલાવતાં મહિલા રિક્ષાની રાહ જોતા'તા ને ઠોકરે ચડયા : ખાનગી હોસ્‍પિટલમાં ઓપરેશન કરાયું: સાતેક લાખનો ખર્ચ આવશેઃ બસ મુકી ભાગી ગયેલા ચાલક સામે એ-ડિવીઝન પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૧૯: શહેરના જીલ્લા પંચાયત ચોક-અકિલા ચોકમાં રવિવારે સાંજે ચારેક વાગ્‍યે ઘરે જવા માટે રિક્ષાની રાહ જોઇને ઉભેલા મહિલાને એસટી બસના ચાલકે ઠોકરે ચડાવી દેતાં તેમના પગ પર બસના વ્‍હીલ ફરી વળતાં છૂંદો બોલી ગયો હતો. બંને પગમાં ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં લઇ જવાતાં ત્‍યાંના તબિબોએ બંને પગ કાપવા પડશે તેમ કહેતાં મહિલાને વધુ સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પતિ હયાત ન હોઇ આ વિધવા મહિલા પારકા ઘરના કામ કરી ગુજરાન ચલાવે છે.

જાણવા મળ્‍યા મુજબ જંગલેશ્વર શેરી નં. ૧૩ હુસેની ચોકમાં રહેતાં નઝમાબેન મહેબુબભાઇ હાલા (ઉ.વ.૫૩) નામના મહિલા કિસાન પરા પાસે આવેલી શક્‍તિ સોસાયટીમાં પારકા ઘરના કામ કરવા આવતાં હોઇ રવિવારે સાંજે ચારેક વાગ્‍યે કામ પુરુ કરી જંગલેશ્વર જવા માટે જીલ્લા પંચાયત ચોક નજીક રિક્ષાની રાહ જોઇને ઉભા હતાં ત્‍યારે ભુજ-પાલીતાણા રૂટની  એસટી બસ જીજે૧૮ઝેડટી-૧૩૦૨ના ચાલકે ઠોકરે ચડાવતાં નઝમાબેનના બંને પગનો છૂંદો બોલી જતાં લોહીલુહાણ થઇ ગયા હતાં.

દેકારો મચી જતાં લોકોના ટોળા ભેગા થઇ જતાં બસનો ચાલક બસ મુકી ભાગી ગયો હતો. ઘાયલ નઝમાબેનને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. ડાબા પગનો છુંદો થઇ ગયો હોઇ અને જમણા પગમાં ચારેક ફ્રેકચર હોઇ કદાચ પગ કાપવો પડશે તેમ અહિ જણાવતાં ત્‍યાંથી ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જ્‍યાં ઓપરેશનો સાત આઠ લાખનો ખર્ચ થશે તેમ કહેવાતા આ મહિલાને હાલ ભાઇઓ, સંબંધીઓ તરફથી મદદ કરવામાં આવી છે. એસટીના અધિકારી અને પોલીસ પણ હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં. બસ ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધાવવા ઘાયલ મહિલાના પરિવારજનોએ તજવીજ કરી હતી. હાલ તેમને વોકહાર્ટ હોસ્‍પિટલમાં સારવારમાં રખાયા છે. જ્‍યાં બંને પગના ઓપરેશન કરવામાં આવ્‍યા છે. તેમ સગાએ જણાવ્‍યું હતું.

એ-ડિવીઝનના હેડકોન્‍સ. ધર્મેશભાઇ ચોૈહાણ વધુ તપાસ ચલાવી રહ્યા છે. તસ્‍વીરમાં ઘટના સ્‍થળે એસટી બસ, લોકોના ટોળા અને ઠોકરે ચડેલા નઝમાબેન હાલા જોઇ શકાય છે, જેમના બંને પગ ભાંગીગયા છે.

(3:18 PM IST)