News of Monday, 19th August 2024
ધરોહર લોકમેળોઃ તડામાર તૈયારીઓઃ ર૪ કલાક કામગીરી
મંડપ કોન્ટ્રાકટ ૭૪ લાખ ઉપર અપાયોઃ મેળાનું ઉદ્ઘાટન સાંજે ૪ાા વાગ્યે કરવા તૈયારીઓઃ મુખ્યમંત્રીની મંજૂરીની જોવાતી રાહ.... : તમામ સ્ટોલ વેચાઇ ગયાઃ ૩૧ થી વધુ મોટી રાઇડોઃ ૧૦ કરોડનો વીમોઃ વિજળી ભારે વરસાદ-વાવાઝોડૂ-ધરતીકંપ પણ વીમા કવચમાં આવરી લેવાયા... : લોકમેળામાં આ વખતે ૭ એન્ટ્રી-એકઝીટ ગેઇટઃ ૪ કન્ટ્રોલ રૂમઃ ૧૦૦ થી વધુ સ્ટાફના ઓર્ડરો રેસકોર્સ મેદાન ઉપર તડામાર તૈયારીઓ

રાજકોટના રેસકોર્સ મેદાન ઉપર લોકમેળો સજ્જ કરવા ર૪ કલાક કામગીરી ચાલી રહી છે, સ્ટોલ બંધાવા માંડયા છે, રાઇડો ઉભી થઇ રહી છે તે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (પ-૧૯)
રાજકોટ તા.૧૯: શહેરના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમી તહેવાર નિમિત્તે આગામી તા.૨૪ થી તા.૨૮ ઓગસ્ટ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનાર લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ થઇ છે.
કલેકટરશ્રી પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે આ વર્ષનો મેળો વધુ સુરક્ષિત અને સગવડભર્યો બને તે માટે વહીવટીતંત્ર ઝીણવટપૂર્વકની જહેમત ઉઠાવી રહયું છે. આ વર્ષના મેળામાં સ્ટોલના ભાવમાં કોઇ પણ વધારો કરવામાં આવ્યો નથી. વીમાની રકમ ગયા વર્ષે પાંચ કરોડની હતી, જે આ વર્ષે વધારીને ૧૦ કરોડની કરાઇ છે. ગત વર્ષની ૩ એમ્બ્યુલન્સ સામે આ વર્ષે પાંચ એમ્બ્યુલન્સ અને ગત વર્ષના ૩ ફાયર ફાઇટરને બદલે આ વર્ષે પાંચ ફાયર ફાઇટરની વ્યવસ્થા મેળા માટે કરાઇ છે. રોજના ૧૦૦ સિકયોરિટી સ્ટાફને બદલે આ મેળામાં રોજના ૧૨૫ સિકયોરિટી સ્ટાફ તૈનાત રહેશે. લોકોની અવરજવરની સુગમતા માટે સ્ટોલ્સની સંખ્યામાં ૩૦ ટકાનો ઘટાડો કરાયો છે. ૧૧.૩૦ વાગ્યે લોકમેળાની એન્ટ્રી બંધ કરી દેવાશે. મેળાની સફાઇ કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. મેળામાં થતા અવાજની ડેસીબલની માત્રા પર ચાંપતી દેખરેખરાખવામાં આવશે. વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવશે.
સાંઢિયા પુલ બંધ હોવાથી ટ્રાફિક અને પાર્કીંગની વધુ સુગમ વ્યવસ્થા કરાશે. મેળાના પ્રત્યેક સરકારી સ્ટોલ્સના આંતરિક સંપર્ક માટે ઇન્ટરકોમ અને વોકીટોકીથી સજ્જ કરાશે.
લોકમેળાની રેસકોર્ષ મેદાન ઉપર તડામાર તૈયારીઓ શરૂ થઇ છે, સ્ટોલ બંધાવા લાગ્યા છે, ર કલાકના સાંસ્કૃતિક કાર્યક્રમો ૫૦ થી ૬૦ હજારના ખર્ચે ફાઇનલ થયા છે, લોકમેળાનું ઉદ્ધાટન સાંજે ૪:૩૦ વાગ્યે હાલ ફાઇનલ કરાયું છે. મંડપ કોન્ટ્રાકટર પણ ફાઇનલ કરી લેવાયો છે, રાજકોટના ગણેશ મંડપ સર્વીસને ૭૪ લાખમાં કલેકટર તંત્રે કોન્ટ્રાકટ આપ્યો છે. તેમાં તમામ સ્ટોલ, મંડપ, વોચ ટાવર, સ્ટેજ, ૭ ગેઇટ ઉપરની સુશોભિત કમાન બધુ આવરી લેવાયું છે.
મેળાનો કલેકટર તંત્રે ૧૦ કરોડનો વિમો લીધો છે, જેમાં વીજળી, ભારે વરસાદ, વાવાઝોડુ, ધરતીકંપ સહિતની બાબતો ત્રણ આવરી લેવાઇ છે, મેળામાં ૭ એન્ટ્રી એકઝીટ ગેઇટ રહેશે, કલેકટર-જીઇબી-પોલીસ તથા આરએમસી એમ ૪ તંત્રના કન્ટ્રોલરૂમ રહેશે. તેના ફોન નંબરો જાહેર થશે, હાલ તડામાર તૈયારીઓ રેસકોર્ષ મેદાન ઉપર ચાલી રહી છે.
(3:51 PM IST)










