News of Wednesday, 21st August 2024
પીડીયુ સિવિલ હોસ્પિટલના ઓ.ટી. આસિસ્ટન્ટ દિલીપભાઇ જાડાનું ચાલુ ફરજે હાર્ટએટેકથી મૃત્યુ
એકાએક ઢળી પડતાં આઇસીયુમાં દાખલ કરાયા પણ દમ તોડી દીધોઃ ૩૯ વર્ષિ યુવાન બીલેશ્વર રાજગઢથી અપડાઉન કરતાં હતાં: ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૨૧: અચાનક હૃદય બંધ પડી જવાથી મૃત્યુની ઘટનાઓ યથાવત રહી છે. વધુ એક બનાવમાં યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં ૩૯ વર્ષિય યુવાનને ચાલુ નોકરીએ છાતીમાં દુઃખાવો ઉપડતાં ઢળી પડતાં આઇસીયુમાં દાખલ કરાયા હતાં. પરંતુ દમ તોડી દેતાં પરિવારજનો અને હોસ્પિટલના કર્મચારીઓ, તબિબોમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ રાજકોટના બેડી નજીક બિલેશ્વર સ્ટેશન પાસે રાજગઢમાં રહેતાં દિલીપભાઇ જેરામભાઇ જાડા (ઉ.વ.૩૯) શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ઓ.ટી. આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતાં હતાં. ગઇકાલે તેઓ ફરજ પર હતાં ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો શરૂ થઇ જતાં ઢળી પડતાં તબિબોએ તુરત જ સારવાર ચાલુ કરી હતી અને આઇસીયુમાં ખસેડયા હતાં. અહિ તેમની સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન રાતે દમ તોડી દેતાં ગમગીની છવાઇ ગઇ હતી. મૃત્યુ પામનાર દિલીપભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. તે વર્ષોથી રાજકોટ સિવિલમાં ફરજ બજાવતાં હતાં અને બિલેશ્વર રાજગઢથી અપડાઉન કરતાં હતાં. તેમના મૃત્યુથી એક દિકરી અને બે દિકરા મળી ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી છે. દિલીપભાઇના પિતા ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. ઘરના આશાસ્પદ દિકરાના અકાળે મૃત્યુથી જાડા પરિવારમાં અને ગામમાં તેમજ સિવિલ હોસ્પિટલના તબિબો, સાથી કર્મચારીઓમાં પણ શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, તોફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી.
(11:31 AM IST)










