News of Wednesday, 21st August 2024
હિરાસર એરપોર્ટઃ પહેલી ફલાઇટ દૂબઇની શરૂ થવાની શકયતાઃ ઇમીગ્રેશન-એરાઇવલના ર૮ કાઉન્ટર તૈયાર
એરપોર્ટને ઇમિગ્રેશન ચેક પોસ્ટ તથા કસ્ટમ્સ એરપોર્ટ તરીકે જાહેર કરવા કેન્દ્ર સરકારને પત્રો પાઠવાયા

રાજકોટ તા. ર૧: રાજકોટ હિરાસર એરપોર્ટ ઉપરથી આંતરરાષ્ટ્રીય ફલાઇટ શરૂ થવાની શકયતા છે. ઇન્ટરનેશનલ એરોર્ટ ઉપર હાલ નવા ટર્મિનલનું કામ ચાલુ રહ્યું છે, ત્યારે ઇન્ટરનેશનલ ફલાઇટના ઇમિગ્રેશન તેમજ કસ્ટમ માટેના કાઉન્ટર તૈયાર થઇ ચૂકયા છે. રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર ચોટીલા પાસે હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર નવું ટર્મિનલ બિલ્ડીંગનું કામ હવે પૂર્ણ થવાને આરે છે. પહેલી ઇન્ટરનેશનલ ફલાઇટ દુબઇની શરૂ થાય તેવી શકયતા છે. જેનો લાભ રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને મળતા વિકાસ ગતિ હરણફાળ ભરશે.
રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઇન્ટરનેશનલ ડિપાર્ચરમાં ઇમિગ્રેશનના ૧ર તો અરાઇવલના ૧૬ ટેબલ તૈયાર થઇ ચૂકયા છે અને તે માટે ગૃહ મંત્રાલયને પત્ર લખી દેવામાં આવ્યો છે. આ પત્રમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ઇમિગ્રેશન ચેક પોસ્ટ તરીકે જાહેર કરવા માટે લખ્યું છે. આ સાથે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને કસ્ટમ્સ એરપોર્ટ જાહેર કરવા માટે ગત જુલાઇ-ર૦ર૪માં નાણા મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો હતો.
(2:55 PM IST)










