<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

પોપટપરાના ફ્રુટના ધંધાર્થી કપીલ પંજાબી પર રેલનગરમાં અલ્‍તાફ, ભાવેશ, ભાભાનો ધંધાખારમાં છરીથી હુમલો

જંકશન રોડ પર ધંધો કરવો હોય તો હપ્‍તો આપવો પડશે કહી બેઠક પર છરીના ઘા ઝીંકાયાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૧: શહેરમાં મારામારી, હુમલાની ઘટનાઓ રોજીંદી બની ગઇ છે. ગઇકાલે પંચનાથ પ્‍લોટમાં જૈન મંદિરમાં પૂજા કરવા બેઠેલા કારખાનદારની મંદિરમાં ઘુસી હત્‍યાનો પ્રયાસ કરવાની ઘટના બની હતી. દરમિયાન રાત્રીના પોપટપરાના ફ્રુટના ધંધાર્થી યુવાન પર તે રેલનગર રોડ પર આટો મારવા નીકળ્‍યો ત્‍યારે ત્રણ શખ્‍સોએ આંતરી હુમલો કરી બેઠક પર છરીના ઘા ઝીંકી દેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં તાકીદે ઓપરેશન માટે લઇ જવાયો હતો. જંકશન રોડ પર ધંધો કરવો હોય તો હપ્‍તો આપવો પડશે...તેમ કહી હુમલો કરાયાનો આક્ષેપ થઇ રહ્યો હોઇ પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે મોડી બપોરે ફરિયાદ નોંધાતા ધંધાખારને કારણે માથાકુટ થયાનું જણાવાયું હતું.

પોપટપરા-૧૫માં રહેતો કપીલભાઇ મોહનભાઇ પંજાબી (ઉ.વ.૩૨) રાતે દસેક વાગ્‍યે રેલનગર સાધુ વાસવાણી કુંજ રોડ પર ચાલીને જતો હતો ત્‍યારે જામનગર રોડ પર રહેતાં અલ્‍તાફ, તેના મિત્રો ભાવેશ કુંભાર અને ભાભા સિંધીએ આવી આંતરી લઇ ઓચીંતો હુમલો કરી દીધો હતો. કપીલભાઇને બેઠક પર ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ થઇ જતાં દેકારો મચી જતાં લોકો ભેગા જઇ જતાં હુમલોખોરો ભાગી ગયા હતાં.

કપીલભાઇને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ અને ધર્મેન્‍દ્રભાઇએ પ્ર.નગરમાં જાણ હતી. રાતે કપીલભાઇ બેભાન હોઇ પોલીસ નિવેદન નોંધી શકી નહોતી. ઓપરેશન બાદ સવારે ભાનમાં આવેલા કપીલભાઇએ કહ્યું હતું કે હું ફ્રુટનો ધંધો કરુ છું. અગાઉ અલ્‍તાફ પણ મારી સાથે ધંધો કરતો હતો. હાલમાં મારે જંકશન રોડ પર લારી રાખી ધંધો કરવો હોય તો મારે તેને હપ્‍તો આપવો પડશે તેમ કહી માથાકુટ કરવામાં આવતી હતી. મારે તેને દસ હજાર પણ દેવાના હોઇ તે અંગે પણ મનદુઃખ હતો. ખાર રાખી ઓચીંતો હુમલો કરાયો હતો. બપોરે ફરિયાદ નોંધાતા અગાઉ સાથે ફ્રુટનો ધંધો કરતાં હોઇ હવે અલગ ધંધો કરતાં ધંધાખારમાં હુમલો થયાનું જણાવાયું હતું.

(3:04 PM IST)