<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

અજાણ્‍યા યુવાનની લાશ મળીઃ છાતી પર લેડીઝનું ટેટૂ ત્રોફાવેલુ છે

૧૫૦ રીંગ રોડ વિશ્વકર્મા રોડ પર બનાવથી લોકોમાં ચકચાર ડાબા હાથમાં રીન્‍કુ ત્રોફાવેલુ છેઃ તાલુકા પોલીસ દ્વારા તપાસ

રાજકોટ તા. ૨૧: શહેરના દોઢસો ફુટ રીંગ રોડ પર વાવડી નજીક વિશ્વકર્મા સોસાયટીમાંથી અજાણ્‍યા યુવાનની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. યુવાન બેભાન પડયો હોવાની જાણ થતાં કોઇએ ૧૦૮ બોલાવી હતી. તેના તબિબે આ યુવાનને મૃત જાહેર કરી પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં જાણ કરતાં તાલુકા પોલીસને વાકેફ કરવામાં આવતાં ઇન્‍વેસ્‍ટીગેશન ટીમે ત્‍યાં પહોંચી તપાસ શરૂ કરી હતી.

આશરે ૨૫ થી ૨૮ વર્ષના યુવાને આછા દુધીયા રંગનો શર્ટ પહેરેલો છે. તેની છાતીના ભાગે ડાબી બાજુએ કોઇ લેડીઝનું ટેટૂ ચીતરાવેલુ છે. આ ઉપરાંત ડાબા હાથની કલાઇ ઉપર અંગ્રેજીમાં રીન્‍કુ ત્રોફાવેલુ છે. આ યુવાનનું મોત કઇ રીતે થયું? આ યુવાન કોણ છે? તે જાણવા તાલુકા પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી મૃતકની ઓળખ મેળવવા દોડધામ આદરી છે. પોસ્‍ટમોર્ટમ થયા બાદ મોતનું કારણ બહાર આવશે. તસ્‍વીરમાં દેખાતા યુવાનના કોઇ વાલીવારસ હોય તો તાલુકા પોલીસનો ૬૩૫૯૬ ૨૭૪૧૫ ઉપર સંપર્ક કરવો. પીએસઆઇ કારેણા અને જનકસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:18 PM IST)