News of Thursday, 22nd August 2024
વિરાજ જાનીએ એ-ડિવીઝન પોલીસ સ્ટેશન પાસે મોડી રાતે ફિનાઇલ પી લીધું
કનક રોડ પરની સત્યવિજય પટેલ હિન્દુ ધર્મશાળા બિલ્ડીંગના પહેલા માળના ૭૦ વર્ષ જુના ભાડુઆત ભાડાની જર્જરીત જગ્યા રીપેર કરાવતાં મુળ માલિક સહિતનાએ હેરાનગતી શરૂ કરીઃ અરજીમાં મનપાના ટીપીઓ, એન્જિનીયરના પણ નામોઃ વિડીયોમાં પણ આક્ષેપો

રાજકોટ તા. ૨૨: શહેરના મંગળા રોડ ટાગોર માર્ગ પર ગુરૂવંદના એપાર્ટમેન્ટમાં રહેતાં વેપારી યુવાન વિરાજ અશ્વીનભાઇ જાની (ઉ.વ.૨૯)એ રાત્રીના સાડા બારેક વાગ્યે એ-ડિવીઝન પોલીસ સ્ટેશનના ગેઇટ પાસે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ફિનાઇલ પીતાં પહેલા તેણે વિડીયો બનાવ્યો હતો જેમાં કહ્યું હતું કે પોતે કનક રોડ પર આવેલ શ્રી સત્યવિજય પટેલ હિન્દુ ધર્મશાળા તરીકે ઓળખાતી બિલ્ડીંગના પહેલા માળે આવેલી ઓફિસના ૭૦ વર્ષ જુના ભાડુઆત છે. આ જગ્યા જર્જરીત થઇ ગઇ હોઇ તે રિપેર કરાવતાં જગ્યાના માલિક સહિતનાએ હેરાનગતી શરૂ કરતાં અને મહાનગર પાલિકાના અધિકારીઓ તરફથી પણ જગ્યા પાડી નાખવાની નોટીસો અપાતાં તેમજ પોલીસને અરજીઓ કરવા છતાં કોઇ કાર્યવાહી ન થતાં કંટાળીને પગલુ ભર્યાનું વિડીયોમાં જણાવ્યું હતું.
વિરાજ જાનીએ રાતે પોલીસ સ્ટેશનના ગેઇટ પાસે ફિનાઇલ પી લીધી હતી. એ પહેલા વિડીયો બનાવ્યો હતો. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં એ-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. સારવાર બાદ વિરાજે રજા લીધી હતી. ગઇકાલે તેણે એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં લેખીત ફરિયાદ અરજી ઇન્વર્ડ કરાવી હતી. આ અરજીમાં તેણે રવિ નીંદરોડા, આકાશ નિંદરોડા, મિલ્કતના માલિક નંદલાલભાઇ પટેલ, મનપાના આસી. ટાઉન પ્લાનર અતુલ રાવલ, આસી. સિવિલ એન્જિનીયર મોૈલિક ટાંક સહિતના નામ આપી આક્ષેપો કર્યા છે.
વિરાજ જાનીએ અરજીમાં જણાવ્યું છે કે સત્યવિજય પટેલ હિન્દુ ધર્મશાળા નામથી ઓળખાતી બિલ્ડીંગના પહેલા માળે અમારી ભાડાની ઓફિસ છે. જે ૧૯૫૪માં મારા દાદાએ ભાડે રાખી હતી. હવે આ ઓફિસમાં હું અને મારા પિતાજી બેસીને ધંધો કરીએ છીએ. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ આ જગ્યા જુની અને જર્જરીત હોઇ મહાપાલિકા દ્વારા જુની અને જર્જરીત જગ્યાઓના સમારકામ રીપેરીંગ મામલે નોટીસો આપવામાં આવી રહ્યાનું અમને સોશિયલ મિડીયાથી અને વર્તમાન પત્રથી જાણવા મળતાં અમે સિત્તેર વર્ષથી ભાડુઆત તરીકે આ જગ્યાનો કબ્જો ધરાવતાં હોઇ માલિકની મોૈખિક સંમતી લઇ રીપેર કરવાની તેમની જવાબદારી હોવા છતાં અમારી જગ્યાનું અમે રીપેરીંગ ચાલુ કર્યુ હતું.
પરંતુ બાદમાં ટ્રસ્ટીઓ વચ્ચેના વાદવિવાદને કારણે અમારા વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરાઇ હતી અને ટેનેન્ટેબલ રીપેરીંગ અને સમારકામ સંબંધીત ખોટી હકિકતોને આધારે દાવો દાખલ કર્યો હતો. જો કે અદાલતે આ દાવા સંબંધે નંદલાલભાઇ પટેલને દાદ આપેલ નથી. આનો લાભ લઇ કોર્પોરેશનમાં લાગવગ કે ઓળખાણને કારણે અમારા વિરૂધ્ધ રજૂઆતો કરવામાં આવી હતી. આ કારણે અમને બાંધકામ ગેરકાયદેસર છે એવુ સ્પષ્ટ કર્યા વીના નોટીસો આપવા માંડી હતી. જો કે આ નોટીસ કાયદા મુજબની ન હોઇ તે પ્રક્રિયાને ચેલેન્જ કરતો દાવો અમે દાખલ કર્યો હતો. તેમજ કામચલાઉ મનાઇ હુકમની માંગણી કરી હતી. આમ છતાં અમને નોટીસ અપાઇ હતી.
અદાલતમાં આ લીટીગેશનો સબ જ્યુડીશ હોવા છતાં અમને વારંવાર નોટીસો અપાતી હોઇ અમે આ મામલે ન્યાય મેળવવા ગત તા. ૩/૭ તથા ૯/૭ના રોજ પોલીસ કમિશનરને લેખિતમાં અરજીઓ કરી હતી. આ ઉપરાંત ૨૦/૭ના રોજ એ-ડિવીઝનમાં પણ અરજી કરી હતી. જો કે અમને ન્યાય મળે તેવી કાર્યવાહી થઇ નહોતી. અમને સતત મ્યુ. કોર્પોરેશન તરફથી અમારી ભાડાની જગ્યાનું બાંધકામ દુર કરવાની નોટીસો મળતી હોઇ અને ધમકીઓ મળતી હોઇ અમારે આ અરજી કરવી પડી છે. તેમ વધુમાં વિરાજ જાનીએ લેખીત ફરિયાદમાં જણાવ્યું હતું.
દરમિયાન ગત રાતે તેણે પોલીસ સ્ટેશન પાસે વિડીયો બનાવી ફિનાઇલ પી લીધુ હતું. અરજીમાં જેના નામ છે તે તમામ સામે વિડીયોમાં આક્ષેપો કર્યા હોઇ પોલીસે તપાસ હાથ ધરી છે.
(1:44 PM IST)










