તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Thursday, 22nd August 2024
ભાવીનીબેન ઝાલા પર ૧૦ પડોશીઓનો હુમલોઃ ઘરની બારીમાં તોડફોડઃ રાયોટીંગ-એટ્રોસીટી
નાણાવટી ચોક આરએમસી ક્વાર્ટરમાં પાળેલા કૂતરાને બાંધીને રાખવાનું કહેવાતાં ડખ્ખો યુનિવર્સિટી પોલીસે જયુ મકવાણા, રાજ મકવાણા, અંશ લુણીયાતર, શક્તિ, મિતલબેન, નૈનાબેન મકવાણા, પાર્થ ઉર્ફ ખિસકોલી, પ્રકાશ અને બે અજાણ્યા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૨: ગાંધીગ્રામ નાણાવટી ચોકના આરએમસી ક્વાર્ટરમાં રહેતી પરિણીતાને પરમ દિવસે રાતે પડોશી શખ્સ સાથે પાળેલા કૂતરાને બાંધીને રાખવા બાબતે બોલાચાલી થઇ હોઇ ગત રાતે પડોશી તેના મિત્રોને ભેગા કરીને ફરીથી ઘર સામે બેઠો બેઠો જોતો હોઇ તેને ગઇકાલે સમાધાન થઇ ગયું છતાં કેમ હવે બધા ભેગા થયા છો? તેમ કહેતાં તેણે ટોળકી રચી હુમલો કરી બારીમાં તોડફોડ કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં પોલીસે રાયોટીંગ, એટ્રોસીટીની કલમો હેઠળ કુલ ૧૦ જણા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે નાણાવટી ચોક પરમેશ્વર સોસાટી આરએમસી ક્વાર્ટર નં. ૬૪૪ બ્લોક નં. ૧૧માં રહેતાં ભાવીનીબેન શૈલેષભાઇ ઝાલા (ઉ.વ.૨૧)ની ફરિયાદ પરથી જયુ અતુલભાઇ મકવાણા, રાજ અતુલભાઇ લુણીયાતર, અંશ અતુલભાઇ લુણીયાતર, શક્તિ (રહે. લક્ષ્મીના ઢોળે), મિતલબેન અતુલ લુણીયાતર, નૈનાબેન જયુ મકવાણા, પાર્થ ઉર્ફ ખિસકોલી, પ્રકાશ રમેશભાઇ મકવાણા અને બે અજાણ્યા વિરૂધ્ધ રાયોટીંગ, હુમલો, એટ્રોસીટી હેઠળ એફઆઇઆર દાખલ કરી છે. ભાવીનીબેન ઝાલાએ જણાવ્યું છે કે હું પતિ અને જેઠ તથા સસરા સાથે રહુ છું. મારા સાસુ બાલુબેન અમારા બ્લોકમાં ચોથા માળે નણંદ સાથે રહે છે. મારા પતિ કડીયા કામ કરે છે.
તેણીએ આગળ કહ્યું હતું કે બુધવારે તા. ૨૧/૭ના રાતે પોણા અગિયારેક વાગ્યે હું મારા ઘરમાં બેઠી હતી ત્યારે શેરીમાં અમારી સામેના બ્લોકમાં રહેતો જયુ મકવાણા તેના બાઇક પર બેઠો હતો. તેના મિત્ર રાજ, અંશ, શક્તિ સહિતના પણ હતાં તેમજ બે અજાણ્યા પણ મારા ઘર સામે બાઇક પર અને ફોર વ્હીલરમાં બેઠા હતાં. જેથી મેં જયુને કહેલું કે ગઇકાલે આપણે કૂતરા બાબતે ઝઘડો થયો હતો અને તેનું સમાધાન થઇ ગયું છે છતાં તું કેમ બધાને ભેગા કરીને બેઠો છો? કેમ સામે જોઇને ત્રાસરૂપ થાય તેવું કરો છો?
આ સાંભળી જયુ ઉશ્કેરાઇ ગયો હતો અને મને મા બહેનસમી ગાળો દેવા માંડયો હતો. તેમજ મારવા દોડયો હતો. આ વખતે તેના મિત્રો જયુ, શક્તિ ધોકો લઇને દોડયા હતાં અને મારા પેટ તરફ ધોકો માર્યો હતો. પરંતુ ઘા ચુકાઇ ગયો હતો. હું દૂર ખસવા જતાં દિવાલમાં ભટકાતાં મુંઢ ઇજા થઇ હતી. જયુ અને અંશુએ પાણા મારતાં મારા ઘરની બારીનો કાચ તુટી ગયો હતો. તેમજ તારા જેવા અહિ કેટલાય છે તું શું કરી લઇશ? તેમ કહી તારાથી તારો ન સચવાય તો અમે સાચવી લઇશું તેમવું મારા તેર મહિનાના બાળક વિશે બોલી જ્ઞાતિ પ્રત્યે પણ મને અપમાનીત કરી હતી.
એ પછી બધા જતાં રહ્યા હતાં અને થોડીવાર બાદ ફરીથી આવી અમે અહિ જ બેસવાના છીએ તેમ કહેતાં મેં ૧૦૦ નંબરમાં ફોન કરતાં પોલીસ આવે એ પહેલા આ બધા ભાગી ગયા હતાં. મેં મારા પતિને ફોન કરતાં તે પણ આવી ગયા હતાં. બાદમાં અમે ફરિયાદ કરી હતી. આ માથાકુટનું કારણ એ છે કે ૨૦મીએ રાતે નવેક વાગ્યે મારા સાસુ અને નણંદ મારા દિકરા પૃથ્વીરાજને લઇને શેરીમાં બેઠા હતાં ત્યારે હું પણ ત્યાં ગઇ હતી. તે વખતે પડોશી જય, અંશ, પ્રકાશ તેના મિત્રો જયુના પાળેલા કુતરાને શેરીમાં દોડાવી રમાડતાં હતાં. મારો દિકરો ઉભો થઇને નીકળતાં જયુને મેં કૂતરાને બાંધીને રાખવાનું કહેતાં અમારી વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે અંશે તેના માતા મિતલબેન, નૈનાબેન, પાર્થ ઉર્ફ ખિસકોલી સહિતને બોલાવી માથાકુટ કરી હતી. ત્યારે જયુ પાસે છરી, રાજુ અને અંશ પાસે કુહાડી હતી. રાજના માતા અને જયુના પત્નિએ પણ ગાળો દઇ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી હતી. ત્યારે પણ અમે પોલીસને જાણ કરી હતી. પરંતુ પડોશી હોઇ સમાધાન કરી લઇ ફરિયાદ કરી નહોતી. બીજા દિવસે એકવીસમીએ જયુ સહિતે ટોળકી રચી ફરી માથાકુટ કરી હતી. તેમ વધુમાં ભાવીનીબેને જણાવતાં પીઆઇ એમ. જી. વસાવાની રાહબરીમાં પીએસઆઇ ડી.આર. રત્નુએ ગુનો દાખલ કરાવી તપાસ હાથ ધરી હતી. (૧૪.૬)
(2:40 PM IST)










