<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

બાઇકના ચાલકે ટુવ્‍હીલરને ઠોકરે ચડાવતાં શ્રીવાટીકાના કારખાનેદાર રાજેશભાઇ જાજલનું મૃત્‍યુઃ પત્‍નિને ઇજા

મોરબી રોડ રાધામીરા અને પંચવટી સોસાયટી પાછળના રસ્‍તે રાતે બનાવ પાછળ બેઠેલા પત્‍નિ ગીતાબેનને ઇજાઃ કારખાનેથી ઘરે જતી વખતે બનાવઃ બી-ડિવીઝનના એએસઆઇ એ. વી. બકુતરાએ બાઇકચાલક વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૨: મોરબી રોડ પર રાધા મીરા સોસાયટી અને પંચવટી સોસાયટીના પાછળના રસ્‍તે રાતે ટુવ્‍હીલર સાથે બાઇક અથડાતાં ટુવ્‍હીલરના ચાલક શ્રીવાટીકાના વૃધ્‍ધ કારખાનેદાર અને પાછળ બેઠેલા તેમના પત્‍નિ ફંગોળાઇ ગયા હતાં. જેમાં વૃધ્‍ધ કારખાનેદારનું ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ મોરબી રોડ પર શ્રીવાટીકા-૨માં રહેતાં રાજેશભાઇ નરોત્તમભાઇ જાજલ (ઉ.વ.૬૫) સંત કબીર રોડ પર પોતાનું બંગડીનું કારખાનુ આવેલુ હોઇ ત્‍યાંથી રાતે સાડા નવેક વાગ્‍યે ટુવ્‍હીલર પર બેસી ઘરે જવા નીકળ્‍યા હતાં. સાથે તેમના પત્‍નિ ગીતાબેન જાજલ (ઉ.વ.૬૦) પણ હતાં. પતિ-પત્‍નિ રાધામીરા સોસાયટી અને પંચવટી સોસાયટીના પાછળના રસ્‍તે પહોંૅચ્‍યા ત્‍યારે તેમના ટુવ્‍હીલર સાથે હોન્‍ડા બાઇક જીજે૦૩એલડી-૬૨૭૩ અથડાતાં બંને પતિ-પત્‍નિ ફેંકાઇ ગયા હતાં. જેમાં રાજેશભાઇને ગંભીર ઇજા પહોંચી હતી.

બનાવની જાણ તેમના દિકરા બ્રીજેશભાઇ જાજલ કે જેઓ વેરાવળ કન્‍યા શાળામાં પ્રિન્‍સીપાલ છે તેમને થતાં તેઓ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતાં અને પિતાને ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. જો કે અહિ તેમણે ટુંકી સારવારને અંતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્‍દ્રભાઇ હુદડે જાણ કરતાં બી-ડિવીઝનના એએસઆઇ એ. વી. બકુતરાએ હોસ્‍પિટલે પહોંચી બ્રીજેશભાઇની ફરિયાદ પરથી બાઇક ચાલક સામે બેફીકરાઇથી વાહન હંકારી અકસ્‍માત સર્જી રાજેશભાઇ જાજલનું મૃત્‍યુ નિપજાવવાનો ગુનો નોંધ્‍યો હતો. મૃત્‍યુ પામનાર રાજેશભાઇ પાંચ બહેન અને બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં ત્રણ પુત્ર છે. \

(2:41 PM IST)