News of Thursday, 22nd August 2024
સાસુ-જમાઇ સાથે મળી ‘કળા' કરતા'તા!: મુસાફર વૃધ્ધાનો ૧ લાખનો ચેઇન ચોરી લેવાનો ગુનો ઉકેલાયો
કુવાડવા રોડ પરથી રિક્ષામાં બેઠેલા દેવપરાના ૬૨ વર્ષના કોકીલાબેનની થેલીમાંથી ચેઇન રોકડ ચોરી ઉતારી મુક્યા'તાઃ હંસાબેન સોલંકી અને તેના રિક્ષાચાલક જમાઇ રાકેશ ઉર્ફ ઉગાની ધરપકડઃ બી-ડિવીઝન પીઆઇ એસ. એમ. જાડેજા, પીએસઆઇ મારૂની ટીમની કામગીરી હેડકોન્સ. રાજેશભાઇ બાળા, કોન્સ. ભાનુશંકર ધાંધલા અને રાજદિપભાઇ પટગરીની બાતમી

રાજકોટ તા. ર૨: શહેરના કુવાડવા રોડ પર રણછોડદાસબાપુના આશ્રમ પાસે રીક્ષામાં મુસાફર તરીકે બેઠેલા વૃધ્ધા દેવપરા ભવાની ચોક પાસે આવાસ યોજનાના કવાર્ટર બ્લોક નં. ૧૩ રૂમ નં. ૧પપમાં રહેતા કોકીલાબેન દ્વારકાદાસભાઇ તેજૂરા (ઉ.૬ર)નો રૂપિયા ૧ લાખનો ચેઇન સેરવાઇ ગયો હતો. આ ગુનાનો ભેદ બી-ડીવીઝન પોલીસે ઉકેલી રિક્ષાચાલક શખ્સ અને ચોરીમાં તેને મદદ કરનાર તેની સાસુની ધરપકડ કરી છે! સાસુ-જમાઇએ બીજા કોઇ ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ? તેની તપાસ થઇ રહી છે.
જાણવા મળ્યા મુજબ કોકીલાબેન ૨૦મીએ બપોરે કુવાડવા રોડ પર રણછોડદાસબાપુના આશ્રમ ખાતે આંખના દવાખાને મોતીયાનું ઓપરેશન કરાવ્યું હોઇ તેથી ચેકઅપ કરાવવા માટે ગયા હતાં. બાદમાં ઘરે જવા માટે દવાખાના પાસે રીક્ષાની રાહ જોતા હતા ત્યારે એક ચાલકે રીક્ષા ઉભી રાખી હતી. વૃધ્ધાએ ભવાની ચોકનું પુછતાં ચાલકે હા પાડતાં તેમાં તેઓ બેસી ગયા હતાં. પાછળ અગાઉથી જ એક વૃધ્ધા બેઠેલા હતાં. આ વૃધ્ધાએ કોકીલાબેન સાથે વાતો કરી હતી અને બાદમાં ધક્કામુક્કી કરી હતી. એ પછી ગ્રીનલેન્ડ ચોકડી આવતાં ચાલકે અમારે ભવાનીનગર બાજુ નથી જવાનું તમે ઉતરી જાઓ તેમ કહેતાં કોકીલાબેન ઉતરી ગયા હતાં.
રિક્ષા જતી રહ્યા બાદ કોકીલાબેનને ખબર પડી હતી કે તેમણે થેલીમાં રાખેલો એક લાખનો ચેઇન અને રૂા. ૪૫૦ ગાયબ છે. થેલીમાં કાપો મારી આ ચોરી સાથે બેઠેલા વૃધ્ધાએ કરી લીધાની શંકા ઉપજી હતી. બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન હેડકોન્સ. રાજેશભાઇ બાળા, કોન્સ. ભાનુશંકર ધાંધલા અને રાજદિપભાઇ પટગરીને બાતમી મળતાં રાકેશ ઉર્ફ ઉગો સવજીભાઇ રાઠોડ (ઉ.વ.૨૬-રહે. નાના મવા રોડ ગોવિંદરત્ન બંગલો સામે સરકારી ક્વાર્ટર)ને પકડી લીધો હતો. તેની આકરી પુછતાછ થતાં પોતાની સાથે સાસુ હંસાબેન દિનેશભાઇ સોલંકી (ઉ.વ.૬૫-રહે. ભાવનગર રોડ કુબલીયાપરા-૫) હોવાનું કબુલતાં તેની પણ ધરપકડ કરી સોનાનો ચેઇન ૧ લાખનો, રોકડા રૂા. ૪૫૦, જીજે૦૩સીટી-૧૬૩૯ નંબરની રિક્ષા કબ્જે કરી હતી. આ બંનેએ અન્ય કોઇ ગુના આચર્યા છે કે કેમ? તેની તપાસ થઇ રહી છે.
પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપ મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી.વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ એસ. એમ. જાડેજા, પીએસઆઇ કે. ડી. મારૂ, હેડકોન્સ. ક્રિપાલસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા, મોહસીનખાન મલેક, કોન્સ. જયદિપસિંહ બોરાણા, વિશ્વજીતસિંહ ઝાલા, ભાનુશંકર ધાંધલા, પંકજભાઇ માળી, જગદીશભાઇ વાંક, રાજદીપભાઇ પટગીર અને પોપટભાઇ ગમારાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
(3:13 PM IST)










