<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

સરકાર, બેંક સંચાલકો અને ઉદ્યોગપતિઓને કારણે બેંકને વેચવા કાઢવી પડી છે

સરકાર હસ્‍તકની આઇડીબીઆઇ બેંકનું સત્‍ય : ૬૧૫૧ કરોડ એનપીએ, ૬૫૨ કરોડમાં સમાધાન ? ૯૦% હેરકટ ! : વર્ષ ૨૦૨૩માં વાઘવાન બંધુની ડીએચએફએલ કંપનીએ પોતાના રૂપિયા ૭૫૮ કરોડ રૂપિયા લોન ચૂકવી ન શકવા જણાવેલ : બાદમાં આ રકમ વધીને ૯૬૧ કરોડ જેટલી થઇ છે : જુન-૨૦૧૩માં વિજય માલ્‍યા સામે સરકારી એજન્‍સીએ ચાર્જશીટ રજૂ કરી જેમાં ૯૦૦ કરોડ જેટલી રકમ તેમને આ બેંકને ચૂકવી નથી તેવું જણાવ્‍યું છે. આમાં ઓકટોબર-૨૦૧૯માં બેંકે પહેલા ૧૫૦ કરોડ આપ્‍યા. બાદમાં ૭૫૦ કરોડ વધુ લોન આપી જેમાં ૨૦૦ કરોડની બિઝનેસ લોન સામેલ છે. જેના માટે બેંકે કોઇ જરૂરી કાગળોની વિધિ ન કરી હોવાનું સામે આવ્‍યું હતું. : અખબારી અહેવાલો મુજબ ૨૦ ડિસેમ્‍બર ૨૦૨૧માં સંઘવી એક્ષ્પોર્ટ ઇન્‍ટરનેશનલ લી.ની રૂપિયા ૬૭૧૦ કરોડની લોન ડીફોલ્‍ટ થઇ. જેનું બેંક દ્વારા આ રકમ માટે ખંડન કરવામાં આવ્‍યું પરંતુ આ બાબતની તપાસ થઇ નથી. તેવી માહિતી બહાર

રાજકોટ : ૧ જુલાઇ ૧૯૬૪માં દેશના ઉદ્યોગજગતને આર્થિક સહાય કરી દેશની આર્થિક સમૃધ્‍ધિ વધારવાના ઉદેશથી સ્‍થપાયેલી આઇડીબીઆઇ બેંક હાલ ૬૧૫૧ કરોડના એનપીએ ધરાવે છે. એનપીએ એટલે એવી લોન જેની બેંકને પાછી મળવાની અપેક્ષા ઘણી જ ઓછી રહેતી હોય છે. સરકાર ઉદ્યોગપતિઓને તેમના ઉદ્યોગ વિકાસ માટે લોન આપી હોય પરંતુ તેઓ તેની ભરપાઇ સમયસર કે ક્‍યારેય ન કરી શકે તેવી લોન, બેંકની વધી ગયેલી એનપીએને કારણે આરબીઆઇની પેટા કંપની તરીકે સ્‍થાપિત થયેલી આ બેંકને બચાવવા માર્ચ-૨૦૧૯માં સરકારે એલઆઇસીને નાણા ભંડોળ પુરૂ પાડવા આદેશ આપ્‍યો. આનાથી બેંકમાં એલઆઇસીનો હિસ્‍સો ૫૧% જેટલો થયો. બેંક સંચાલનના ભાગરૂપે ૨૧ જાન્‍યુઆરી-૨૦૨૧થી સરકારે બેંકને પ્રાઇવેટ સેકટર બેંકની કેટેગરીમાં મૂકી છે. જેમાં એલઆઇસીનો હિસ્‍સો ૪૯.૨૪% છે અને સરકારનો હિસ્‍સો ૪૫% જેટલો છે આમાંથી સરકાર હવે ૬૦% હિસ્‍સો ખાનગી સંચાલકોને વેચવા માંગે છે.

આ બેંકની પડતીની માંડીને વાત કરીએ તો, આ બેંકની હાલની સ્‍થિતિમાં તેનું એનપીએ ૬૧૫૧ કરોડ જેટલું છે. આ એનપીએ ઓછું થાય તો કોઇ ખાનગી સંચાલકો તેને લેવા તૈયાર થાય તે ઉદ્દેશથી બેંકે તેની એનપીએ એસેટને વેચવા માટે મૂકી હતી. જેમાં લગભગ સાત જેટલા જુદા-જુદા બીડરોએ બોલી લગાવી હતી. આ માટે સરકારે રૂપિયા ૬૪૨ કરોડ રીઝર્વ પ્રાઇસ રાખી હતી. હાલમાં જ આ બિડિંગ પ્રક્રિયા પૂરી થતા સરકારે ઓમકાર એસેટ રિકન્‍ટ્રકશન કંપનીને ૬૫૨ કરોડમાં આપી છે. એટલે કે ૬૧૫૧ કરોડ સામે ફકત રૂપિયા ૬૫૨ કરોડની વેલ્‍યુ જ પાછી મળશે. સરકારનું કહેવું છે કે, આ એનપીએ વેલ્‍યુ ઘટતા બેંક ખરીદનાર સંચાલકો તરફથી બેંકને સારી કિંમત મળશે. બે દાયકાથી એનપીએ વસુલવા ઝઝુમતી બેંક હવે ૯૦% હેરકટ સ્‍વીકારીને ખાનગી સંચાલકોને વેચવા માંગે છે.

સરકાર ૬૧૫૧ કરોડમાંથી માત્ર ૬૫૨ કરોડ જ રીકવરીની અપેક્ષા રાખે છે. મતલબ કે સરકાર ૫૪૯૯ કરોડ રૂપિયા જતા કરવા તૈયાર છે. ૬૧૫૧ કરોડની આ લોન સરકારે મારા - તમારા - આપણા ટેક્ષના પૈસામાંથી આપી હોય છે.

અખબારી અહેવાલો મુજબ એનપીએ એટલે કે આ રકમ માંડવાળ કરી બેંકની વેલ્‍યુ વધી જતાં સરકાર પોતાની પાસે ૨૬% હિસ્‍સો રાખી બાકીનો હિસ્‍સો વેચવા કાઢયો. જેમાં બે બીડરો ફેર ફેક્ષ ફાનાન્‍સીયલ હોલ્‍ડીંગ અને કોટક મહિન્‍દ્રા બેંક સફળ બીડર તરીકે ઉપસી આવ્‍યા છે.

આ બેંકને ૨૦૦૬માં યુનાઇટેડ વેસ્‍ટર્ન બેંક સાથે વિલીન કર્યા પછી આ બેંકની હાલત વધુ બગડી હતી. વર્ષોવર્ષ સરકાર અને એલઆઇસી દ્વારા બેંકમાં લગભગ ૪૨૭૮૧ કરોડ જેટલા રૂપિયા બેંક બચાવવા ઠાલવવામાં આવ્‍યા તેમ છતાં બેંકની હાલત સારી ન થઇ શકી. બેંકની આ હાલત માટે બેંક દ્વારા નફો કરતી કંપનીઓના એનપીએ જવાબદાર રહ્યા છે.

આ ઉપરાંત બેંક દ્વારા સી. વેંકટરમણને આપેલી ૫૦૦૦ કરોડની લોન ડીફોલ્‍ટ થતા તેને ૯૫% જેટલા હેરકટ સાથે ફકત ૩૨૩ કરોડમાં માંડવાળ કરી.

આવી જ રીતે વિડીયોકોનની ૬૪૮૩૮ કરોડની લોનને ડીફોલ્‍ટ જાહેર કરી નથી અને હવે તે આ લોનને ૯૫% હેરકટ સાથે વેદાન્‍તા ગ્રુપને વેચવા માંગે છે. એક આક્ષેપ એવો પણ થાય છે કે, બેંક અને એસેટ રીકવરી કંપનીઓ વચ્‍ચેની સાંઠગાંઠ ઇન્‍કમટેક્ષ વિભાગે ખુલ્લી પાડી છે. જેમાં ચાર જેટલી એસેટ કંપનીએ બહુ જ ઓછી રકમમાં બેંક પાસેથી લોન ખરીદીને તેને લોન લેનાર ડીફોલ્‍ટરને જ પાછી ઉંચા દરથી વેચી હતી. આ પ્રકારની ઘણી ગેરરીતિઓ સામે આવી છે જેથી અત્‍યારે બેંકને સરકારે લોકોના કરોડો રૂપિયા માંડવાળ કરી વેચવા મજબૂર થવું પડયું છે. એક એવો જ આક્ષેપ બેંક સામે જેસલમેર હોટેલ કિસ્‍સામાં પણ થાય છે. જેમાં મેજીસ્‍ટ્રેટે સ્‍ટેટ બેંકના ઉચ્‍ચ અધિકારી પ્રતીક ચૌધરીની ધરપકડ કરવાના આદેશ આપ્‍યા હતા. આટલી બધી ગૂચવણ અને ઉદ્યોગપતિઓ, બેંક સંચાલકોએ લોકોના કરોડો રૂપિયા ડુબાડયા બાદ સરકાર આ બેંકને ખાનગી સંચાલકોને વેચવા માંગે છે. એમાં પણ કોઇ રકમ નહિ હોય કે રમત નહિ થાય તેની ખાતરી આપી શકાય નહિ તેવી ચર્ચા થઇ રહી છે. (લેખકના આ અંગત મંતવ્‍ય છે.)

આલેખન
ભાવેશ આચાર્ય
રાજકોટ
મો. ૯૪૨૭૨ ૧૪૭૭૨

(4:24 PM IST)