<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

સ્‍વર સમાધીમાં લીન થયા પ્રથમ મહિલા સિતાર વાદક મંજુબેન મહેતા

‘સપ્‍તક'નો વધુ એક સૂર વિલાયો : ફક્‍ત ૧૧ વર્ષની ઉંમરે બાળકોના કાર્યક્રમમાં સિતાર વગાડી અને સિતારવાદનમાં મંજુબહેનની અવિરત યાત્રા શરૂ થઇ : તેઓ પંડિત રવિશંકરજીના શિષ્‍ય હતા : તેમણે સંગીતક્ષેત્રે ગાંધર્વ વિદ્યાલયમાંથી એમ.એ.(મ્‍યૂઝિક)ની ઉચ્‍ચ પદવી પ્રાપ્ત કરી છે, જેમાં તેમણે પ્રથમ વર્ગમાં સર્વોચ્‍ચ સ્‍થાન પ્રાપ્‍ત કર્યું હતું : ૧૯૮૦ માં વિશ્વ વિખ્‍યાત સપ્તક સ્‍કુલ ઓફ મ્‍યુઝિક સંસ્‍થાના ટ્રસ્‍ટી બનીને સંગીત વિશ્વને દર વર્ષે વિવિધ કળા ગુરૂના રસપાનની તક આપી : મંજુબહેન ઉત્તમ કલાકાર સાથે ઉત્તમ ગુરૂ પણ હતા : તેઓ તેમના શિષ્‍યગણના વહાલા ગુરૂ હતા : માત્ર ૧૬ વર્ષની ઉંમરે જોધપુર યુનિવર્સિટીમાં લેકચરર બન્‍યાં હતા

રાજકોટ, તા.૨૦ : સમગ્ર વિશ્વમાં શાસ્ત્રીય સંગીતના મહાકુંભ ગણાતા સપ્તકના સહ સ્‍થાપક અને દેશના પ્રથમ મહિલા સિતારવાદક મંજુબેન નંદનભાઇ મહેતાનું ૭૯ વર્ષે દેહાવસાન થયું છે. મંજુબેન મહેતા ભારતના પ્રથમ મહિલા સિતારવાદક હતા. તેઓ પંડિત રવિશંકરજીના શિષ્‍ય હતા. મંજુબેનનો જન્‍મ જયપુરના સંગીતપ્રેમી પરિવારમાં ૧૯૪૫ ની ૨૧, મેના રોજ થયો હતો. મંજુબેન મહેતાના માતા ચંદ્રકલા ભટ્ટે પણ સંગીતની કળા હસ્‍તગત કરી હતી. તેમના પિતા પંડિત મનમોહન ભટ્ટ પણ સંગીતના ઉપાસક હતા. તેઓ ગિટાર સહિત અનેક વાધ્‍યો વગાડતા અને અનેક વિદેશીઓને ભારતીય સંગીત શીખવ્‍યું હતું. મજુબેન જયપુરના રજવાડા ભટ્ટ પરિવારના દિકરી હતા. તેમના માતા ચંદ્રકલા ભટ્ટ કે જેઓ રજવાડુ પરિવારના હતા છતાં એ જમાનમાં ઉસ્‍તાદ રહેમાન ખાન કલાવંત - સીકરના દરબારના સંગીતકાર અને કથકારો પાસેથી સંગીત શીખવા માટે તેમને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. વર્ષ ૧૯૪૭ ની આસપાસ પંડિત મનમોહન ભટ્ટે તેણીને એસ.એ. મહરકર પાસે ઔપચારિક તાલીમ લેવા માટે અલવર મોકલ્‍યા અને પછી મહારાજા સ્‍કૂલમાં સંગીત શિક્ષક તરીકે જોડાયા તેઓ જોડાયા હતા. ઘરના માસ્‍ટરની આ સંગીતની માનસિકતાએ તેના તમામ બાળકોને સંગીતને ગંભીરતાથી લેવાની પ્રેરણા આપી. સૌથી મોટા શશિ મોહન ભટ્ટને બીજા કોઈએ નહીં પણ પંડિત રવિશંકરજીએ જ ઉછેર્યા હતા. તેમણે જ તેમની નાની બહેન મંજુબેનને સિતાર સાથે પરિચય કરાવ્‍યો હતો. આ અરસામાં મંજુબહેનના મોટાભાઇ પં. શશીમોહનજી ભટ્ટ પં. રવિશંકરજીના સિનિયર મોસ્‍ટ સ્‍ટુડન્‍ટ અને જયપુર મહારાણી કોલેજના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્‍ટ બન્‍યા અને ઘરમાં કલાકારોની અવરજવર અને સંગીતનો માહોલ જોઇને નાનકડાં મંજુબહેન ચૂપચાપ સિતાર લઇને વગાડવા બેસી જતાં. તેમની લગન અને ક્ષમતા જોઇ પં. શશીમોહનજીએ તેમને સિતાર શિખવવાનું શરૂ કર્યું. તેઓએ ફક્‍ત ૧૧ વર્ષની ઉંમરે બાળકોના કાર્યક્રમમાં સિતાર વગાડી અને સિતારવાદનમાં મંજુબહેનની અવિરત યાત્રા શરૂ થઇ.

 મંજુબેન મહેતાનું પ્રાથમિક, માધ્‍યમિક અને ઇન્‍ટરમીડિયેટ સુધીનું શિક્ષણ જયપુર ખાતે થયેલું. તેમણે સંગીતક્ષેત્રે ગાંધર્વ વિદ્યાલયમાંથી એમ.એ.(મ્‍યૂઝિક)ની ઉચ્‍ચ પદવી પ્રાપ્ત કરી છે, જેમાં તેમણે પ્રથમ વર્ગમાં સર્વોચ્‍ચ સ્‍થાન પ્રાપ્ત કર્યું હતું. તેણીની સુષુપ્ત પ્રતિભા ખૂબ વહેલી તકે બધા દ્વારા ધ્‍યાનમાં આવી જયારે તેણીએ સતત બે રાજય અને કેન્‍દ્ર સરકારની શિષ્‍યવૃત્તિઓ મેળવી હતી. તેમને પંડિત દામોદરલાલ કાબરાના માર્ગદર્શન હેઠળ શીખવાની તક મળી. આગળ જતા આકાશવાણી ટેલેન્‍ટ સર્ચ કોમ્‍પીટીશનમાં મંજુબેને ઇનામ જીત્‍યું જેમાં તેણીએ પ્રથમ સ્‍થાન મેળવ્‍યું હતું અને સિતારવાદ્યને લઇ શાષાીય સંગીતમાં માસ્‍ટર કર્યું.

સંગીત સાધનાની સાથે મંજુબેન મહેતાએ ગાંધર્વ મહાવિદ્યાલયથી માસ્‍ટર ઈન મ્‍યુઝિકની ડિગ્રીમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું હતુ. દિવસના આકરા રિયાઝ સાથે પણ તેઓ સ્‍વભાવે મૃદુ અને સંગીત કળાના પ્રસારને જીવનનો ધ્‍યેય બનાવ્‍યો હતો. ૧૬ વર્ષની ઉંમરે જોધપુર યુનિવર્સિટીમાં લેકચરર બન્‍યાં. ૬-૬ કલાક રિયાઝ, ખંતપૂર્વકની મહેનત કેવું મહાન કામ કરી જાય છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે મંજુબહેન. તેમની પ્રગતિમાં તેમના પતિ સ્‍વ. પંડિત નંદન મહેતાનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. રાજસ્‍થાનની યુવતી અને એક બેરોનેટ ફેમિલીના નાગર કલાકારનો મેળાપ પણ સંગીતિક રીતે થયો હતો. અમદાવાદમાં શ્રી ચિતરંજનજી મહેતા અનેક કાર્યક્રમો કરતા. તેમણે કાબરાજીનું સરોદવાદન અને કશિન મહારાજની તબલાં સંગતનો કાર્યક્રમ રાખેલો હતો. આ કાર્યક્રમમાં બંને ગુરુના શિષ્‍ય મંજુબહેન અને નંદનભાઇ પણ વચ્‍ચેનો થોડો સમય સાથ પુરાવતા હતા. આ તેમની પ્રથમ મુલાકાત હતી અને પછી સાંગિતીક મુલાકાતો ૧૯૬૭ માં જીવનસાથીમાં પરિણમી. નંદનભાઇ મહેતા સાથે લગ્ન થયા અને તેઓએ ૧૯૮૦ માં વિશ્વ વિખ્‍યાત સપ્તક સ્‍કુલ ઓફ મ્‍યુઝિક સંસ્‍થાના ટ્રસ્‍ટી બનીને સંગીત વિશ્વને દર વર્ષે વિવિધ કળા ગુરુના રસપાનની તક આપી. મૈહર ઘરાનાના સિતાર વાદક તરીકે મંજુ મહેતાનો પ્રથમ કાર્યક્રમ ૧૯૬૪માં જયપુર ખાતે યોજાયો હતો. પોતાની ૭૯ વર્ષની જીવન યાત્રામાં મંજુ મહેતાએ અનેક કાર્યક્રમો આપી વિશ્વના સંગીતપ્રેમીના દિલમાં વિશેષ જગ્‍યા અંકિત કરી છે.

 ૧૯૭૮માં આ કલાકારદંપતીએ અમદાવાદમાં ‘સપ્તક સ્‍કૂલ ઓફ મ્‍યૂઝિક' શરૂ કરી અનેક વિદ્યાર્થીઓને સંગીતાભિમુખ કર્યાં. તો વળી ૧૯૮૦માં આ દંપતીએ અમદાવાદમાં આરંભ્‍યો ‘સપ્તક સંગીત મહોત્‍સવ'. ૧૩ રાત્રિઓ સુધી ચાલતા ચાલતા આ સંગીત મહોત્‍સવમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના કલાકારો/ ગાયકો/વાદકો ઉપસ્‍થિત રહીને ધન્‍યતા અને ગૌરવની લાગણી અનુંભવતા રહ્યા છે આટલા વર્ષો પર્યંત!

મંજુબહેન ઉત્તમ કલાકાર સાથે ઉત્તમ ગુરુ પણ હતા. તેઓ તેમના શિષ્‍યગણના વહાલા ગુરુ હતા. તેમણે દેશવિદેશમાં અનેક સંગીત કાર્યક્રમો પ્રસ્‍તુત કર્યા હતા. જેમાં આકાશવાણી નેશનલ પ્રોગ્રામ, સપ્તક ફેસ્‍ટિવલ, એનસીપીએ, પં. ઓમકારનાથ સંગીત સમારોહ, બૈજુ સંગીત સમારોહ, શિવરંજની, સ્‍વામી હરિદાસ સંગીત સમારોહ, તાનસેન સમારોહ, સંકટમોચન સમારોહ, ગાંધર્વ મહાવિદ્યાલય એન્‍યુઅલ સંગીત સંમેલન, ડાગર સ્‍મૃતિ સમારોહ, રાજગુરુ સ્‍મૃતિ સંગીત સમારોહ, શ્રૃતિ મંડલ, પં. મોતીરામ સંગીત સમારોહ, મહારાણા કુમ્‍ભા સંગીત, સપ્તસંગીતિ સમારોહ વગેરે. મંજુબહેનના જગવિખ્‍યાત ભાઇ પં. વિશ્વમોહન ભટ્ટ ગ્રેમી એવોર્ડથી નવાજિત છે. તેમણે મોહનવીણા નામના વાધ્‍યની શોધ કરી સંગીત જગતને અનોખી ભેટ આપી છે. તેમના ભાઇ પં. રવિમોહન ભટ્ટ અચ્‍છા વાયોલિનવાદક હતા.

ઇ.સ. ૧૯૯૯ માં મંજુબેને યુએસએનો પ્રવાસ કર્યો અને ૨૦૧૧ માં તેણીએ ઓસ્‍ટ્રેલિયાનો પ્રવાસ કર્યો જયાં વિવિધ રાજયોમાં પરફોર્મ કર્યું અને તેણીના સિતારવાદનની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ૭૦ ના દાયકાની શરૂઆતમાં તેણીએ શ્રીમતી મૃણાલિની સારાભાઈ સાથે યુરોપનો પ્રવાસ કર્યો હતો. મંજુબહેનનાં એક દીકરી હેતલ તબલાવાદિકા અને બીજી દીકરી પૂર્વી સિતારવાદિકા છે. સવારે પ્રભુસેવા કરીને રિયાઝ કરતાં મંજુબહેન માનતા કે નિયમિત રિયાઝ અને દરેક પ્રવૃત્તિ કરતી વખતે મનમાં રાગ રમતો હોય, તેનું ચિંતન અને મનન થતું હોય તે જ સાચા કલાકારનાં લક્ષણ છે. મંજુબેન મહેતાએ ઉંમરના કારણે લગભગ છેલ્લા એક દાયકાથી કશું પર્ફોર્મ કર્યું નહોતું.

હાલ તેમણે આ દુનિયામાંથી ચિર વિદાય લીધી હોય પણ તેમનાં સૂરો હજારો વર્ષો સુધી ગુંજતા રહેશે.

 

ગૌરવ પુરસ્‍કાર...,સંગીત માર્તંડ સહિત અનેક સન્‍માન પ્રાપ્ત કર્યા

વિદુષી મંજુબેન મહેતા એ તેમના જીવનકાળમાં અનેક સર્વશ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત કર્યા હતા. તેમણે ભારત અને વિદેશમાં મોટા સંગીત સમારોહમાં ભાગ લીધો છે અને તેમને સંખ્‍યાબંધ સરકારી અને બિન-સરકારી સંસ્‍થાઓ દ્વારા સન્‍માનિત કરવામાં આવ્‍યા છે. જેમાં ઘણા ટોચના સન્‍માન અને પુરસ્‍કારો પ્રાપ્ત કરનાર મંજુબેનને સંગીત નાટક અકાદમી NCPA અને સંગીત મંચ દ્વારા ITC-સંગીત રિસર્ચ એકેડમી અને ઇન્‍ડિયન મ્‍યુઝિકલ સોસાયટીના સહયોગથી આયોજિત વાર્ષિક સેમિનાર દરમિયાન તેમને પ્રતિષ્ઠિત ITC SRA (વેસ્‍ટ) એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો. ગુજરાત સરકાર દ્વારા ખાસ પં.ઓમકારનાથ એવોર્ડ અને ગુજરાતની સંગીત નાટક એકેડમી દ્વારા પ્રતિષ્ઠિત ગૌરવ પુરસ્‍કાર મળ્‍યો છે. અન્‍ય કેટલાક પ્રતિષ્ઠિત પુરસ્‍કારોમાં અખિલ ભારતીય ધ્રુપદ-નાદ-નિનાદ વિરાસત સમારોહ જયપુર દ્વારા સંગીત કલા રત્‍ન, સંગીત કલા કેન્‍દ્ર આગ્રા દ્વારા સંગીત માર્તંડ સન્‍માન, તાનસેન સન્‍માન, સંગીત કલા ગૌરવ પુરસ્‍કાર, ધીરુભાઈ ઠાકર સવ્‍યસાચી સારસ્‍વત એવોર્ડ અને જોધપુરના મહારાજા ગજસિંહ દ્વારા પ્રસ્‍તુત ખૂબ જ પ્રતિષ્ઠિત મારવાડ સંગીત રત્‍નનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આકાશવાણીએ મંજુબેન મહેતાને પુરા દેશમાં પ્રથમ સ્‍થાન આપ્‍યુ હતુ. વડોદરાની ત્રિવેણી સંસ્‍થા તથા અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા તેમનું જાહેર સન્‍માન કરવામાં આવેલું.

 

 

સિતાર વગાડવામાં મહત્‍વની તર્જની આંગળી

અચાનક કામ કરતી બંધ થઇ અને...

વિદુષી મંજુબેન મહેતા પ્રખ્‍યાત સિતાર વાદક હતા. આપણે બધા જાણીએ છીએ તેમ સિતાર વગાડવામાં હાથની આંગળીઓ ખુબ મહત્‍વનો ભાગ ભજવે છે. મંજુબેનની બંને દિકરીઓ યુવાન ન થાય અને માતાના ધ્‍યાનની જરૂર હોય ત્‍યાં સુધી મંજુબેને કોન્‍સર્ટ-ઓફર, રેડિયો પ્રોગ્રામ વગેરેનો ઇનકાર કરવો પડ્‍યો હતો. બંને દિકરીઓના અભ્‍યાસ અને સંગીતમાં સારો દેખાવ જોઈને તેમને ખૂબ આનંદ થયો. હેતલે તબલા શીખવાનું પસંદ કર્યું અને પૂર્વીએ સિતાર શીખવાનું પસંદ કર્યું. આ બંને હવે સંગીતકાર તરીકે સારૂં કામ કરી રહ્યા છે.

ખૂબ જ સંતોષ સાથે મંજુબેને ૧૯૮૦ માં ફરીથી કાર્યક્રમોનો દોરો ઉપાડ્‍યો. ત્‍યારે અચાનક એક રેડિયો કાર્યક્રમ દરમિયાન મંજુબેને અનુભવ્‍યું કે તેણીની તર્જની આંગળી જે સિતાર વગાડવામાં સક્ષમ બનાવે છે તે સંપૂર્ણપણે સુન્ન થઈ ગઈ હતી. આ એક મોટો આંચકો હતો. જયારે તેમને ખબર પડી કે આ એક ન્‍યુરોલોજિકલ સમસ્‍યા છે જેમાં પુનઃપ્રાપ્તિની ખૂબ જ ઓછી શક્‍યતાઓ છે ત્‍યારે તેઓ સંપૂર્ણપણે પડી ભાંગ્‍યા હતા.

મન મક્કમ કરી ધીરે ધીરે તેમણે મધ્‍યમ આંગળી વડે સિતાર વગાડવાનો પ્રયત્‍ન કર્યો. શરૂઆતમાં, આ અનુકૂલન અશક્‍ય લાગતું હતું પરંતુ તેઓ આ કટોકટી દૂર કરવા માટે મક્કમ હતા અને અંતે તેમને સફળતા મળી.

 

ભારત રત્‍ન પં. રવિશંકર પાસેથી મેળવ્‍યું માર્ગદર્શન

વર્ષ ૧૯૮૦થી મંજુબેને સિતારવાદક ભારત રત્‍ન પં. રવિશંકર પાસેથી માર્ગદર્શન મેળવ્‍યું હતું અને પંડિતજીના ૮૦મા જન્‍મદિવસ નિમિત્તે બહાર પાડવામાં આવેલા આલ્‍બમમાં જયારે તેમના સિતારવાદનનો સમાવેશ કરવામાં આવ્‍યો એ ક્ષણ મંજુબેન માટે એક દુર્લભ લહાવો અને સન્‍માન હતું. દૂરદર્શન અને આકાશવાણીના ટોચના કલાકાર, મંજુબેને ઓલ ઈન્‍ડિયા રેડિયોના સંગીતના રાષ્ટ્રીય કાર્યક્રમ અને આકાશવાણી દિવાળી સંગીત સંમેલન પ્રસારણ માટે ઘણી વખત રજૂઆત કરી હતી. સ્‍વયંસ્‍ફુરિત સર્જનાત્‍મકતા, લયબદ્ધ નિયંત્રણ, ઉત્‍કૃષ્ટ સંતુલન અને કર્ણપ્રિય સૂરો તેમના સિતારવદન માંથી કુદરતી રીતે વહેતા હતા. તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રચાર માટે નોંધપાત્ર સમય ફાળવ્‍યો હતો. મંજુબેન એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે છેલ્લા ૩૫ વર્ષથી અમદાવાદમાં મહત્‍વાકાંક્ષી સિતારવાદકોને માર્ગદર્શન આપી રહ્યા હતા.

પ્રશાંત બક્ષી

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

(4:44 PM IST)