News of Friday, 23rd August 2024
આકાશદિપ સોસાયટીના ફાયનાન્સર મહાવીરસિંહ ડોડીયાનું જલજીત સોસાયટીના મકાનમાં મૃત્યુ
સુવા માટે આ મકાન ભાડે રાખ્યું હતું: હાર્ટએટેક આવ્યો કે અન્ય કોઇ રીતે મોત થયું? તે જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૩: મવડીની આકાશદીપ સોસાયટી-૧માં રહેતાં મહાવીરસિંહ મનસુખભાઇ ડોડીયા (ઉ.વ.૪૫) નામના આધેડ તેમણે જલજીત સોસાયટી-૪માં ડાયારામ ફરસાણની સામે ભાડે રાખેલા મકાનમાં સુવા ગયા બાદ ત્યાંથી તેમની લાશ મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
મહાવીરસિંહ બે ભાઇ અને બે બહેનમાં બીજા હતાં. તેમને સંતાનમાં એક પુત્ર છે. તેઓ ફાયનાન્સનું કામ કરતાં હતાં. જલજીત સોસાયટીમાં સુવા માટે એક મકાન ભાડે રાખ્યું હતું. ગઇકાલે તેઓ ત્યાં ગયા બાદ મોડે સુધી પરત ન આવતાં અને ફોન પણ રિસીવ ન થતાં પરિવારજનો ત્યાં પહોંચતા તેઓ બેભાન મળતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસડયા હતાં. પરંતુ અહિ તબિબે તેમને નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, બળુભા, ધર્મેન્દ્રભાઇ સહિતે જાણ કરતાં માલવીયાનગરના હેડકોન્સ. કે. જી. ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃત્યુ હાર્ટએટેકથી થયું કે અન્ય કોઇ રીતે? તે અંગે પરિવારજનોને શંકા હોઇ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. (૧૪.૫)
ગુંદાળામાં બાઇક સ્લીપ થતાં પિતા વિજયભાઇને ઇજાઃ પુત્ર દેવરાજનું મોત
દિકરાને શાળાએથી તેડીને ઘરે આવતી વખતે બનાવ
૯ વર્ષના બાળકે સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયો
રાજકોટ તા. ૨૩: ગોંડલના ગુંદાળામાં બાઇક સ્લીપ થઇ જતાં પિતાને ઇજા થઇ હતી અને નવ વર્ષના પુત્રનું મોત થયું હતું. દિકરાને શાળાએથી છુટતાં બાઇકમાં બેસાડી ઘરે આવતી વખતે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ ગુંદાળામાં પાટીદળના રસ્તે આવાસ ક્વાર્ટરમાં રહેતાં અને ઓછાડ ચાદર ધાબળા વેંચી ગુજરાન ચલાવતાં વિજયભાઇ ધનાભાઇ સલાટ ગકકાલે પોતાનો પુત્ર દેવરાજ (ઉ.વ.૯) શાળાએથી છુટતાં તેને બાઇકમાં બેસાડી ઘરે આવી રહ્યા હતાં ત્યારે રસ્તામાં મેલડી માતાના મંદિર પાસે ગોળાઇમાં બાઇક સ્લીપ થઇ જતાં પિતા-પુત્ર બંનેને ઇજા થતાં ગોંડલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
જેમાં પુત્ર દેવરાજને વધુ ઇજા પહોંચી હોઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. મૃત્યુ પામનાર દેવરાજ ત્રણ ભાઇમાં મોટો હતો અને ચોથા ધોરણમાં ભણતો હતો. બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડ, તોૈફિકભાઇ જુણાચ, બળુભા જાડેજા સહિતે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.
(11:59 AM IST)










