News of Friday, 23rd August 2024
કપિલા હનુમાન રોડ પર પતિના એકટીવા પાછળ બેઠેલા રત્નાબેનના ગળામાંથી ૧ લાખનો ચેઇન ખેંચાયો
તહેવાર આવતા જ ‘ ચિલ ઝડપીયા' સક્રિય થયા :રેલનગરથી રામનાથપરા તરફ વ્રત પુરૂ કરવા ચાંદના દર્શને જઇ રહ્યા હતા ત્યારે બનાવઃ બાઇકસવાર શખ્સ ઝોટ મારી ભાગી ગયોઃ એ-ડીવીઝનમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૩: સીંધી સમાજનો તહેવાર ત્રીજનું વ્રત પુરૂકરવા ચાંદના દર્શન કરવા માટે રેલનગરના વૃધ્ધા પતિ સાથે એકટીવામાં રામનાથપરા સ્મશાન પાસે પુલ તરફ જતા હતા. ત્યારે કપીલા હનુમાન રોડ પર બાઇક પર આવેલા અજાણ્યા શખ્સે વૃધ્ધાના ગળામાં ઝોટ મારી રૂા. ૧ લાખ નો ચેઇન ઝુંટવી નાશી જતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ રેલનગર મેઇનરોડ પર જાડેજા ચોક પાસે રહેતા રત્નાબેન હરેશભાઇ મુલચંદાણી (ઉ.વ. ૬૬ા એ એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ગઇકાલે સિંધી સમાજનો તહેવાર ત્રીજ હોઇ જેથી પોતે ત્રીજ રહ્યા હતા. અને તેમાં ચાંદ જોઇએ તેની પુજા કર્યા બાદ વ્રત પુરૂ કરીને મહિલાઓ જમી શકે.
જેથી રાત્રે પોણા અગીયાર વાગ્યા છતા પોતાના ઘરેથી ચાંદના દર્શન ન થતા પોતે પતિ સાથે એકટીવા પાછળ બેસી રામનાથપરા સ્મશાન પાસેના પુલ તરફ આવેલા ખુલ્લા પ્લોટમાં ચાંદ દેખાતો હોઇ તેના દર્શન કરવા માટે ઘરેથી નીકળ્યા હતા અને બંને મોચીબજાર ચોક થઇને કપીલા હનુમાનવાળા રોડ પર રામનાથ પરા સ્મશાન તરફ જતા હતા. ત્યારે બચુભાઇ શેરડીવાળાના થડા પાસે પહોંચતાપોતાને ગળામાં કંઇક લાગ્યુ હોય તેવુ લાગતા પોતે તુરત જ ગળામાં હાથ ફેરવતા પોતે પહેરેલો રૂા. ૧ લાખની કિંમતનો સોનાનો ચેઇન જોવા મળેલ નહી તેવામાં પોતાની પાછળ આવતો એક અજાણ્યો શખ્સ બાઇક પર પૂરઝડપે એકટીવાની આગળ નીકળ્યો હતો. અને પોતે તેના હાથમાં ચેઇન જોતા પોતે તુરત જ પતિને કહેલ કે મારા ગળામાં પહેરેલો સોનાનો ચેઇન બાઇક પર આવેલો શખ્સે ગળામાં ઝોંટ મારી સ્મશાન તરફ નાસી ગયો તેમ વાત કરતા પતિએ એકટીવા ઉભુ રાખી દીધું હતું અને પોતાને ચકકર આવતા પોતાને ત્યાં સાઇડમાં બેસાડીને તેને પકડવા માટે તેની પાછળ ગયેલ પરંતુ તે ભાગી ગયો હતો.
બાદ પતિએ પુત્રને ફોન કરી બનાવની જાણ કરતા તે ત્યાં આવી ગયો હત.બાદ તેણે પોલીસ કંટ્રોમાં જાણ કરતા પોલીસની ગાડી આવી ગયા બાદ પોતે પતિ અને પુત્ર સાથે એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ બનાવ અંગે પી.એસ.આઇ. એમ.ડી. ડાંગી સહિતે તપાસ હાથ ધરી છે. (૩.૯)
(2:29 PM IST)










