News of Friday, 23rd August 2024
સામાકાંઠાની ખોડીયાર બાળકોની હોસ્પિટલને ૧૦ હજારનો દંડ
ટીપરવાનમાં મેડીકલનો કચરો ફેંકનાર સામે મનપાની લાલ આંખ : સોલીડવેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કાર્યવાહી હોસ્પિટલો, દવાખાનાઓ તથા કિલનીકધારકોને બાયોમેડિકલ વેસ્ટ ટીપરવાનમાં ન નાંખવા તાકિદ

રાજકોટ,તા. ૨૩: મ્યુનિ. કોર્પોરેશનની સોલીડ વેસ્ટ દ્વારા બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં નાખવા બદલ સામાંકાનાં સંત કબીર રોડની ખોડીયાર બાળકોની હોસ્પિટલ પાસે રૂા. ૧૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ સદગુરૂ રણછોડનગર-૨, જલગંગા ચોક, સંતકબીર રોડ પર આવેલ ખોડીયાર બાળકોની હોસ્પિટલ દ્વારા ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવા બદલ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ખોડીયાર બાળકોની હોસ્પિટલ પાસેથી રૂ.૧૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.
ઉપરોક્ત કામગીરી મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઈજનેર નિલેશ પરમારની સુચના અને નાયબ પર્યાવરણ ઈજનેર પી.સી.સોલંકીના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.૬ના સેનીટરી ઇન્સ્પેકટર હરેશ ગોહેલ દ્વારા કરવામાં આવેલ.
મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ તમામ હોસ્પિટલ, દવાખાનાઓ તથા ક્લિનિક ચલાવતા ડોકટરોને જાણ કરવામાં આવે છે કે તેમનો બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં કે કોઇપણઅન્ય જગ્યાએ ન ફેકતા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે અધિકૃત કરેલ એજન્સી Distromed Bio-Clean Pvt. Ltd. મારફત નિકાલ કરવા અનુરોધ કરેલ છે.
(2:58 PM IST)










