<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

શહેરમાં ખાડે ગયેલી ટ્રાફીક વ્‍યવસ્‍થા : રોજીંદો આઠેક લાખનો દંડ વસુલાતો હોવા છતાં નક્કર કામગીરીનો અભાવ

૪૬ રાજમાર્ગો ઉપર લારી-ગલ્લા-પાથરણાવાળાઓને બેસવા ઉપર પ્રતિબંધ હોવા છતાં એક પણ માર્ગ દબાણ વગરનો નથી! : કોંગ્રેસની પોલીસ કમિશ્નર સમક્ષ રજુઆત

રાજકોટ, તા., ર૩:  શહેરની ખાડે ગયેલી ટ્રાફીક વ્‍યવસ્‍થા સુદ્રઢ બનાવવા આજે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની આગેવાની હેઠળ પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.

રજુઆતમાં જણાવાયું છે કે, શહેર મેગાસિટીની હરણફાળ તરફ આગળ વધતું શહેર બની ચૂકયું છે સૌરાષ્‍ટ્રના પાટનગર સમાન રાજકોટ શૈક્ષણિક હબ બની ગયું છે. દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્‍યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. ત્‍યારે રાજકોટ શહેરની ટ્રાફિક વ્‍યવસ્‍થા સદંતર ખાડે ગઈ છે રસ્‍તા ઉપર ઠેર ઠેર ટ્રાફિક જામ રહે છે કલાકો સુધી ઈમરજન્‍સી વાહનોને પણ અવાર-જવરમાં મુશ્‍કેલી પડે છે શહેરની અતિ વિકટ ટ્રાફિક સમસ્‍યાનું હલ તંત્ર પાસે હોય તેવું લાગતું જ નથી સમગ્ર શહેરનું ટ્રાફિક પોલીસ તંત્ર ટ્રાફિક બ્રિગેડોના હવાલે હોય તેવો તાલ છે. ભીડ ભાડ વાળા ટ્રાફિક પોઇન્‍ટ થી દૂર ઊભા રહીને પોલીસમેન અને ટ્રાફિક વોર્ડન પોતાના મોબાઈલમાં ગેમ રમતા હોય છે અથવા વાતોમાં મશગુલ હોય છે. શહેરના હોસ્‍પિટલ ચોક, સાંઢિયા પુલ ડાઈવરજન, ઢેબર રોડ, મકકમ ચોક, ગોંડલ રોડ, કિશાનપરા ચોક, નાણાંવટી ચોક, એસ્‍ટ્રોન ચોક, સ્‍વામિનારાયણ મંદિર કાલાવડ રોડ, લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે દાસીજીવણપરા પાસે મહાનગરપાલિકા પાસેનો ચોક, એસ.ટી બસ પોર્ટ આગળ તેમજ એસ ટી બસ પોર્ટ ની પાછળ કનક રોડ, ૧૫૦ ફૂટ ના રીંગ રોડ, કાલાવડ રોડ પર ટ્રાફિકની સમસ્‍યા ગંભીર બની છે જેમાંના કેટલાક પોઇન્‍ટ પર મુસાફરોની હેરફેર કરતા ગેરકાયદેસર વાહનો અડીંગો જમાવે છે જે પગલે પણ ટ્રાફિક જામ થાય છે. રીંગરોડ બે એસઆરપી ક્‍વાર્ટર પાસે જામનગર થી આવતો રસ્‍તો તથા ઘંટેશ્વર એસઆરપી આવતો રસ્‍તો વચ્‍ચે પોલીસના નામની આડશ મૂકવી જેથી આવતા વાહનો ફરજિયાત ધીમા પડે અને આ સ્‍થળે અકસ્‍માત ટાળી શકાય ટ્રાફિક બ્રિગેડના વોર્ડનો ટ્રાફિક નિયમનને બદલે સીટબેલ્‍ટ બાંધેલ છે કે કેમ અને હેલ્‍મેટ પહેર્યું છે કે કેમ અને નંબર પ્‍લેટ યોગ્‍ય છે કે કેમ તે અંગેની ચકાસણી કરી ટ્રાફિકના વાહનો રોકતા નજરે પડે છે.

 હાલ ટ્રાફિક સમસ્‍યા દિન પ્રતિદિન કથળી રહી છે દંડ અને મેમા દ્વારા પ્રજાને લુંટવામાં આવી રહી છે. અમારી જાણ મુજબ જાન્‍યુઆરી ૨૦૨૩ થી જુલાઈ ૨૦૨૪ સુધીના આઇવે પ્રોજેક્‍ટ હેઠળના સી.સી.ટીવી કેમેરામાં ૩૬૦૦૪૩૪૫૦ અને અન્‍ય માં આજ સમયગાળા દરમિયાન દંડની રકમ ૭૬૦૫૩૩૫૦ કરવામાં આવી છે. એટલે કે રોજિદો અંદાજે રાજકોટ શહેર પોલીસ આઠ લાખનો દંડ વસૂલ કરે છે. જે પ્રકારે ટ્રાફિક પોલીસ દંડ કરે છે એ પ્રકારે ટ્રાફિક વ્‍યવસ્‍થા સુદ્રઢ બનાવવામાં બિલકુલ રસ દાખવતી નથી. સૌરાષ્‍ટ્રમાં જામનગર, ભાવનગર, જૂનાગઢ સહિતના મુખ્‍ય શહેરોમાં ભારે વાહનો માટે જે પ્રતિબંધ છે જેની કડકાઈથી અમલવારી થાય છે પરંતુ રાજકોટમાં ભારે વાહનો બેરોકટોક શહેરભરમાં પોલીસની રહેમ દ્રષ્ટિથી ઘૂસી જાય છે અને પ્રાણઘાતક અકસ્‍માતો સર્જેલ છે આવા અકસ્‍માતોમાં કોઈકના કંધોતર તો કોઈકનો લાડકવાયો  છીનવાયા છે જે પોલીસ તંત્રના રેકોર્ડ પર પણ મૌજુદ છે. પોલીસ કમિશનર કચેરી અને રાજકોટ મહાનગરપાલિકા સાથે સંકલનના અભાવે શહેરના રાજમાર્ગો પર સફેદ કે પીળા પટ્ટા લગાવવામાં આવતા નથી અને પટ્ટા લાગેલ ન હોવાને પગલે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ આડેધડ મન ફાવે ત્‍યાંથી મન પડે તે પ્રકારે વાહનો ડીટેઇન કરી દંડનીય કાર્યવાહી કરે છે જે ગેરકાયદેસર અને કુદરતી ન્‍યાયના સિદ્ધાંત વિરુદ્ધની છે કોન્‍ટ્રાકટરના માણસો દ્વારા પણ વાહનોમાં ઇન્‍ડિકેટર અને અન્‍ય નુકસાની વાહન ચાલકોને થતી જોવા મળે છે અને મહિલાઓ, સિનિયર સિટીઝનો સામે આવા કોન્‍ટ્રાકટરનું બેહુદુ અને ઉદ્ધળતાઈપૂર્વક વર્તન પણ જોવા મળે છે. દાદાગીરી કરતા ટ્રાફિક વોર્ડનના કર્મચારીઓને શિસ્‍ત ના પાઠ ભણાવવાની આવશ્‍યકતા છે.

 શહેરમાં જે રાજમાર્ગો પર સફેદ કે પીળા પટ્ટા લગાવેલા ન હોય તેવા રસ્‍તા પરથી વાહન ટોઇન કરવાનું બંધ કરવું જોઈએ અને કોઈ નાગરિક એકાદ બે મિનિટ માટે વાહન રાખીને બોલપેન કે બેંકના કામે જાય પરત આવે ત્‍યારે ૭૦૦ થી વધુ દંડ ચૂકવવો પડતો હોય છે. ખાસ કરીને સિનિયર સિટીઝન અને મહિલાઓ આવા પ્રકારના દંડનો ભોગ બનતી હોય છે પ્રથમ તો શહેરમાં ર્પાકિંગની સુવિધા અપૂરતી છે. જે પ્રમાણે વાહનો છે તે પ્રમાણે નિઃશુલ્‍ક ર્પાકિંગની સુવિધા ઉપલબ્‍ધ કરવી જોઈએ. આડેધડ મન ફાવે તે પ્રકારે મન પડે તે રીતે દંડના નામે લોકોના ખિસ્‍સા ખંખેરી સરકારી તિજોરી ભરવાનું ષડયંત્ર જે ચાલી રહ્યું છે તે બંધ કરવું જોઇએ. લોકોમાં અને સ્‍કૂલ કોલેજોમાં ટ્રાફિકનું જનજાગળતિ અભિયાન ચલાવવું જોઈએ દંડની રકમ પણ મામુલી હોવી જોઈએ. શહેરના મુખ્‍ય માર્ગો કે ભીડવાળી બજારોમાં આજુબાજુના વિસ્‍તારોમાં કોર્પોરેશન કે પોલીસ તંત્ર દ્વારા ર્પાકિંગની સુવિધા ઉભી ન કરવામાં  આવે ત્‍યાં સુધી આવા વિસ્‍તારોમાં કાયદાની વિરુદ્ધમાં જઈ ટોઇગ કરવાનું બંધ કરવું જોઈએ. રાજકોટ શહેરના ૪૬ રાજમાર્ગો પર લારી ગલ્લા પાથરણાં વાળા ને બેસવા દેવા પર સંપૂર્ણ પણે પ્રતિબંધ હોવા છતાં શહેરનો એક પણ રાજ માર્ગ દબાણ વગરનો છે નહીં મહાનગરપાલિકા અને પોલીસની હપ્તાખોરી, લાંચિયા અને ભ્રષ્ટ નીતિ, ધળતરાષ્‍ટ્ર નીતિને પગલે શહેરની ફૂટપાથો અને રાજમાર્ગો પર ડેરા તંબુ તાણી બેફામ દબાણ છે. જે પગલે શહેરના નાગરિકોને ફૂટપાથ પર કે જાહેર માર્ગો પર ચાલવું કઠિન બન્‍યું છે. તેવી રજુઆત શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, ડો.હેમાંગ વસાવડા, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, વશરામભાઇ સાગઠીયા, ધરમભાઇ કાંબલીયા, મેઘજીભાઇ રાઠોડ અને રહીમભાઇ સોરા સહિતના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી.

(3:00 PM IST)