News of Friday, 23rd August 2024
લોક વગરના ટુવ્હીલર ડાયરેક્ટ કરી ઉઠાવી લઇ અમુકના પાર્ટસ કરી વેંચી મારતાં: પાંચ પકડાયા
સાલખડાનો રીઢો ગુનેગાર નવઘણ ઉફ નઘો, નાકરાવાડીનો અશોક ઉર્ફ બાવ અને ગંજીવાડાનો વિજય ચોરી કરતાંઃ શીવનગરનો પ્રકાશ અને માધાપરનો પ્રભુ ચોરાઉ માલનો નિકાલ કરાવતાંઃ પીઆઇ આર. જે. બારોટ, કે. ઍસ. દેસાઇ, ઍઍસઆઇ ઍમ. વી. લુવા, બી.વી. ગોહિલ, હેડકોન્સ. કિશનભાઇ આહિરની ટીમની કામગીરીઃ અજયભાઇ બસીયા અને રમેશભાઇ માલકીયાની બાતમી

ઝડપાયેલા પાંચેય શખ્સો અને કબ્જે થયેલા ટુવ્હીલર તથા છુટા કરી નખાયેલા પાર્ટસનો જથ્થો જોઇ શકાય છે
રાજકોટ તા. ૨૨: શહેરમાં બની રહેલા વાહનચોરીના બનાવો અટકાવવા અને આવા ગુનાઓના ભેદ ઉકેલવા સુચના મળી હોઇ તે અંતર્ગત એ-ડિવીઝન પોલીસની ટીમે પેટ્રોલીંગ દરમિયાન મળેલી પાક્કી બાતમીને આધારે ચોટીલાના સાલખડાના રીઢા ગુનેગાર અને તેના નાકરાવાડી, ગંજીવાડાના બે સાગ્રીતને દબોચી લઇ ટુવ્હીલરની ચોરીઓના ભેદ ઉકેલી ૮ ટુવ્હીલર અને અન્ય છુટા કરી ટુવ્હીલરના પાર્ટસ કબ્જે લીધા છે. ચોરાઉ વાહન, પાર્ટસ ખરીદનારા બે શખ્સોને પણ દબોચ્યા છે. ત્રણેય ઉઠાવગીર હેન્ડલ લોક વગરના વાહનોના સોકેટ કાઢી ડાયરેકટ કરી ઘરે લઇ જઇ પાર્ટસ અલગ કરી ભંગારમાં વેંચી દેવાની ટેવ ધરાવે છે.
વિગત એવી છે કે વાહન ચોરીઓ અટકાવવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. અજયભાઇ બસીયા અને કોન્સ. રમેશભાઇ માલકીયાને મળેલી બાતમી પરથી એક શખ્સને મહિલા કોલેજ અન્ડર બ્રીજી નજીકથી એક્ટીવા સાથે પકડી લઇ તેના કાગળો માંગતા ગલ્લા તલ્લા કર્યા હતાં. આકરી પુછતાછ કરતાં અને તેનું નામ પુછતાં પોલીસે પોકેટ કોપમાં સર્ચ કરતાં આ વાહન ચોરાઉ જણાયું હતું. પુછતાછમાં આ શખ્સે પોતાનું નામ નવઘણ ઉર્ફ નઘો રામજીભાઇ સાડમીયા (રહે. સાલખડા તા. ચોટીલા) જણાવ્યું હતું. તેનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતાં તે રાજકોટ શહેર એ-ડિવીઝન, માલવીયાનગર, બી-ડિવીઝન, તાલુકા, પ્ર.નગર, કાલાવડ, ગોંડલ ગ્રામ્ય, અમરેલી, ગાંધીનગર, અમદાવાદ સહિતના શહેરોના ચોરીઓ, ફરજબમાં રૂકાવટ, સહિતના ૧૯ જેટલા ગુનાઓમાં સંડોવાઇ ચુક્યાનું ખુલ્યું હતું. તેની પાસેનું એકટીવા તેણે પચ્ચીસ દિવસ પહેલા પેલેસ રોડ પર પાર્કિંગમાંથી ચોરી કર્યાનું કબુલતાં તેની ધરપકડ કરી હતી.આકરી પુછતાછ કરવામાં આવતાં આ શખ્સે પોતાની સાથે અન્ય બે શખ્સ અશોક ઉર્ફ બાવ ભીખાભાઇ જખાણીયા (રહે. નાકરાવાડી કુવાડવા રોડ) તથા વિજય સોમાભાઇ વાઘેલા (રહે. ગંજીવાડા મહાકાળી ચોક) પણ વાહન ચોરીઓમાં સામેલ હોવાનું અને છેલ્લા એકાદ વર્ષમાં રાજકોટ શહેરમાંથી અલગ અલગ સ્થળેથી હેન્ડલ લોક વગરના ટુવ્હીલરો ચોરી કર્યાનું અને ઘરે લઇ જઇ પાર્ટસ ખોલી ભંગારના ભાવે વેંચી માર્યાનું કબુલતાં પોલીસે તેના સાગ્રીતો અશોક અને વિજયને પણ દબોચ્યા હતાં. તેમજ છુટા કરેલા પાર્ટસ અને અમુક વાહનો નવાગામ રૂડા ટ્રાન્સપોર્ટ નગર પાસે ઝૂપડા નજીક રાખ્યાનું કબુલતાં પોલીસે ત્યાંથી ૮ બાઇક, પાર્ટસ, વ્હીલ પ્લેટ, ગાર્ડ, જમ્પર, સાયલેન્સર, ફાઇબરના પંખા, વ્હીલ પ્લેટ, હેન્ડલ, લેગ ગર્ડા સહિતનો મુદ્દામાલ કળી રૂા. ૩,૦૧,૨૦૦નો માલસામાન કબ્જે કર્યો હતો.
આ ત્રણેયની પુછતાછમાં ચોરાઉ પાર્ટસ અને બાઇક ખરીદવામાં અન્ય બે શખ્સો પ્રકાશ આશુભાઇ ગુજજર (રહે. શીવનગર ગ્રીનલેન્ડ ચોકડી પાસે) અને પ્રભુ પ્રતાપસિંહ ગુજજર (રહે. માધાપર ગામ ભોલેનાથ સોસાયટી-૨)ના નામ ખુલતા તેને પણ પકડી લેવાયા હતાં. જે ૮ બાઇક કબ્જે થયા તેમાંથી પાંચના ગુના એ-ડિવીઝન, માલવીયાનગર, થોરાળા, બી-ડિવીઝનમાં દાખલ થયા હતાં. જ્યારે ત્રણ બાઇકના માલિકની શોધખોળ થઇ રહી છે. અશોક ઉર્ફ બાવ પણ અગાઉ કુવાડવા પોલીસના ચોરી, હત્યાની કોશિષના ત્રણ ગુનામાં સંડોવાયો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અનુસાર પીઆઇ આર. જે. બારોટ, પીઆઇ કે. એસ. દેસાઇ, એએસઆઇ એમ. વી. લુવા, એએસઆઇ ભરતસિંહ વી. ગોહિલ, હેડકોન્સ. કિશનભાઇ આહિર, અજયભાઇ બસીયા, કલ્પેશભાઇ બોરીચા, કોન્સ. ધારાભાઇ ગઢવી, રમેશભાઇ માલકીયા, ધવલભાઇ જીલડીયા, સંજયભાઇ ચોૈહાણ અને સંજયભાઇ જાદવે આ કામગીરી કરી હતી.
(6:33 PM IST)










