<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

શહેરના લક્ષ્મીવાડી વિસ્‍તારમાં શંકાસ્‍પદ કોલેરાનો કેસ : કલેકટરનું જાહેરનામુ : ૨ કિમીના વિસ્‍તારમાં અનેક વસ્‍તુના વેચાણ પર પ્રતિબંધ

રાજકોટ તા. ૨૩ :  રાજકોટ શહેરના લક્ષ્મીવાડી શેરી નં. ૨૦ વિસ્‍તારમાં શંકાસ્‍પદ કોલેરાનો એક કેસ નોંધાયેલ હોવાથી લક્ષ્મીવાડી શેરી નં. ૨૦ પાસેના વિસ્‍તાર અને તેની આજુબાજુના ૨ કિ.મી.ના વિસ્‍તારમાં જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી પ્રભવ જોષી દ્વારા પ્રતિબંધો મૂક્‍યા છે. જે તા. ૦૭-૧૦-૨૦૨૪ સુધી અમલમા રહેશે.

લોકોનું સ્‍વાસ્‍થ્‍ય ન જોખમાય અને રોગચાળો ફેલાતો અટકે તે હેતુથી લક્ષ્મીવાડી શેરી નં. ૨૦ પાસેના વિસ્‍તાર તથા આજુબાજુના ૨ કિ.મી. વિસ્‍તારમાં ખાણીપીણીની દુકાનો,લારી -ગલ્લા, સ્‍ટોલ, શરડીના રસના સીસોડા, ફળોના ટુકડા કરી તેનું વેચાણ કરવું તેમજ બરફ અને બરફમાંથી બનતી ખાદ્ય ચીજોના વેંચાણ પર પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત આ વિસ્‍તારમા નીચે મુજબની સુચનાઓનો ચુસ્‍તપણે અમલ કરવાનો રહેશે.

બરફના કારખાનેદારોએ બરફ બનાવવા પીવાલાયક પાણી જ વાપરવુ, ખાદ્યપદાર્થ બનાવવા કે ઠંડા પીણા માટે બરફનો સીધો ઉપયોગ કરી શકાશે નહીં. પાણી મેળવવા માટે નળ કનેકશનના સ્‍થળે ખાડા ખોદી પાણી ન મેળવવું, મકાનોમાં પાણીની ટાંકી સાફ કરવી, વેપારીઓએ ફરસાણ, મીઠાઈ, ગોળ, ખજુર તથા અન્‍ય કોઈ ખાદ્યપદાર્થો ખુલ્લા ન રાખવા, શાકભાજી / ફળફળાદીના ધંધાર્થીઓએ શાકભાજી કે ફળફળાદી કાપીને ખુલ્લા ન રાખવા કે તેવી વસ્‍તુઓનું ટુકડા કરી વેંચાણ ન કરવું.ખાણીપીણીના સ્‍થળોએ સ્‍વચ્‍છતાના ઉચ્‍ચ ધોરણો જાળવવા. લારી-ગલ્લાવાળા તેમજ દુકાનદારોએ ખાદ્ય પદાર્થોને યોગ્‍ય રીતે ઢાંકવા, કાચની પેનલ લગાવી અથવા માખી ન પ્રવેશી શકે તેટલી બારીક વાયરનેટ લગાવવી, તમામ ખાદ્યપદાર્થ પેપરડીશમાં જ પીરસવા.બરફ, ગોલા તથા ગુલ્‍ફીમાં માવાના વેંચાણ પર તાત્‍કાલીક પ્રતિબંધ મુકવામાં આવે છે.

(4:31 PM IST)