News of Friday, 23rd August 2024
લોકમેળાને મન ભરીને માણી શકાય તે માટે પોલીસે ગોઠવી વ્યવસ્થા
લોકમેળામાં પ્રવેશવાના, બહાર નીકળવાના અને ઇમર્જન્સી દ્વાર, મહિલા સુરક્ષા, લોકોને રાખવાની તકેદારી, અસામાજીક તત્વો, ટપોરીઓ માટે પોલીસે ગોઠવેલી વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા, ફ્રી પાર્કીંગ વ્યવસ્થા સહિતની વિગતો જણાવાઇઃ લોકોને ખાસ તકેદારી રાખવાના સુચનો અપાયાઃ અંદર ગિરદી વધી જશે તો બહાર રાહ જોવા માટે ખાસ વ્યવસ્થાઃ અંદર રહેલા લોકોએ સુચનાનું પાલન કરવા પોલીસનો અનુરોધઃ અફવાઓ પર ધ્યાન ન દેવું: બાળકોને બને તો દિવસના સમયે જ લાવવાઃ ખિસ્સામાં મોબાઇલ નંબર, નામ સરનામાની ચિઠ્ઠી રાખવી : બાળકો મહિલાઓ માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા : છેડતીબાજો પર નજર રાખવા બે એન્ટી રોમીયો સ્ક્વોડ : પોલીસ હોમગાર્ડ સહિત ૬૦૦નો સ્ટાફ સુરક્ષા જાળવશે : ચોરટાઓને શોધવા ચાર ટીમો ખાનગી ડ્રેસમાં રાઉન્ડ ધ ક્લોક ફરતી રહેશે : ટ્રાફિકક નિયમન માટે એસીપીના નેજા હેઠળ ૯૦૦નો સ્ટાફ તૈનાત રહેશે

વિગતો જણાવી રહેલા ઝોન-૨ ડીસીપી જગદીશ બાંગરવા, સાથે એસીપી ટ્રાફિક જે. બી. ગઢવી, એસીપી રાધિકા ભારાઇ અને પીઆઇ બી. એમ. ઝણકાત જોઇ શકાય છે
રાજકોટ તા. ૨૩: વિશ્વ વિખ્યાત એવો રંગીલા રાજકોટનો લોકમેળો આ વખતે રાઇડસને પરવાનગી સહિતના કારણોસર ચર્ચાના ચકડોળે ચડેલો છે. દરમિયાન આવતી કાલે જન્માષ્ટમીના આ લોકમેળાનું ઉદ્દઘાટન થશે. આ વખતે લોકમેળાને ધરોહર લોકમેળો નામ અપાયું છે. લોકમેળો માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોય છે. શાંતિથી લોકો મેળાની મન ભરી મોજ માણી શકે અને કોઇપણ પ્રકારની અનઇચ્છનીય ઘટના ન બને તેમજ જાહેર જનતાને તકલીફ ન પડે તે માટે પોલીસ તંત્ર તરફથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કડક પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક બંદોબસ્તની સાથે સાથે એઆઇથી સજ્જ બે ડ્રોન કેમેરાનો પણ પોલીસ ઉપયોગ કરશે. પોલીસ તંત્રએ નવતર અભિગમ અપનાવી લોકો નિયમો પણ બનાવ્યા છે, તેનું પાલન કરવા લોકોને અનુરોધ કર્યો છે.
ગેમ ઝોન અગ્નિકાંડને નજર સામે રાખી પોલીસે આ વખતે ભીડને કારણે કોઇ મુસિબતો ઉભી ન થાય તે તરફ ખાસ નજર રાખી છે. ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ટ્રાફિક જે. બી. ગઢવી, એસીપી રાધિકા ભારાઇ અને પીઆઇ બી. એમ. ઝણકાતે લોકમેળામાં પ્રવેશવાના અને બહાર નીકળવાના દ્વાર, ઇમર્જન્સી દ્વાર, મહિલા સુરક્ષા, લોકોને રાખવાની તકેદારી, અસામાજીક તત્વો, ટપોરીઓ માટે પોલીસે ગોઠવેલી વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા, ફ્રી પાર્કીંગ વ્યવસ્થા સહિતની વિગતો આપી મહત્વના સુચનો પણ કર્યા હતાં.
એન્ટ્રી એક્ઝીટ ગેઇટઃ આ અંગેની માહિતી આપતાં ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે લોકમેળામાં એન્ટ્રી મેળવવા માટે ગેઈટ નં.૧ કે જે ફનવર્લ્ડની બાજુમાં આવ્યો છે તે ઉપરાંત ગેઈટ નં.૪ કે જે રમેશભાઈ પારેખ ઓપન થિયેટરની પાછળ આવેલો છે ત્યાંથી લોકોને પ્રવેશ અપાશે. આ ઉપરાંત ગેઈટ નં.૨ કે જે પોલીસ હેડ ક્વાર્ટર સર્કલની બાજુમાં આવ્યો છે તે અને તેના સિવાય ગેઈટ નં.૩ કે જે જૂના એનસીસી ચોકની બાજુમાં આવ્યો છે ત્યાંથી લોકો બહાર નીકળી શકશે. જ્યારે ફનવર્લ્ડ તેમજ હેડ ક્વાર્ટર સર્કલની વચ્ચે ઈમરજન્સી એક્ઝિટ ગેઈટ બનાવાયો છે, તેમજ પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ અને જૂના એનસીસી સર્કલ વચ્ચે ઈમરજન્સી એક્ઝિટ ગેઈટ તૈયાર કરાયો છે ત્યાંથી લોકો અણીના સમયે બહાર નીકળી શકશે. રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી ઈમરજન્સીમાં બહાર જવાનું થાય તો ગ્રાઉન્ડની ચારે બાજુ ઈમરજન્સી ગેંગ-વે બનાવાયો છે ત્યાંથી પણ લોકો સરળતાથી બહાર નીકળી શકશે.
બાળકોને લગતી સુચનાઃ પોલીસે જણાવ્યું છે કે રેસકોર્ષ મેદાનમાં ફનવલ્ડની બાજુમાં આવેલા ગેઇટ નં. ૧ની બાજમુાં પોલીસ કન્ટ્રોલ ડોમ તથા રમેશભાઇ પારેખ ઓપનએર થિએટરની બાજુમાં પોલીસ કન્ટ્રોલ રૂમ છે, કોઇ બાળક ગૂમ થાય કે કોઇ વસ્તુ ગૂમ થાય તો તુરત અહિ પોલીસનો સંપર્ક કરવો. કોઇના બાળકો મેળામાં ખોવાઇ જાય તો તેમણે પણ પોલીસનો સંપર્ક કરવો.
તેમજ નાના બાળકોને મેળામાં લઇને આવવાનું થાય તો તેમના ખિસ્સામાં વાલીના નામ, સરનામા, મોબાઇલ નંબર લખેલી ચિઠ્ઠી રાખવી જેથી બાળક વિખુટુ પડે તો તુરંત વાલીનો સંપર્ક કરી શકાય. શક્ય હોય તો નાના બાળકોને દિવસના સમયે જ મેળામાં લાવવા.
મહિલાઓ માટે સુરક્ષા વ્યવસ્થા: ડીસીપી જગદીશ બાંગરવાએ કહ્યું હતું કે લોકમેળામાં મહિલાઓની છેડતી ન થાય કે ચેઇન સ્નેચીંગના બનાવ ન બને તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઇ છે. બે એન્ટી રોમીયો સ્ક્વોડ સતત તૈનાત રહેશે. જેમાં એક મહિલા પીએસઆઇ અને ચાર મહિલા કર્મચારી ખાનગી કપડામાં ફરીને વોચ રાખશે.
અસામાનજી તત્વો, ટપોરીઓ પર રહેશે નજરઃ મેળામાં ભીડનો લાભ લઇ અસામાજીક તત્વો, ખિસ્સા કાતરૂઓ કસબ અજમાવી ન જાય તેનું પોલીસ ખાસ ધ્યાન રાખશે. આવા તત્વો પર વોચ રાખવા મેળામાં ચાર ટીમો ખાનગી કપડામાં ફરતી રહેશે. જેમાં એક પીએસઆઇ તથા ચાર બીજા કર્મચારીઓ સામેલ હશે. શહેરના તમામ પોલીસ સ્ટશેનના સર્વેલન્સ, ડી. સ્ટાફના કર્મચારીઓ વોચ રાખશે. પોતાના વિસ્તારના ચોરી-લૂંટ સહિતના ગુનાઓમાં અગાઉ પકડાયેલા તત્વો અહિ જોવા મળશે તો તુરત અટકાવી કાર્યવાહી કરશે. આજુબાજુના જીલ્લાના લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મચારીઓ પણ મેળામાં વોચ રાખશે જેથી તેના વિસ્તારના ગુનેગારોને ઓળખી શકાય.
લોકોએ તકેદારી રાખવી: ભીડવાળી જગ્યાએ પોતાનો કિમતી સામાન, મોબાઇલ, પર્સ સાચવીને રાખવા, આવી જગ્યાએ પર્સ-મોબાઇલ ચોરીની શક્યતા વધી જતી હોય છે, આ વસ્તુને બને તો પાછળના ખિસ્સામાં ન રાખવા. લોકોએ શક્ય હો તો મેળામાં આવે ત્યારે સોના ચાંદીના દાગીના પહેરવાનું ટાળવુ, જો પહેર્યા હોય તો સુરક્ષીત રાખવા. પાકિટમાં કિમતી વસ્તુઓ, વધુ પડતી રોકડ કે અગત્યાના દસ્તાવેજો રાખવા નહિ, પર્સમાં સગાના મોબાઇલ નંબર લખીને રાખવા જેથી પર્સ મળ્યે સંપર્ક કરી શકાય.
ટ્રાફિક વ્યવસ્થા: લોકમેળામાં ટ્રાફિકનો પ્રશ્ન ઉદ્દભવે નહિ તેનું પોલીસ ધ્યાન રાખશે. આ માટે પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડયું છે. ટ્રાફિક શાખા દ્વારા નક્કી કરાયેલા પાર્કિંગ સ્થળોએ સીસીટીવી કેમેરા તથા બંદોબસ્ત રખાશે. નક્કી થયેલા સિવાયની જગ્યાએ વાહન પાર્ક થશે તો ટોઇંગ કરી લેવામાં આવશે. લોકોએ પોતાના વાહનોને હેન્ડલ લોક કરીને જ રાખવા. નંબર પ્લેટ વગરના વાહનો ચોરી થવાની શક્યતા વધી જતી હોઇ નંબર પ્લેટ અવશ્ય રાખવી.
લોકો માટે અન્ય મહત્વના સુચનોઃ ગેઇટ નં. ૨ (પોલીસ હેડ ક્વાર્ટર)ની બાજુમાં હેલ્થ કેમ્પ માટેનો ડોમ છે, જ્યાં ઇમર્જન્સી મેડિકલ સારવાર માટે સંપર્ક કરવો, મેળા દરમિયાન કોઇ અફવા પર ધ્યાન આપવું નહિ, અફવા ધ્યાને આવે તો મેળામાં હાજર પોલીસનું ધ્યાન દોરવું. ગ્રાઉન્ડમાં ચાર સ્થળે ફાયર એમ્બ્યુલન્સ હાજર રખાશે. આગનો બનાવ બને તો તુરત કન્ટ્રોલ રૂમ તરફથી સુચના મળે તેનું પાલન કરવું, મેદાન બહાર રીંગ રોડ પર ક્રાઉડ કન્ટ્રોલ માટે હોલ્ડીંગ એરીયા બનાવાયો છે. જેથી ભીડને નિયંત્રણ કરી શકાય. જેથી મેળામાં હાજર હોય તેવા લોકોને જે સુચના મળે તેનું પાલન કરવા પોલીસે અનુરોધ કર્યો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચના અનુસાર આયોજનની વિગતો ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ટ્રાફિક જે. બી. ગઢવી, એસીપી રાધિકા ભારાઇ અને પીઆઇ બી. એમ. ઝણકાતે આપી હતી.
(3:27 PM IST)










