<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

ધરોહર લોકમેળામાં ‘ધરા' સ્‍વચ્‍છ રખાશેઃ સફાઇકર્મી રહેશે ખડેપગે

ત્રણ શીફટમાં આરોગ્‍ય વિભાગની ડોકટર સાથેની ટીમ તૈનાત રહેશે, ફુડ વિભાગ દ્વારા તમામ સ્‍ટોલમાંથી ખાદ્ય પદાર્થની ચકાસણી કરી સેમ્‍પલ લેવાશેઃ ફાયર ફાઇટરની સંખ્‍યા વધારી ૨૦ કરાઇ

રાજકોટ,તા. ૨૩: કાલથી શરૂ થતા રાજકોટના લોકપ્રિય લોકમેળા ધરોહર માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરવામાં અવાી છે. ટીઆરપી ગેમઝોનની દુર્ઘટના બાદ સાવચેતીના પગલા રૂપે સરકાર દ્વારા જાહેર કરાવમાં આવેલ એસઓપીનું કડકપણે પાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં મનપા દ્વારા ફાયર તથા લોકોના આરોગ્‍ય માટે થઈને ફૂડ વિભાગ અને આરોગ્‍ય વિભાગની ટીમને સતત ચાર દિવસ મેળામાં તૈનાત કરવામાં આવી  છે. તેવી જ રીતે પર્યાવરણ વિભાગ દ્વારા ત્રણ પાળીમાં ૩૨૦ સફાઈ કામદારોને ગોઠવી જેસીબી તેમજ ટીપરવાન અને ડમ્‍પર સહિતની ૨૪ કલાક સફાઇ કામગીરી ચાલુ રાખવામાં આવશે.

જન્‍માષ્ટમીના લોકપ્રિય ધરોહર મેળામાં જે વિભાગ પાસે કામગીરી આવી છે તે તમામ પૂર્ણ થઈ ચુકી છે. ચાર દિવસ યોજાનારા મેળામાં અંદાજે ૧૫ લાખથી વધુ મેદની ઉમટી પડવાની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી છે. ત્‍યારે મેળામાં આવનાર તમામ લોકોના આરોગ્‍ય માટે મનપાના આરોગ્‍ય વિભાગ દ્વારા મેળામાં જ એક સ્‍ટોલ તૈયાર કરી ઈમરજન્‍સી સારવાર માટેની તમામ સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે. જ્‍યાં ડોક્‍ટર-નર્સ સહિતનો મેડીકલ સ્‍ટાફ સતત ચાર દિવસ ૨૪ કલાક સેવા આપશે. તેવી જ રીતે મેળામાં એકઠા થતાં કચરાના નિકાલ અને કચરો એકઠો કરવા માટે પર્યાવરણ વિભાગ દ્વારા ત્રણ પાળીમાં કામ કરવામાં આવશે.૨૪૦ સફાઈ કામદારો કચરો એકઠો કરી તેમજ ખાણી-પીણીના સ્‍ટોલમાં મુકવામાં આવેલ ડસ્‍ટબીનમાં એકઠા થતાં કચરા સહિતનો નિકાલ કરશે. જેના માટે જેસીબી અને સમય મુજબ ફેરા કરવા માટે ડમ્‍પર મુકવામાં આવ્‍યા છે. મેળો પૂર્ણ થયા બાદ રેસકોર્સ ગ્રાઉન્‍ડની સંપૂર્ણ સફાઈ પર્યાવરણ વિભાગ દ્વારા અંતિમ દિવસે કરવામાં આવશે.

મેળામાં આગની દુર્ઘટનાનીરોકથામ માટે ફાયર વિભાગ દ્વારા આ વર્ષે બેના બદલે ચાર ફાયર ફાઈટર સ્‍થળ ઉપર રાખવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. મેળાના ચારેય ખુણેથી આગસમન માટે સ્‍ટાફ ૨૪ કલાક તૈયાર રહેશે. તેવી જ રીતે ચોકડી વ્‍યુહથી બે નાના અને બે મોટા ફાયર ફાઈટરો ગોઠવવામાં આવશે. મેળામાં દરેક ૫૦ મીટરન અંતરે પાણી ભરેલા ડ્રમ રાખવામાં આવશે તેમજ ૧૦ના બદલે ૨૦ ફાયર ફાઈટર ૩ શિફ્‌ટમાં કામગીરી હાથ ધરશે. ત્રણેય શિફ્‌ટમાં તમામ પ્રકારની ફાયરની કામગીરી માટે ફાયર ઓફિસર સહિતનો ૬૦ કર્મચારીઓનો સ્‍ટાફ ફાળવવામાં આવ્‍યો છે.

(4:33 PM IST)