News of Friday, 23rd August 2024
રાજકોટને બે એવોર્ડ પણ મોંઘા પડશે
સામાન્ય પ્રકારના એવોર્ડ લેવા પાંચ કોર્પોરેટરો સહીત ૭ મહાનુભાવો લોકોના ખર્ચે ઉડશે : ૩ અને ૪ સપ્ટેમ્બરે મુંબઇ ખાતે કેન્દ્ર સરકારના કાર્યક્રમમાં પ લાખ અને ટ્રોફી એનાયત થશે : લોક સમસ્યાના સમાધાનમાં આધુનિક ટેકનોલોજીના અસરકારક ઉપયોગમાં મહાનગરપાલિકા ફરી એક વખત અગ્રેસરઃ ઇ-ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી

રાજકોટ, તા.,૨૩ : શહેરીજનોને સ્પર્શતી રોજબરોજની સમસ્યાના સુચારૂ નિરાકરણ માટે મહાનગરપાલિકા દ્વારા આધુનિક ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરી ઇ-સર્વિસિસ ક્ષેત્રે અગ્રેસર રહી વહીવટી સુધારણા કરવામાં આવેલ છે. જેના માટે રાજકોટ મહાનગરપાલિકાની પસંદગી ૨૦૨૩-૨૪ના વર્ષ માટે નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે થયેલ છે. ત્યારે આ સામાન્ય એવોર્ડ સ્વીકારવો મહાનગર પાલીકાને મોંઘો પડશે. કેમ કે મુંબઇ ખાતે આયોજીત કાર્યક્રમમાં એક-બે નહિ પાંચ-પાંચ કોર્પોરેટરો અને ર અધિકારી સહીત ૭ વ્યકિતઓ બે એવોર્ડ સ્વીકારવા લોકોના ખર્ચે જવાથી તરેહ-તરેહની ચર્ચા લોકમુખે થાય છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીન ઠાકર આ અંગે મહિતી આપતા જણાવે છે કે, આ ખૂબજ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડના વિતરણનું ફંકશન 27th National Conference on e-Governance ની Viksit Bharat: Secure and Sustainable E-Service Delivery થીમ હેઠળ તા.૩ અને ૪ સપ્ટેમ્બરનાં રોજ મુંબઈ ખાતે યોજાનાર છે, જેમાં એવોર્ડ વિજેતાને ભાગ લેવા માટે નિમંત્રણ મળેલ છે. આ એવોર્ડ સ્વીકારવા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટરોનું પ્રતિનિધિ મંડળ મુંબઇ ખાતે જશે, જેમાં મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી. કે. નંદાણી તેમજ વોર્ડ નં.૧ ના કોર્પોરેટર ડો.અલ્પેશભાઇ મોરજરીયા, વોર્ડ નં.૬ ના કોર્પોરેટર પરેશભાઇ આર. પીપળીયા, વોર્ડ નં.૧૦ ના કોર્પોરેટર નરેન્દ્રસિંહ વાઘેલા, વોર્ડ નં.૧૬ ના કોર્પોરેટર નરેન્દ્રભાઇ ડવ અને વોર્ડ નં.૯ ના કોર્પોરેટર જીતુભાઇ કાટોળીયા સહિતની ટીમ આ એવોર્ડ સેરેમનીમાં મહાનગરપાલિકાનું પ્રતિનિધિત્વ કરશે.
ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ એડમીનિસ્ટ્રેટીવ રીફોર્મ્સ અને પબ્લીક ગ્રીવન્સીસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાનાં AI enabled Adaptive Traffic Control System & Smart Hawking Solution નામનાં પ્રોજેક્ટને District Level Initiatives in E-Governance કેટેગરીમાં ખૂબજ પ્રતિષ્ઠિત એવા National Awards for e-Governance 2023-2024 અંતર્ગત Silver Awards એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલ છે. આ એવોર્ડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને રૂ. પ લાખ રોકડ ઈનામ તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવશે.
શહેરનાં નાગરિકો સાથે વિવિધ સમયે ચર્ચા દરમિયાન શહેરની ટ્રાફિક સમસ્યાને મુખ્ય ચિંતાનાં વિષય તરીકે ઓળખવામાં આવેલ હતી. શહેરના રહેવાસીઓએ આ સમસ્યાના ઉકેલ માટે નવીન ઉકેલોની જરૂરિયાત પર ભાર મુકવામા આવેલ હતો, જેના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આધુનિક ટેકનોલોજીનાં ઉપયોગ વડે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રાજકોટ દ્વારા ટ્રાફિકની ગીચતા ઘટાડવા માટે AI enabled Adaptive Traffic Control System અમલમાં મૂકવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્યભરમાં સૌપ્રથમ ‘આર.એમ.સી. ઓન વોટ્સએપ' સેવા અમલી બનાવેલ, જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ર૫ થી વધુ વિભાગની ૧૭૫ થી વધુ સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ થયેલ છે. રાજકોટ મહાનગરપાલિકાને ભૂતકાળમાં વર્ષ ૨૦૨૨ માં OTP & Feedback based Public Grievance Redressal System પ્રોજેક્ટ માટે નેશનલ ઈ-ગવર્નનસ એવોર્ડ મળેલ. મનપા ટેકનોલોજીનાં અસરકારક ઉપયોગ વડે શહેરનાં નાગરિકોની સમસ્યા હળવી બનાવવા તેમજ વધુ ને વધુ સુવિધા આપવા સતત પ્રત્યત્નશીલ છે.
(3:53 PM IST)










