News of Friday, 23rd August 2024
રૂડાના ગામડાઓના સરપંચોની ચેતવણીઃ રહેણાંક હેતુ માટે પ્લોટ ફાળવોઃ આજથી સરકારી મેળા-કાર્યક્રમોનો બહિષ્કાર
નેતાઓ ફકત મત માંગવા જ આવે છેઃ ગ્રામજનોના છૂટકે ગામતણ પાસે મકાનો બનાવવા મજબૂર બન્યા છે

રૂડાના ૪૮ ગામોના સરપંચ એકતા મંડળે પ્લોટ ફાળવવા બાબતે કલેકટરને આવેદન પાઠવ્યું હતું. (તસ્વીર : સંદીપ બગથરીયા) (પ-ર૪)
રાજકોટ તા. ર૩ : રૂડા સરપંચ એકતા મંડળે કલેકટરને આવેદન પાઠવી રહેણાંક હેતુના પ્લોટનો યોગ્ય ઉકેલ લાવવા માંગણી કરી હતી.
આવેદનમાં જણાવેલ કે, રૂડામાં સમાવેશ ગામડાઓમાં વર્ષેથી નવા રહેણાક હેતુના પ્લોટ જરૂરીયાતમંદ અરજદારોને ફાળવેલ નથી. ગામડાઓની પાસે ગામ તળ નીમ હોય અથવા ગ્રામ પંચાયત પાસે જરૂરી ખુલ્લી જગ્યા હોવા છતાં રૂડા કે સરકાર દ્વારા જનતા સાથે હળહળતો અન્યાય કરેલ છે. ગામના જ અરજદારને પોતાની જન્મભૂમિમાં સરકાર એક ૧૦૦ ચોરસ વાર મફત પ્લોટ, આપતી નથી. નેતાઓ ફકત મત માગવા આવે છે. જનતાઓનો બંધારણીય એવા રહેણા હેતુના પ્લોટનું ફાળવવાથી ના છૂટકે પોતાના પરિવાર માટે ગામતણની આજુબાજુમાં અરજદારો કાચા પાકા મકાનો બનાવી રહેવા મજબૂર બન્યા છે. જેને સરકાર દબાણ કહે છે એ ગામડાના લોકોની મજબૂરી છે. સરકાર હજારો એકટર જમીનો ઉદ્યોગપતિ અને બીજા અને હેતુ માટે ફાળવે છે. ત્યારે જરૂરીયાતમંદ જનતાને પ્લોટ ન ફાળવી એની મુખ્ય જવાબદારીમાંથી છટકે છે.
આવનાર દિવસોમાં જયાં સુધી રૂડામાં સામેલ ગામડાઓમાં રહેણાંક હેતુના પ્લોટનો યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી દરેક ગ્રામ પંચાયતો દ્વારા આરોગ્ય અને શિક્ષણ સિવાયના તમામ સરકારના કાર્યક્રમો મેળાઓ આજથી બહિષ્કાર કરે છે માટે વહેલી તકે ઉકેલ આવે એવી વિનંતી છે.
(3:54 PM IST)










