તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th August 2024
રંગીલા રાજકોટમાં ‘ધરોહર' લોકમેળાની રંગત
રેસકોર્ષ ખાતે સાંજથી પ્રારંભ : તમામ તૈયારીઓ પૂર્ણ : અંદાજે ૧૫ લાખ લોકો મેળામાં ઉમટી પડશે : આજથી જ ‘મીની વેકેશન' શરૂ : લોકો મોજ-મસ્તીમાં મારશે ધુબાકા : બાળકોથી લઇને વૃધ્ધો સુધીનાઓમાં મેળાનો જબરો ક્રેઝ : ખાણી પીણી - રમકડા - હેન્ડીક્રાફટના સ્ટોલ : અવનવી રાઇડ આકર્ષણનું કેન્દ્ર : લોકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર ખડેપગે

રાજકોટ તા. ૨૪ : રાજકોટ કલેકટર તંત્ર આયોજીત ‘ધરોહર' લોકમેળામાં આજ સાંજથી મોજ મસ્તીના ધૂબાકા - મેળાની રંગત શરૂ થઇ જશે, તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઇ છે, ૫ દિ'માં ૧૫ લાખ લોકો ઉમટી પડશે. કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે મેળાનું ઉદ્ઘાટન થશે, અલબત મોટા ફજતફાળકા - મોતના કુવા - મોટા ઝુલા જેવી રાઇડો વગર મેળો સૂનો જણાશે, પરંતુ અન્ય રાઇડ - સ્ટોલ હોય લોકો સાંજથી જ જલ્સા માટે ઉમટી પડશે. મેળામાં રાઇડ વગર પણ અનેક આકષર્ણો હોવાનું કલેકટરે ઉમેર્યુ છે, સુરક્ષાનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવાયો છે, એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરાઇ છે, મેળામાં ૪ કન્ટ્રોલરૂમ અને તેના ફોન નંબરો જાહેર કરાયા છે.
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર લોકમેળાનું રાજયના કૃષિ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ આજે સાંજે ૪.૩૦ કલાકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરશે.
લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા, રાજયના મંત્રીશ્રીઓ કુંવરજીભાઈ બાવળીયા અને શ્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ રાજયપાલશ્રી વજુભાઈ વાળાની વિશેષ ઉપસ્થિતિ રહેશે. ઉપરાંત અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી નયનાબેન પેઢડીયા, સાંસદશ્રી પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, કેસરીદેવસિંહ ઝાલા તથા ધારાસભ્યશ્રી ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ગીતાબેન જાડેજા, જયેશભાઈ રાદડિયા, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રી જીતુભાઈ સોમાણી, શ્રી દુર્લભજી ભાઈ દેથરીયા, જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષી સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
દર વર્ષે જન્માષ્ટમી પ્રસંગે રાજકોટના રેસકોર્ષ મેદાનમાં લોકમેળાનુ આયોજન કરવામાં આવે છે. રાજયની સંસ્કૃતિ, મેળા તથા ઉત્સવોને રાજય સરકાર હંમેશા પ્રોત્સાહન આપવાની સાથે જન સુખાકારી માટે વ્યવસ્થાઓ ઉભી કરે છે ત્યારે રાજકોટ ખાતે યોજાતા લોકમેળામા રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર અને અન્ય સ્થળો પરથી લોકો મેળાનો આનંદ માણવા આવતા હોય છે ત્યારે શહેરીજનો, ખાસ કરીને બાળકો માટે મેળાનો આનંદ અનેરો હોય છે. મેળાના આયોજનોથી નાના-મોટા અનેક પરિવારોને રોજગારી મળતી હોય છે.
ઉત્સવપ્રિય રાજકોટના સુપ્રસિધ્ધ ‘ધરોહર લોકમેળા-૨૦૨૪'માં ૨૩૫ સ્ટોલ-પ્લોટ રખાયા છે, જેમા૦રમકડાના ૧૪૦, ખાણીપીણીના ૩૨, આઈસ્ક્રીમના ૧૬, નાની ચકરડીના ૧૫, એક ટી કોર્નરની વ્યવસ્થા કરાઇ છે.
કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે ૧૨૬૬ પોલીસ સ્ટાફ, ૧૨૫ પ્રાઇવેટ સિકયોરિટી સ્ટાફ તૈનાત કરાય છે. ૧૪ વોચટાવર ઉભા કરાયા છે. પ્રજા માટે ૧૭ જેટલી જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા છે. ફજર ફાળકાની તપાસ બાદ ફિટનેશ સર્ટી આપ્યા બાદ જ ચાલુ કરી શકાશે.
આ વર્ષના લોકમેળાનો વીમો દસ કરોડનો, એમ્બ્યુલન્સ - ફાયર ફાઇટર-સિકયોરિટી સ્ટાફમાં ગત વર્ષની સરખામણીએ બમણો વધારો કરાયો છે.
સ્ટોલના ભાવમાં વધારો ફગાવી દઇ, રાત્રે ૧૧.૩૦ વાગ્યે એન્ટ્રી બંધ થશે. સ્ટોલની સંખ્યામાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે. સફાઇ કર્મચારીઓનું સન્માન થશે. અવાજની માત્રા પર દેખરેખ રખાશે, વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરાશે તેમ ઉમેરાયું છે.
સાંસ્કૃતિક કાર્યક્રમો બની રહેશે આકર્ષણનું કેન્દ્ર
ધરોહર લોકમેળામાં લોકોના મનોરંજન માટે વિવિધતાસભર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આકર્ષક ડોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ધરોહર લોકમેળાના ઉદ્ઘાટન સમારંભમાં રાજકોટના શ્રી વૃંદ દ્વારા અર્વાચીન ગરબો, રાજકોટના મેગીસ ક્રિએશન, ભાવનગરના બજરંગ કલા ચેરીટેબલ ટ્રસ્ટ, જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ચોરવાડના હોલી-હુડો ગ્રુપ દ્વારા હુડો રાસ, પોરબંદર જિલ્લાના બોખીરા ગામના શ્રી ચામુંડા મહેર રાસ મંડળ દ્વારા ઢોલ-તલવાર રાસ, ગીરસોમનાથના ગેબી સરકાર ગ્રુપ દ્વારા આદિવાસી ધમાલ નૃત્ય, રાજકોટના લોકગાયક દિવ્યેશભાઈ જેઠવા દ્વારા ડાયરાની પ્રસ્તુતિ કરાશે.
આ વર્ષનો ધરોહર મેળો વધુ સુરક્ષિત અને સગવડભર્યો બને તે માટે વહીવટીતંત્ર ઝીણવટપૂર્વકની જહેમત ઉઠાવી રહયું છે. લોકમેળામાં વીમાની રકમ ગયા વર્ષે પાંચ કરોડની હતી, જે આ વર્ષે વધારીને દસ કરોડની કરાઇ છે. કુદરતી આફતોમાં પણ વિમા કવચ મળશે. કાયદો વ્યવસ્થાની જાળવણી માટે ૩ ડી.સી.પી., ૧૦ એ.સી.પી., ૨૮ પી.આઈ., ૮૧ પી.એસ.આઈ., ૧૦૬૭ પોલીસ કોન્સ્ટેબલ, ૭૭ એસ.આર.પી. સહીત કુલ ૧૨૬૬ જેટલા પોલીસ સ્ટાફ તૈનાત કરાશે. આ ઉપરાંત ખાનગી સિક્યોરીટી ગાર્ડ પણ ફરજ બજાવશે. જનતાની સુરક્ષા માટે ૧૪ વોચટાવર ઉપર સીસીસી ટીવી કેમેરાથી વોચ રખાશે. લોકોની સુરક્ષા માટે લોકમેળાનો રૂ. ૧૦ કરોડનો વીમો પણ લેવામાં આવેલ છે. સાંઢિયો પુલ બંધ હોવાથી ટ્રાફિક અને પાર્કીંગની વધુ સુગમ વ્યવસ્થા કરાશે. મેળાના પ્રત્યેક સરકારી સ્ટોલ્સના આંતરિક સંપર્ક માટે ઇન્ટરકોમ અને વોકીટોકીથી સજ્જ કરાશે.
સૌરાષ્ટ્રભરના ગામડાઓમાંથી આવતી પ્રજા માટે જુદી જુદી ૧૭ જેટલી જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૧.૩૦ વાગ્યે લોકમેળાની એન્ટ્રી બંધ કરી દેવાશે. મેળાની સફાઇ કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. મેળામાં થતા અવાજની ડેસીબલની માત્રા પર ચાંપતી દેખરેખ રાખવામાં આવશે. વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવશે.
(3:13 PM IST)










