તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th August 2024
એ.આઇ. : માણસ કરતા વધારે બુધ્ધિશાળી !
આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ જ્ઞાન - માહિતી - દૃષ્ટિકોણનો ખજાનો ખોલશે : ''ઉપલો માળ'' ખાલી હોય તેના પણ કામ કરશે : આવો, મજેદાર કલ્પનામાં મહાલીએ

વિજ્ઞાનના વિકાસના દ્વાર ક્ષિતીજની પેલે પાર જઇ ખુલી રહ્યા છે. રોજબરોજ અવનવા સંશોધન થઇ રહ્યા છે. જાણે સાયન્સ હરણફાળ ભરી રહ્યું છે. સામાન્ય માણસના વિચારો જ્યાં પુરા થાય, ત્યાંથી વૈજ્ઞાનિકોનાં વિચાર ચાલુ થતા હોય છે. એમાંય હાલના નવા યુગની શરૂઆત રૂપે એ.આઇ. (કૃત્રિમ બુધ્ધિ - આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સે) ધૂમ મચાવી છે. જે માનવ મગજથી થતાં બધા જ બૌધ્ધિક કાર્યો કરવા સક્ષમ છે. જેવા કે તર્ક કે તુક્કા દોડાવવા, યાદ રાખવું, વિચારવું, એક બીજા વિચારોને જોડીને તેનો ઉકેલ મેળવવવા, કોટડા કે ગુંચવાડાવાળી સમસ્યાનો તાગ કાઢવો, જીવનના અનુભવોને યાદ રાખી તેનો નિચોડ કાઢવો અને ભવિષ્યમાં તેનો સારી રીતે ઉપયોગ કરવો જેવા સહજ બૌધ્ધિક કાર્યો એક યંત્ર મારફત કરાવવાના પ્રોગ્રામને 'એ.આઇ.' કહેવામાં આવે છે. માણસ માત્ર ભુલને પાત્ર, આ કહેવત 'એઆઇ'એ ખોટી પુરવાર બતાવી છે, તેને બદલે નવી કહેવત આવી છે 'ભૂલની પણ ખો ભુલાવી દે તે એઆઇ'.
આ એઆઇનો ઉપયોગ જીવનનાં દરેક ક્ષેત્રમાં કરી શકાય છે, એ પણ ખૂબ જ ઝડપથી, ચોકસાઇપૂર્વક પરિણામ મેળવવા માટે કરી શકાય છે. જેમ કે મેડિકલ ક્ષેત્રમાં ડો. રોબોટ દર્દીનું સચોટ નિદાન કરી રોગની માહિતી એકત્રિત કરશે, તેના માટે જરૂરી સારવાર, દવા વગેરેની માહિતી આપશે. ભવિષ્યમાં આ રોગ થવાની કેવીક સંભાવના છે તેનો રેકોર્ડ રાખશે. અટપટા ઓપરેશન કરશે. ડો. રોબોટના હાથની એક આંગળીમાં રહેલા વિવિધ સેન્સરથી દરેક પ્રકારની લેબોરેટરી ટેસ્ટ કરી લેશે, આંખની મદદથી એકસ-રે કરશે. આવી જ રીતે હથેળીમાં રહેલા સેન્સરથી એમઆરઆઇ, સીટી સ્કેન જેવી મેડીકલ માટે જરૂરી વસ્તુ એક જ જગ્યાએ અને એકી સાથે ખૂબ જ ઝડપથી થશે.
શિક્ષણ ક્ષેત્રમાં બાળકોને ભણાવવા, બાળકોના ફેઇસ રીડીંગ કરી ન સમજાતી વસ્તુને વધુ સરળ રીતે સમજાવશે, બાળકોની ભૂલો શોધી તેમાં સુધારો વધારો કરાવશે. આજકાલની લેકચર પધ્ધતિને બદલે પ્રત્યક્ષ અનુભવ કરાવી, પ્રયોગો કરાવી કે થ્રી ડી વિડીયો બતાવી અભ્યાસ કરાવશે.
ઔદ્યોગિક ક્ષેત્રમાં ઓટોમેટીક યંત્રો ચલાવી, અવિરત થાકયા વગર ઉત્પાદન કરશે, એ પણ સારી કવોલીટી સાથે.
ઘરકામમાં પણ કચરા - પીતા કરવા, કપડા - વાસણ સાફ કરી તેની જગ્યાએ ગોઠવવા. આપણા ટેસ્ટ મુજબ આપણા મગજમાં ચાલતા વિચાર મુજબ રસોઇ બનાવી ભરપેટ જમાડશે.
આવી જ રીતે સંરક્ષણ ક્ષેત્રમાં તો આપણી કલ્પના બહારનું ભયંકર ખતરનાક કામ કરશે. આમ અનેક ક્ષેત્રમાં ખૂબ જ સારી રીતે દરેક પ્રકારના કામ 'એઆઇ' દ્વારા થઇ શકશે.
'એઆઇ' ભવિષ્યમાં કેવા કેવા કામો કરી શકશે તે સમજવા માટે મારી કલ્પનાનો એક પરગ્રહવાસી સાથેનો સંવાદ જોઇએ, મારા ગામની સીમમાં એક પરગ્રહવાસીનો ભેટો થાય છે અને તેમની સાથે વૈજ્ઞાનિક વાર્તાલાપ થાય છે તે તેમના ગ્રહની વાત કરે છે કે, અમારા ગ્રહ પર પ્રકાશ મેળવવા માટે કૃત્રિમ સૂર્ય બનાવ્યા છે. જેમાં હાયડ્રોજનનું હિલીયમમાં રૂપાંતર કરવા માટે એવા પ્રબળ ઉદીપક બનાવ્યા છે. જે ઉદીપકને કાર્યરત કરવા કે બંધ કરવાનું કાર્ય ધરતી પરના રીમોટ કંટ્રોલથી થાય છે જે એક માણસના મગજમાં ઉઠતા વિચારથી મેસેજ મોકલીને કરીએ છીએ. જે નક્કી કરેલા એક માણસના મગજમાં ફીટ કરેલા ડેટા સાથે પહેલા કૃત્રિમ સૂર્યમાં રહેલા ઉદીપકનાં ડેટા સાથે મેચ કરેલા હોય છે. જ્યારે તે કંટ્રોલિંગ કરતો માનવ ખાલી વિચારે કે સૂર્ય પ્રકાશ આપે, એ સાથે જ સૂર્યમાં પહેલી રાસાયણિક પ્રક્રિયા ચાલુ થાય છે અને પ્રચંડ તાપમાન સાથે પ્રકાશ આપવા લાગે છે, આથી ઉલ્ટું વિચારે કે હવે સૂર્ય બંધ થાય કે તુરંત જ તે ઉદીપક નિષ્ક્રિય થશે ને એન્ટી-ઉદીપક સક્રિય થશે ને ઉલટી રાસાયણીક પ્રક્રિયા ચાલુ થશે, જેમાં ઉત્પન્ન થયેલ હીલીયમ પાછો હાયડ્રોજનમાં રૂપાંતર પામવા લાગશે. આમ અમારા ગ્રહ પર બધા જ રીમોટ કંટ્રોલ વિચારના તરંગો પર કામ કરે છે, જ્યારે તમારા ગ્રહ પર આ બધું રેડિયો કે પ્રકારના તરંગોથી ચાલે છે, તમારા ગ્રહ પર સૌથી વધુમાં વધુ ગતિશીલ પ્રકાશના તરંગોનો જ ઉપયોગ શું કરી શકયા છો, આનાથી વધુ ઝડપી તમારા પાસે કશું જ નથી, વિચારના તરંગોનો તમારા વૈજ્ઞાનિકોને વિચાર સુધ્ધા પણ આવ્યો નથી, એ તો ઠીક પણ વિચાર એક સૂક્ષ્મ ઉર્જાનું સ્વરૂપ છે તે તરંગ સ્વરૂપે ગતી કરે છે તેનો તો ખ્યાલ કયાંથી હોય ? આ વિચારના તરંગોની ગતી પ્રકાશના તરંગો કરતા અનેક ગણી વધારે છે, જેમકે તમારા સૂર્યના પ્રકાશના કિરણોને પૃથ્વી પર આવતા સવા આઠ મીનીટ લાગે છે, જ્યારે તમે મગજથી વિચારો એવા જ સેકન્ડનાં એકસોમાં ભાગમાં તમે સૂર્ય પર પહોંચી જાવ છો. આમ વિચારના તરંગો અતિશય ઝડપી છે. કદાચ નજીકના ભવિષ્યમાં આ સૂક્ષ્મ ઉર્જાનો ઉપયોગ તમારે ત્યાં શકય બનશે. આ વાત થોડી ગળે ઉતરે તેમ લાગી રહી છે. કારણ કે આપણે ત્યાં એઆઇ (કૃત્રિમ બુધ્ધિ)નો સૂર્યોદય થઇ રહ્યો છે.
તાજેતરમાં જ એકસ-ટ્વીટરના સુપ્રીમો એલોન મસ્કે જાહેર કર્યું છે કે, માનવીના મગજમાં કૃત્રિમ 'ચીપ' બેસાડવાનો બીજો ટેસ્ટ સફળ રહ્યા છે. આ ચીપ આપણા મગજને આદેશ આપી કામ કરાવશે.
આ ઉપરાંત વિશેષ વાત કરતા જણાવ્યું કે, અમારે ત્યાં ખેતીવાડી તથા પશુપાલન સંપૂર્ણપણે બંધ થઇ ગયું છે કારણ કે અનાજ, શાકભાજી કે ફળ હવે કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે. ઉદાહરણ આપતા જણાવ્યું કે મકાઇ માટે વિશાળકાય કૃત્રિમ મકાઇનો છોડ બનાવ્યો છે, જેમાં જરૂરી પોષક તત્વો, પાણી વગેરે ઉમેરવામાં આવે છે. જે રોબોટિક છોડમાં રહેલા રાસાયણિક ઉદીપકો ખૂબ જ ઝડપથી રાસાયણિક પ્રક્રિયા કરીને એકાદ કલાકમાં મકાઇના દાણા આપવા લાગે છે. (આ બધી હાલની કાલ્પનિક વાતો છે) જ્યારે કુદરતી રીતમાં આ પ્રક્રિયા થતા ત્રણથી ચાર માસ લાગે છે, આવી જ રીતે દરેક ખાદ્ય વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. (ભારતના એક વિજ્ઞાનિકે એવી પધ્ધતિ વિકસાવી છે કે જેના ઉપયોગથી માત્ર ૨૦-૨૨ દિવસમાં વિવિધ પાકો લઇ શકાશે, જો કે તેને કેન્દ્ર તરફથી કોઇ પ્રોત્સાહન મળતું નથી.)
દૂધ માટે પણ રોબોટિક ગાય બનાવેલ છે. જેમાં પણ ઉપર જણાવ્યા મુજબ ઝડપી પ્રક્રિયા થાય છે અને હા આ બધું સંપૂર્ણપણે ઓર્ગેનિક હશે. જોકે આ પધ્ધતિ પણ મારા માટે જૂની પુરાની થઇ ગઇ છે. જેમનો ઉપયોગ અમારા પૂર્વજો કરતા હતા, હાલ અમારા ગ્રહ પર નવીન માનવજાતી વિકાસ પામી રહી છે. જેમાં અમારા વૈજ્ઞાનિકોએ માનવ જનીન સાથે વનસ્પતિના જનીનોનું સંકરણ મિશ્રણ કરીને વનસ્પતિક માનવ વિકસાવ્યો છે. જેની ત્વચામાં કલોરોફીલ કણો હોવાથી લીલા રંગની હોય છે, આથી તે માનવી ક્ષારવાળુ પાણી પીને ખુલ્લી હવામાં, સૂર્ય પ્રકાશમાં સુઇ જવાથી પ્રકાશ - સંલેષણ થઇને તેમના શરીરમાં જરૂરી ખોરાક બનવા લાગશે, તેમને આપણા જેમ પેટનો ખાડો પૂરવા માટે ઉપાધી અને હડીયાપટ્ટી ટળી ગઇ. પેટ કરાવે વેઠ આ કહેવત પણ તેમના માટે ખોટી પડે છે. (આ બધી ભવિષ્યના આવિષ્કારની કલ્પનાઓ છે.) છેલ્લે છેલ્લે એક ખાસ અગત્યની વાત કરી કે લાખો વર્ષ પહેલા તમારા ગ્રહ પૃથ્વી પર પણ વિજ્ઞાન ખૂબ જ આગળ હતું જેનો ઉલ્લેખ આપણા પ્રાચીન પુસ્તકોમાં છે. જે જમાનાના વૈજ્ઞાનિકોએ એઆઇ વિકસાવીને કૃત્રિમ માનવી એટલે કે રોબોટ બનાવ્યા હતા. જે જરૂરી બધા જ કામ કરતા હતા. લોકોએ કરેલી ભૂલને કારણે પૃથ્વી છોડી તેમને બીજા ગ્રહ પર જવું પડયું હતું. લોકોની ભૂલ હતી કે આપણને જરૂરી હોય તેવા રોબોટ બનાવવા પડે. તેના બદલે એવા બે રોબોટ આવ્યા જે બન્ને ભેગા થઇને બીજા એના જેવા જ રોબોટ બનાવવા લાગ્યા, પરિણામ એ આવ્યું કે પૃથ્વી પર રોબોટની વસ્તી કુદકને ભૂસકે વધવા લાગી, પહેલા બુધ્ધિજીવી લોકોને રહેવાની જગ્યા રહી અને તે બધા સ્વર્ગલોકમાં રહેવા લાગ્યા, તમે જે પૃથ્વીવાસી માણસો છો તે દેવ લોકોએ બનાવેલા રોબોટો છો. (૨૧.૧૨)
: આલેખન :
પ્રભુભાઇ ઠોરિયા
નિવૃત્ત શિક્ષક,
વિરાણી હાઇસ્કુલ, રાજકોટ
મો. ૯૪૨૮૨ ૭૪૭૭૪

(3:07 PM IST)










