<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

ધરોહરમાં ‘રાઇડો' સૂની : સાંજથી ધૂમ ધબાકા : અન્‍ય સ્‍ટોલ તૈયાર

મેળો સંપૂર્ણ તૈયાર : મુખ્‍ય એન્‍ટ્રી ગેઇટ ઉપર ‘ગણપતિદાદા' આશીર્વાદ પાઠવશે : કલેકટર - પોલીસ - કોર્પોરેશન - જીઇબી તમામ સ્‍ટાફ ખડેપગે : રાઇડમાં SOPનું પાલન યથાવત : અન્‍ય કોઇ સ્‍ટોલ ધારકો મારી પાસે આવ્‍યા નથી : કલેકટરની સાફ વાત

રાજકોટ : કલેકટર તંત્ર આયોજીત ‘ધરોહર' લોકમેળામાં સાંજથી ધૂમ ધબાકા ચાલુ થઇ જશે, મેળો સંપૂર્ણ તૈયાર થઇ ગયો છે, રમકડા, ખાણીપીણી - હેન્‍ડલૂમ - હેન્‍ડીક્રાફટ સહિતના સ્‍ટોલ આકર્ષકરૂપ બનશે, આખા મેદાનમાં એન્‍ટ્રી ગેઇટના રસ્‍તા ઉપર કપચી પથરાઇ છે.

ધરોહર મેળામાં નિરાશાજનક બાબત મોટી રાઇડો જેવી કે આસમાને આંબતા ચકડોળ, મોટા ઝુલા, મોતના કુવા, બધા સુમસામ ભાસી રહ્યા છે, સાંજ બાદ પણ સૂમસામ ભાંસશે, કારણ કે SOPનું પાલન કર્યુ નથી, એટલે તંત્રે રાઇડો અંગે મંજૂરી હજુ સુધી (બપોરે ૧ વાગ્‍યા સુધી) આપી નથી, બાકી બધુ તૈયાર છે.

રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષીએ ‘અકિલા'ને જણાવેલ કે, રાઇડમાં SOPનું પાલન યથાવત છે, તેમજ અન્‍ય કોઇ સ્‍ટોલ ધારકો મારી પાસે આવ્‍યા નથી, તેમજ નાની - મોટી અન્‍ય ૩૫ થી ૪૦ રાઇડો તો છે જ, જે ચાલુ રહેશે. કલેકટરે લોકોને વધુ એક વખત અપીલ કરી હતી કે, લોકો આરામથી મેળો માણે... સુરક્ષા અંગે તમામ વ્‍યવસ્‍થા કરાઇ છે. મેળામાં મુખ્‍ય એન્‍ટ્રી ગેઇટ ફુલહારથી સુશોભિત કરાયો છે, મુખ્‍ય એન્‍ટ્રી ગેઇટ ઉપર ગણપતિ દાદા આશીર્વાદ પાઠવશે. કલેકટર - પોલીસ - કોર્પોરેશન - જીઇબીના તમામ કન્‍ટ્રોલરૂમ ધમધમ્‍યા છે, અને તમામ સ્‍ટાફ આજે ખડેપગે જોવા મળ્‍યો હતો, તસ્‍વીરમાં મેળામાં છેલ્લી ઘડીની તૈયારી કરતા સ્‍ટોલ ધારકો, આઇસ્‍ક્રીમ ચોકઠા અને જો કોઇ નિવેડો નહી આવે તો સુમસામ ભાસતી ચકડોળ - મોટા ઝૂલા - મોતના કૂવાની રાઇડો સાંજ પછી સૂમસામ જોવા મળશે તે પણ હકીકત છે. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

(3:26 PM IST)