<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

અટલ સરોવરની કાલથી ૮ દિ' સવારે ૧૦ થી રાત્રે ૧૨ સુધી મજા માણી શકાશે

જન્‍માષ્‍ટમીના તહેવારોને અનુલક્ષીને નિર્ણય : નવલા નજરાણામાં બાળકોના રૂા. ૧૦, મોટાના રૂા. ૨૫ પ્રવેશ ફી : લેસર શો માટે પ્રતિ વ્‍યકિત રૂા. ૮૦નો ચાર્જ લેવાશે

રાજકોટ તા. ૨૪ : શહેરના નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ સ્‍માર્ટ સીટી નવુ નજરાણુ અટલ સરોવર જન્‍માષ્‍ટમી તહેવારને ધ્‍યાનમાં રાખી કાલથી ૮ દિવસ સવારના ૧૦ થી રાત્રીના ૧૨ વાગ્‍યા સુધી ખુલ્લો રાખવા નિર્ણય કરવામાં આવ્‍યો છે.

અટલ સરોવર ખુલ્‍યા બાદ મુલાકાતીઓની સંખ્‍યામાં દિવસેને દિવસે સતત વધારો થયો છે ત્‍યારે હાલ સાતમ આઠમ જેવા તહેવારોમાં પણ પરિવાર સાથે લોકો ફરવા આવે અને લોકોને એનો લાભ દિવસભર મળે એ માટે તહેવાર દરમિયાન અટલ સરોવર તા. ૨૫ ઓગસ્‍ટ થી તા. ૧ સપ્‍ટેમ્‍બર સુધી સવારે ૧૦ થી રાત્રે ૧૨ વાગ્‍યા સુધી ખુલ્લુ રાખવામાં આવશે. જેમાં ડાન્‍સ શો દિવસભર, લેસર શો સાંજે ૭.૩૦ થી ૧૧ સુધી લોકો મજા માણશે.  અને તા. ૨૬ રાત્રે ૧૨ વાગ્‍યે કૃષ્‍ણ જન્‍માષ્‍ટમી ઉજવવામાં આવશે. જેમાં કૃષ્‍ણ ભગવાનનું પારણુ તેમજ આરતી - પ્રસાદ અને ફરવા સાથે લોકો સાથે ઉજવવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, અટલ સરોવરમાં બાળકોના રૂા. ૧૦ અને મોટાના રૂા. ૨૫ પ્રવેશ ફી તેમજ લેસર શોના પ્રતિ વ્‍યકિતના રૂા. ૮૦ ચાર્જ રાખવામાં આવ્‍યો છે.

(3:27 PM IST)