<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

ભાવેશે અગાઉ અમિતભાઇને કારની ઠોકરે ચડાવ્યાના બનાવમાં અલગથી હત્યાની કોશિષનો ગુનો નોંધાયો

પંચનાથ પ્લોટના દિગંબર જૈન મંદિરમાં હત્યાનો પ્રયાસ કરનારા સામે વધુ એક ગુનો એ-ડિવીઝન પોલીસ બાદ હવે ભકિતનગર પોલીસે એફઆઇઆર દાખલ કરી શોધખોળ હાથ ધરી

 

રાજકોટ તા. ૨૪: શહેરના પંચનાથ પ્લોટમાં આવેલા શ્રી દિગમ્બર જૈન આ મંદિરમાં ચાર દિવસ પહેલાં અમિતભાઇ પરસોતમ સગપરીયા નામના કારખાનેદાર યુવાન પર તે મંદિરમાં પૂજામાં બેઠેલા હતાં ત્યારે પત્નિઅને બીજા દર્શનાર્થીઓની નજર સામે જ તેના પુર્વ મકાન માલિક ભાવેશ ગોલે હુમલો કરી છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે એ-ડિવીઝન પોલીસ તેને શોધી રહી છે. દરમિયાન ભાવેશે અગાઉ પણ કારખાનેદાર અમિતભાઇને કારની ઠોકરે લઇ હત્યાનો પ્રયાસ કર્યાનું ખુલતાં અલગથી ભકિતનગર પોલીસમાં ગુનો દાખલ કરાયો છે.

પંચનાથ પ્લોટમાં આવેલા શ્રી દિગમ્બર જૈન મંદિરમાં થયેલા હુમલામાં ઘાયલ અમિતભાઇ હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.  તે હરિ ધવા મેઈન રોડ પરની અયોધ્યા સોસાયટીમાં રહે છે અને તેના ભાઈના કારખાનામાં કામ કરે છે. હવે તેના કારખાનેદાર ભાઈ મયુરભાઇ (ઉ.વ.૩૯, રહે. ગોવિંદ રત્ન સોસાયટી શેરી નં.૪, મવડી આસ્થા રેસીડેન્સી પાછળ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈ તા. ૧ જૂલાઈના રોજ સવારે તેના મોટાભાઈ અમિતભાઇએ ફોન કરી કહ્યું કે તે એકસેસ લઈ હરિ ધવા રોડ પરથી પસાર થતા હતાં ત્યારે તેને કારનો ચાલક પાછળથી ઉડાડી જતો રહ્યો છે.આ વાત સાંભળી પોતે સ્થળ પર પહોંચ્યા હતાં. ત્યાં જોયું તો તેના ભાઈ અમિતભાઇને ગોઠણના ભાગે અને આંગળીમાં મૂંઢ ઈજા થઈ હતી. ત્યાં તેના મામા કિશોરભાઈ વસોયા પણ આવી પહોંચ્યા હતાં. અમિતભાઇને પૂછતા તેણે કહ્યું કે સવારે તે ઘરેથી કારખાને જવા નીકળ્યા  ત્યારે કોઈ કારના ચાલકે તેને પાછળથી ઠોકર મારતાં તે એકસેસ પરથી નીચે પડી ગયા હતાં. ઉભા થવા જતાં ફરીથી કાર ચાલકે ઠોકર મારી દીધી હતી. વરસાદ પડતો હોવાથી કારના નંબર જોઈ શકાયા નહોતા.  પરંતુ કાર ચાલક ભાવેશ હોવાની તેને શંકા ગઈ હતી. ત્યાર પછી અમિતભાઇને ખાનગી ડોકટર પાસે સારવાર અપાવી હતી. જે તે વખતે ફરિયાદ કરી ન હતી. ભાવેશે દસેક મહિના પહેલા સૂર્યોદય સોસાયટી મેઈન રોડ પર પણ અમિતભાઇ પર છરીથી હૂમલો કરી ઈજા પહોંચાડી હતી. જે અંગે તેના વિરૂધ્ધ ફરિયાદ કરી હતી.

તે વખતે પોલીસે ભાવેશની અટકાયત કરતાં તેને જાણવા મળ્યું હતું કે હરિ ધવા રોડ પર પણ તેણે જ તેના ભાઈ અમિતભાઇને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેથી હવે ભકિતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ખૂનની કોશિષની કલમો હેઠળ ગુનો દાખલ કરી ભાવેશની શોધખોળ આદરી છે. તસ્વીરમાં કારની ઠોકર મારવામાં આવી તેના સીસીટીવી ફૂટેજના દ્રશ્યો તેમજ બાદમાં ચાર દિવસ પહેલા મંદિરમાં હુમલો થયો તેના ફુટેજના દ્રશ્યો પણ જોઇ શકાય છે.

(3:32 PM IST)