<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

રાજકોટમાં અનરાધાર 5 ઇંચ વરસાદે 'ધરોહર' લોકમેળાને ધોઈ નાંખ્યો, રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઘૂંટણસમા પાણી ભરાયા

યાંત્રિક રાઈડ્સની ગેરહાજરીમાં પહેલાથી જ મેળામાં ઓછા લોકો પહોંચ્યા અને બીજા દિવસે મેઘરાજાએ પાણી ફેરવી નાખ્યું

રાજકોટ : વહેલી સવારથી મેઘરાજા રાજકોટ શહેર અને જિલ્લામાં ધડબડાટી બોલાવી રહ્યા છે. એવામાં રાજકોટ શહેરમાં 4 ઈંચ ખાબકેલા વરસાદે 'ધરોહર' લોકમેળાને ધોઈ નાંખ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં કેટલાક ઠેકાણે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. જેના પગલે વેપારીને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

દર વર્ષે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે યોજાતા રાજકોટના ભાતીગળ લોકમેળા 'ધરોહર'ને ગઈકાલે જ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જો કે TRP ગેમ ઝોન અગ્નિકાંડને પગલે આ વખતે રાઈડ્સને લઈને કડક નિયમો બનાવવામાં આવ્યા હોવાથી પ્રથમ દિવસે યાંત્રિક રાઈડ્સ વિના જ મેળાને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. 17 થી 21 ઓગસ્ટ એમ 5 દિવસ ચાલનારા ધરોહર મેળાના પ્રથમ દિવસે ખૂબ જ ઓછા લોકો આવ્યા હતા. જેટલા લોકો આવ્યા હતા તેઓ પણ યાંત્રિક રાઈડ્સને લઈને નિરાશ જોવા મળ્યા હતા.

આજે બીજા દિવસે પણ વહેલી સવારથી વરસાદ તૂટી પડતા રેસકોર્સ ગ્રાઉન્ડ કેટલાક ઠેકાણે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, તો કેટલાક ઠેકાણે કાદવ-કિચડ થઈ ગયો હતો. એક તો યાંત્રિક રાઈડ્સની ગેરહાજરીમાં પહેલાથી જ મેળામાં ઓછા લોકો આવી રહ્યા છે. એવામાં વરસાદના કારણે બીજા દિવસે પણ મેળો માણવા મોટી સંખ્યામાં લોકો આવે તેવી શક્યતા ખૂબ ઓછી છે. જેના કારણે મેળામાં સ્ટોલ ધારક વેપારીઓને મોટું નુક્સાન થવાની ચિંતા સતાવી રહી છે. વેપારીઓ મેઘરાજા વિરામ લે તેવી પ્રાર્થના કરવા સાથે જ લોકમેળાના દિવસો લંબાવવાની માંગ કરી રહ્યા છે.

આજે રાજકોટ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પોણા 5 ઈંચ વરસાદ રાજકોટના પડધરી તાલુકામાં નોંધાયો છે. આ સિવાય અન્ય તાલુકામાં જોઈએ તો, રાજકોટમાં 106 મિ.મી., લોધિકામાં 33 મિ.મી., જસદણમાં 30 મિ.મી., કોટડા સાંગણીમાં 23 મિ.મી., ગોંડલમાં 21 મિ.મી., ધોરાજીમાં 14 મિ.મી, વિંછીયામાં 10 મિ.મી અને જામકંડોરણામાં 6 મિ.મી વરસાદ વરસ્યો છે.

(6:28 PM IST)