<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

રાજકોટ બેડી યાર્ડમાં પેઢી ધરાવતાં વિમલભાઇ ડોબરીયાને હર્બલ પ્રોડક્‍ટ ખરીદી યુએસએમાં વેંચી નફો કમાવવાની લાલચ આપી ૯૫ લાખની ઠગાઇઃ ઓનલાઇન ફ્રોડ આચરાનારા ગઠીયાઓએ હર્બલ પ્રોડક્‍ટને બદલે માટી મોકલી દીધી

સાયબર ક્રાઇમ પીએસઓ દીપકભાઇ પંડીતે ગુનો નોંધતા પીઆઇ એમ. એ. ઝણકાતે તપાસ હાથ ધરી

રાજકોટઃ છેતરપીંડીની વધુ એક ઘટના સામે આવી છે. ઓનલાઇન ફ્રોડની રોજબરોજ બનતી ઘટનાઓ વચ્‍ચે શહેરના સામા કાંઠે રહેતાં અને બેડી માર્કેટ યાર્ડમાં રીરામ ઇમપેક્‍સ નામની પેઢી ચલાવતાં સેટેલાઇટ ચોકમાં રી વાટીકામાં રહેતા વિમલભાઈ ગાંડુભાઈ ડોબરીયા (ઉ.વ.૪૦) સાથે હર્બલ પ્રોડક્‍ટની ખરીદી કરી તેને યુએસએમાં વેચાણ કરી મોટો નફો કમાવવાની લાલચ આપી ઓનલાઇન અધધધ ૯૫ લાખની છેતરપીંડી કરવામાં આવી છે. 

આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કર્યો  છે. વેપારીએ  પોલીસને જણાવ્‍યું કે છેલ્લા ૧૯ વર્ષથી તે પેઢી ધરાવે છે. એકાદ વર્ષ પહેલા તેના ભાણેજ વિરાજ રમેશભાઈ પરસાણા (રહે. શિવગંગા ગુજરાત સોસાયટી, પેડક રોડ)ને તેના મેઇલ આઈડીમાંથી એક મેઇલ આવ્‍યો હતો. જેમાં જણાવાયું હતું કે વિદેશી કંપનીને પોલો હોર્સ માટે ભારતમાં એક્‍સપોર્ટર માટે આસીસ્‍ટન્‍ટ કંપનીની જરૂર છે. તેમજ તેના ભાણેજને બીજા કેટલાક મેઇલ આઈડી પરથી મેઇલ આવ્‍યા હતા. મોબાઇલથી પણ સંપર્ક કરાયો હતો. જેને કારણે તેનો ભાણેજ વિરાજ તેની પેઢીએ રળબરળ આવ્‍યો હતો અને તેને સમજાવ્‍યું કે ભારતની લોકલ કંપની પાસેથી હર્બલ પ્રોડક્‍ટની ખરીદી કરી તેને યુએસએ ખાતે સપ્‍લાય કરવાની છે. આ માટેભારતની  પવનકુમાર નામની કંપની પાસેથી માલની ખરીદી કરી તેને યુએસએ મોકલવાની રહેશે.

ત્‍યારબાદ તેણે ભાણેજ વિરાજના કહેવાથી તેની બંને પેઢીના બેંક ખાતામાંથી આરોપીઓએ જણાવેલ બેંક ખાતામાં રૂપિયા ૯૫ લાખ ટ્રાન્‍સફર કર્યા હતાં. ત્‍યારપછી તેના ભાણેજના ઘરે કુરિયર આવ્‍યું હતું. બાકીના પાર્સલ મવડી ચોકડી પાસે આવેલી ટ્રાવેલ્‍સની ઓફિસે લેવા માટે તે અને તેનો ભાણેજ વિરાજ ગયા હતા. પાર્સલ લઇ ઘરે આવી તેને ખોલતા તેમાંથી હર્બલ પ્રોડક્‍ટને બદલે માટી નીકળી હતી. પરિણામે પોતાની સાથે ફ્રોડ થયાનું જણાતા સીઆઇડી ક્રાઇમના હેલ્‍પલાઇન નંબર ઉપર ગઇ તા. ૯-૫-૨૦૨૪ના રોજ અરજી કરી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ મથકના હેડકોન્‍સ. દિપકભાઇ પંડીતે વેપારીના ભાણેજ વિરાજનો જુદા-જુદા મેઇલ આઈડી પરથી સંપર્ક કરનારા, જે બેંક ખાતામાં ૯૫ લાખ જમા કરાવ્‍યા હતા તેના ખાતાધારક અને જે મોબાઇલ નંબર પરથી સંપર્ક કરાયો હતો તેના ધારકોને આરોપી બનાવી ગુનો દાખલ કર્યો છે. એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એમ. એ. ઝણકાતે વધુ તપાસ હાથ ધરી છે.

(5:40 PM IST)