News of Monday, 26th August 2024
ગોંડલમાં મગફળીના જથ્થા પાછળ છુપાવેલો ૪.૨૪ લાખનો દારૂ ભરેલો ટ્રક ‘કટીંગ' વખતે પકડાયોઃ દારૂ, કાર, ટ્રક મળી ૨૩.૨૪ લાખનો મુદ્દામાલ કબ્જે
રમઝાન ઉર્ફ ભોપલો-ગોંડલ અને રાજસ્થાન પાસીંગના ટ્રકનો ચાલક, રાજકોટ પાસીંગની ઇકોનો ચાલક ભાગી ગયા

રાજકોટઃ તહેવારમાં ગોંડલ તથા આસપાસના પંથકોમાં દારૂની રેલમછેલ કરવાના ઇરાદે મંગવાયેલો દારૂ ભરેલો ટ્રક કટીંગ વખતે જ પોલીસે પકડી લીધો હતો. ગોંડલમાં બરકતનગર નુરી ફાઉન્ડેશનની દિવાલ પાસે રાજસ્થાન પાસીંગના ટ્રકમાંથી ઇકો કારમાં દારૂનું કટીંગ થઇ રહ્યાની બાતમી મળતાં પીઆઇ એ. સી. ડામરો, હેડકોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા સહિતની ટીમ ત્રાટકતાં આરોપીઓ ટ્રક અને કાર મુકી ભાગી ગયા હતાં. આરજે૧૧જીસી-૨૧૧૮ નંબરના ટ્રકમાં મગફળીના ૯૦૦ કોથળાની પાછળ રૂા. ૪,૨૪,૮૦૦નો ૧૪૧૬ બોટલ દારૂનો જથ્થો છુપાવાયેલો મળ્યો હતો. પોલીસે દારૂ, ટ્રક, જીજે૦૩જેસી-૦૬૦૮ નંબરની ઇકો કાર મળી કુલ રૂા. ૨૩,૨૪,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂ ગોંડલ મોવીયા રોડ પર રહેતાં રમઝાન ઉર્ફ ભોપલો રઝાકભાઇ ગોરીએ મંગાવ્યાનું ખુલતાં તેને તથા રાજસ્થાન પાસીંગના ટ્રકના ચાલક, ઇકોના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
(5:40 PM IST)










