<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

રાજકોટમાં મધરાત બાદથી ૧૨૯૯ લોકોનું સ્થળાંતર: ફૂડ પેકેટસનું વિતરણ: કુલ ૬૧ વૃક્ષો પડ્યા

કુલ-૧૨૯૯ અસરગ્રસ્તોનું નજીકની શાળાઓ અને રેનબસેરામાં સ્થળાંતર : મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ સહીતના અધિકારીઓ અને કર્મચારીઓ લોકોની જુદીજુદી ફરિયાદોના નિકાલ માટે સતત ફિલ્ડમાં

રાજકોટ : શહેરમાં અતિ ભારે વરસાદને પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાવચેતીના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત લોકોનું રેનબસેરા અને સ્કૂલો ખાતે સ્થળાંતર કરવામાં આવેલ. સ્થળાંતરિત નાગરિકો માટે મધ્યાહન ભોજન કિચન અને સેવાકીય સંસ્થાઓ મારફત ફૂડ પેકેટ્સની વ્યવસ્થા, સ્વાસ્થ્ય ચકાસણીની વ્યવસ્થા, ધરાશાયી થયેલ વૃક્ષો રસ્તા પરથી દુર કરવા વગેરે સહીતની કામગીરી ફાયર એન્ડ ઇમરજન્સી શાખા તથા ટેકનિકલ શાખાઓ બાંધકામ, વોટર વર્કસ અને ડ્રેનેજ તેમજ વહીવટી વિભાગોના અધિકારીઓ,કર્મચારીઓ દ્વારા સતત કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ સહીતના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ લોકોની જુદીજુદી ફરિયાદોના નિકાલ માટે સતત ફિલ્ડમાં રહ્યા.

ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા રાત્રીના ૧૨:૨૦ વાગ્યે વોર્ડ નં.૧૬માં એકતા કોલોની, જંગલેશ્વર સહીતના નીચાણવાળા વિસ્તારોના લોકોને માઈકથી એનાઉન્સમેન્ટ કરી સલામત સ્થળે ખસી જવા જાણકારી આપવામાં આવી હતી. રાત્રીના ૦૨:૧૫ કલાકે આજી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં હોવાથી, અગાઉથી જ નદી કાંઠાના વિસ્તારોને સલામત સ્થળે ખસેડવા માટેની તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી હતી. વોર્ડ નં.૧૬માં એકતા કોલોની, જંગલેશ્વરના ૧૧૦ લોકોને શાળા નં.૭૦માં સ્થળાંતર કરવામાં આવેલ. જયારે રાત્રે ૦૨:૩૦ કલાકે અન્ય નીચાણવાળા વિસ્તારોના ૭૦ લોકોનું ભગવતીપરામાં સ્થિત શાળા નં.૪૩માં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વહેલી સવારના ૦૫:૧૫ વાગ્યા સુધીમાં ભગવતીપરાની અન્ય એક સ્કુલ નં.૬૩માંપણ ૭૯ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આજી ડેમ સવારે ૦૬:૦૦ કલાકે ઓવર ફ્લો થયો હતો. આ ઉપરાંત સવારથી જ શહેરના મહિલા કોલેજ અન્ડરબ્રિજ, રેલનગર અન્ડરબ્રિજ, પોપટપરા નાળા, એસ્ટ્રોન ચોક નાળા, લક્ષ્મીનગર અન્ડરબ્રિજમાં નાગરિકોની અવર-જવર બંધ કરવામાં આવેલ. સાથોસાથ સાવચેતીના પગલાંરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાંથી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં કુલ-૧૨૯૯ અસરગ્રસ્તોનું નજીકની શાળાઓમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું તેમજ આ લોકો માટે ફૂડ પેકેટ્સની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકલન કરી ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી છે. 

 ભારે વરસાદ અને પવનને કારણે કુલ-૬૧ વૃક્ષો ધરાશાયી થયા હતા જેને ગાર્ડન શાખા દ્વારા દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી. જુદાજુદા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની કુલ-૩૩ ફરિયાદોનો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા JCB સહિતના વાહનોની મદદથી નિકાલ કરવામાં આવેલ.  

 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૩માં ડાક બંગલો સ્કૂલ ખાતે, વોર્ડ નં.૭માં સંત તુલસીદાસ સ્કૂલ ખાતે, વોર્ડ નં.૧૪માં લુહાર જ્ઞાતિની વાડી ખાતે, ઈસ્ટ ઝોનના વોર્ડ નં.૪માં વેલનાથપરા શાળા નં.૭૧, શાળા નં.૪૩ ખાતે, ભગવતીપરા શાળા નં.૪ ખાતે, વોર્ડ નં.૧૫માં રેનબસેરા ખાતે અને વોર્ડ નં.૧૬માં જંગલેશ્વર શાળા નં.૭૦ ખાતે લોકોનું સ્થળાંતર કરાવામાં આવ્યું હતું. સ્થળાંતરિત કરાયેલા નાગરિકો માટે વોર્ડ નં.૭માં પંચનાથ ટ્રસ્ટ, વોર્ડ નં.૧૪ અને વોર્ડ નં.૧૬માં બોલબાલા ટ્રસ્ટ, વોર્ડ નં.૧૫માં રેનબસેરા, વોર્ડ નં.૪માં રામકૃષ્ણ દ્વારા ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

(2:01 PM IST)