તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th August 2024
મૂર્તિપુજક જૈનો કાલથી અને સ્થાનકવાસી સમાજ રવિવારથી પર્યુષણ મહાપર્વે જિન ભકિતમાં લીન થશે
તપ-જપ-આરાધનાઓની હેલી સર્જાશેઃ ત્યાગનો મહિમા ગવાશે

રાજકોટ તા. ૩૦: તપ વડે મનશુદ્ધિ તથા કાર્યશુદ્ધિનું મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણનો કાલે દેશવાસી જૈનો પ્રારંભ કરશે. જયારે સ્થાનકવાસી સમાજ રવિવારથી જિન ભકિતમાં લીન થશે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ આત્મશુદ્ધિનું મહાપર્વ છે. આઠ - આઠ દિવસ સુધી ઉપાશ્રયોમાં પૂ. ગુરૂ ભગવંતોના કલ્યાણકારી પ્રવચનો તથા ધાર્મિક અનુષ્ઠાનો થશે. આઠ-આઠ દિવસ જૈનોમાં તપ અને ત્યાગનો મહિમા ગવાશે.
દિગંબર જૈનોના પર્યુષણ પર્વનો પ્રારંભ ભાદરવા સુદ-૪થી થાય છે. દિગંબર જૈનો દસ લક્ષણા પર્વ તરીકે મર્યુષણ પર્વની ઉજવણી કરે છે. અઠ્ઠાઈ ઘરથી આઠ દિવસ જૈનો ભકિત-ધર્મ આરાધનામાં રસતરબોળ થશે. દરેક જૈન પરિવારમાં એકાસણું, બેસણું, આયંબીલ, ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ તથા અઠ્ઠાઈ વગેરે તપヘર્યા થશે.પર્વાધિરાજ પર્યુષણના પ્રથમ દિવસે મુર્તિપૂજક જૈન સંઘોમાં ગુરૂ ભગવંત, સાધ્વીજી ભગવંતો વ્યાખ્યાનમાં પાંચ કર્તવ્યો અમારી પ્રવર્તન, સાધર્મિક વાત્સલ્ય, ક્ષમાપના, અઠ્ઠમ તપ તથા ચૈત્ય પરિપાટી વિષે સમજાવે છે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના જૈનો અનેરા ધર્મોલ્લાસ સાથે કરશે અને આત્માને નિર્મળ બનાવવાનો પ્રયાસ કરશે. દેરાવાસી જૈનો કલ્પસૂત્રના વાંચન દરમિયાન ભગવાન મહાવીરના જન્મનું વાંચન થશે તથા પૂ. ગુરૂ ભગવંતોની નિશ્રામાં માતા ત્રિશલાદેવીને આવેલા ૧૪ સ્વપ્ના અનેરા ધર્મોલ્લાસ સાથે ઉતારવામાં આવશે. દરેક સ્વપ્નાની ઉછામણી - બોલી બોલાશે. વીરપ્રભુના પારણાની બોલી બોલાયા પછી લાભાર્થી પરિવારને આંગણે વાજતે - ગાજતે વીર પ્રભુનું પારણુ લઈ જવાશે.
જિનાલયોને રોશની અને કમાન - તોરણથી સુશોભિત બનાવાશે. પ્રથમ દિવસથી ધર્મભકિતનો માહોલ ઉભો થશે. જિનાલયોમાં સવારે રાઈસી પ્રતિક્રમણ, સ્નાત્ર પૂજન, પૂ. ગુરૂભગવંતોના વ્યાખ્યાન પરમાત્માને ભવ્યાતિભવ્ય આંગી, રાત્રે ભાવના (ભકિત સંગીત) ભણાવાશે. શ્રાવક - શ્રાવિકાઓ આઠેય દિવસ શીન વષાો પહેરીને દરેક ધર્માનુષ્ઠાનમાં ભાગ લેશે.
જૈનોના ચાતુર્માસનો પ્રારંભ ગત તા. ૨૦ના જુલાઇથી થયો છે. દેરાસરો અને સ્થાનકવાસી ઉપાશ્રયોમાં પૂ. સંત-સતીજીઓની નિશ્રામાં શ્રાવક-શ્રાવિકાઓ ચાતુર્માસની ધર્મ આરાધના કરી રહ્યા છે.
દેરાવાસી જૈનોના પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ તા. ૩૧મી ઓગસ્ટે શનિવારથી તથા સ્થાનકવાસી જૈનોમાં તા. ૧ લી સપ્ટેમ્બરના રવિવારથી થશે. આ વખતે બંને સંપ્રદાયમાં એક દિવસ આગળ પાછળ આવેલ છે. તેથી બંનેનું સંવત્સરી પર્વ પણ અલગ અલગ દિવસે ઉજવાશે.
આ વર્ષે દેરાવાસી સમાજ તા. ૭ સપ્ટેમ્બર તથા સ્થા. જૈનો તા. ૮ સપ્ટેમ્બરે સંવત્સરી પ્રતિક્રમણ કર્યા બાદ એકબીજાને ક્ષમાનું આદાન પ્રદાન કરશે તેમજ પર્યુષણમાં તપ આરાધના કરનારા તપસ્વીઓના સમૂહ પારણા સંવત્સરી પર્વની ઉજવણી બાદ બીજા દિવસે થશે.
દાદાવાડી દેરાસર
શહેરના ૧૯૮ વર્ષ પ્રાચીન શ્રી સુપાશ્વનાથ જિનાલય (માંડવી ચોક દેરાસર)માં કાલે શનિવારથી તા.૭મીના શનિવાર સુધી પૂ. ગણિવર્ય શ્રી તારકચંદ્રસાગરજી મ. તથા પૂ.સાધ્વીજી ભગવંત શ્રી વિપુલયશાશ્રીજી મ. આદિની નિશ્રામાં પર્યુષણ પર્વની આરાધના થશે. આઠ દિવસ પરમાત્માને સાચા ડાયમંડ હીરા- મોતીની લાખેણી અંગરચના કરવામાં આવશે. જિનાલયને રોશનીનો શણગાર તથા સુશોભન કરવામાં આવેલ છે. દરરોજ રાત્રે ૯થી ૧૧ જૈન સમાજના જાણીતા ભકિતકાર શૈલેષભાઈ વ્યાસ તથા ધર્મેશ દોશી ભાવિકોને ભક્તિમાં રસ તરબોળ કરશે તેમ સંઘની યાદીમાં જણાવાયું છે.
મણિયાર દેરાસર
રાજકોટ જૈન તપગચ્છ સંઘ સંચાલિત શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય (મણિયાર દેરાસર) ખાતે તા.૩૧થી તા.૭ સુધી પર્યાધિરાજ પર્યુષણની તપ-ધર્મ આરાધના સાથે ઉજવણી થશે. આઠેય દિવસ પરમાત્માને લાખેણી આંગી રચાશે. મણિયાર દેરાસરને રોશનીના શણગારથી સજાવાશે તથા સુશોભન કરવામાં આવશે. મણિયાર દેરાસરે પર્યુષણ પર્વ દરમ્યાન દરરોજ રાત્રે ૯થી ૧૧ જૈન સમાજના જાણીતા ભકિતકાર નિલેશભાઈ ટોળીયા તથા તેના સાથીદારો ભાવિકોને ભકિતમાં રસ તરબોળ કરશે.
નાલંદા તિર્થધામ
ગો.સંપ્ર.ના સોરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પુ.શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં તા.૧ને રવિવારે થી ૮ રવિવાર સુધી પર્યુષણ પર્વ પ્રસંગે સવારે ૮:૩૦ થી ૯:૧૫ સુધી મહાન પ્રભાવક ભકતામર પાઠ ૯:૧૫ થી ૧૦:૩૦ સુધી રોજ જુદા-જુદા વિષયો પર પુ.મહાસતીજી વ્યાખ્યાન ફરમાવશે. હું કોણ? ઘરને સ્વર્ગ બનાવો! પુછો અને પામો, મુળમાં ભુલ જીવનનું ઝવેરાત ક્ષમા, સગપણનું સાચું ગળપણું, સાધર્મિક ભકિત, અંતર આલોચના આદિ અનેક વિષયો પર પોતાની લાક્ષણિક શૈલીમાં આધ્યાત્મિક ભાવથી ભરપુર વ્યાખ્યાન ફરમાવશે.
વ્યાખ્યાન પછી બપોરે ૩ થી ૪ આનુપૂર્વી પાંસઠીયો, નવકારમંત્ર, ઉપરસંગ્રહ સ્તોત્ર વગેરેના જાપ કરાવ્યામાં આવશે. સાંજે ૭ થી ૮ સુધી ભાઇઓ તથા બહેનો માટે પાપની આલોચનારૂપે પ્રતિક્રમણ કરાવવામાં આવશે. આઠ દિવસ ‘‘કૌનબનેગા ભાગ્યશાળી'' લકી ડ્રોના ઇનામોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
(3:40 PM IST)










