<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

ભાદર લાઇનમાં ભંગાણઃ લાઇન નવી નાખવા ૧૨૫ કરોડની યોજના

રાજકોટમાં ભરચોમાસે પાણી વિતરામાં વિક્ષેપઃ અનેક વિસ્‍તારોમાં પાણી ઓછુ મળ્‍યુઃ કાલ સુધીમાં મરામત થઇ જશે : ૩૫ વર્ષ જુની લાઇન બદલવા સરકાર પાસે નાણા મંગાશેઃ ગોમટાથી રીબડા સુધી પાણીની લાઇન બદલવી જરૂરી

રાજકોટ,તા. ૩૦: શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા મહત્‍વના ત્રણ ડેમો પૈકી એક ભાદર ડેમમાં ભરપૂર પાણી છે. એક તરફ ડેમ ઓવરફલો થયો છે બીજી તરફ આજે રાજકોટને પાણી પુરૂ પાડતી ભાદર લાઇનમાં ભંગાણ થતા પાણી વિતરણ વ્‍યવસ્‍થામાં વિક્ષેપ સર્જાયો છે.

ગોંડલ માર્કેડયાર્ડ નજીક ચોકડી પાસે ભાદર લાઇન તૂટતા મ્‍યુ. કોર્પોરેશનની ટીમ મરામત માટે દોડી છે. કાલ સુધીમાં મરામત થઇ જશે. રાજકોટનું પાણી વિતરણ જળવાઇ રહ્યું છે પણ લાઇનમાં ભંગાણ થતા ફોર્સ ઘટી ગયો છે. શહેરના અનેક વિસ્‍તારોમાં ધીમા દબાણથી પાણી મળ્‍યુ છે.

રાજકોટથી ભાદર ડેમ સુધીની પાઇપલાઇન પૈકી કેટલાક ભાગની લાઇન ૧૯૮૯ વખતની છે. જર્જરિત લાઇનમાં વારંવાર ભંગાણ પડે છે. લાઇન તૂટવાથી વિતરણ વ્‍યવસ્‍થા પર વિપરિત અસર આવે છે. તેથી ગોમટાધારથી રાજકોટ ઢેબર રોડ  પંપીંગ સ્‍ટેશન વચ્‍ચે રીબડા સુધીની નવી લાઇન નાખવા ૧૨૫ કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ છે. હાઇવે ઓથોરીટી સાથે સંકલનમાં રહીને આ કાર્ય કરવાનું થાય છે. મ્‍યુ. કોર્પોરેશન નવી લાઇન નાખવા માંગે છે લાઇન બદલવા માટેનો ખર્ચને પહોંચી વળવા સરકાર પાસે રૂપિયા ૧૨૫ કરોડ માંગવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્‍ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમ કે જેની ઓવરફ્‌લો થવાની સમગ્ર આતુરર્તાપૂર્વક રાહ જાવાતી હતી તે ડેમ ઓવરફ્‌લો થઈ જતા રાજકોટ, જેતપુર સહિતના પંદરેક ગામોની ૨૨લાખની વસ્‍તી પીવાના પાણીની અને ૪૬ ગામોના ખેડૂતોને સિંચાઇ માટેની પાણીની સમસ્‍યા એક ઝાટકે દૂર થઈ ગઈ છે.

ઇ.સ ૧૯૫૪માં ૪૫૪.૭૫ લાખના ખર્ચથી સિંચાઇના હેતુથી બનાવેલ ભાદર ડેમ ૩૪ ફૂટની ઉચાઈ અને ૨૯ દરવાજા સાથે સૌરાષ્‍ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. આ ડેમની પાણી સમાવવાની કુલ ક્ષમતા ૬૬૪૮ એમસીએફટીની છે. છેલા ૬૫ વર્ષથી અડીખમ ઊભેલ આ ડેમ અત્‍યાર સુધીમાં ૨રવખત ઓવરફ્‌લો થયો છે.

આ ડેમમાંથી રાજકોટ અને જેતપુર શહેરની ૨૨ લાખ જેટલી પ્રજાને પીવાનું પાણી પૂરુ પાડવામાં આવે છે. જન્‍માષ્‍ટમી પર જ ભારે વરસાદથી ભાદરડેમ ઓવરફલો થયો છે.

(3:54 PM IST)