<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

પોલીસને જમીનની સિવિલ મેટરોમાં જ વધુ રસ છેઃ પાવરનો દુરૂપયોગ કરી ‘સેટલમેન્‍ટ' માટે નિર્દોષ લોકોને દબાવાય છે

મેંગો માર્કેટ પાછળની જમીનના વિવાદમાં ખેડૂતે કરેલી ક્‍વોશિંગની આજની સુનાવણીમાં હાઇકોર્ટએ પોલીસની ઝાટકણી કાઢી : તપાસનીશ અધિકારીને તાત્‍કાલીક સસ્‍પેન્‍ડ કરો નહિ તો સીબીઆઇ તપાસનો સામનો કરવા તૈયાર રહોઃ હાઇકોર્ટ જજ નિરઝાર દેસાઇએ ઉચ્‍ચ પોલીસ અધિકારીઓને પણ તાકીદ કરી કહ્યું-અનેક મેટરોમાં પોલીસની ભુમિકા શંકાસ્‍પદ દેખાઇ આવે છે

રાજકોટ  તા. ૩૦: શહેરના કુવાડવા રોડ પર ગ્રીનલેન્‍ડ ચોકડી નજીકની મેંગો માર્કેટ પાછળની અતિ કિમતી જમીનના વિવાદમાં એફઆઈઆર ક્‍વોશિંગ માટે આગળ ધપેલી વધુ સુનાવણીમાં હાઇકોર્ટ જજ નીરઝાર દેસાઇએ તપાસનીશ પોલીસ અધિકારીને તાત્‍કાલીક સસ્‍પેન્‍ડ કરવા અને જમીનની સબજ્‍યુડીસ મેટરોમાં પોલીસ પાવરના દુરૂપયોગ સંદર્ભે ગંભીર નોંધ લઇ ઉચ્‍ચ અધિકારીઓને પણ તાકીદ કરવા જણાવ્‍યું હતું. શ્રી દેસાઇએ સુનાવણી દરમિયાન જણાવ્‍યું કે મારા સમક્ષ આવેલી જમીનની અનેક મેટરોમાં પોલીસ પાવરનો દુરૂપયોગ કરતી જણાઇ આવી છે. નિર્દોષ લોકોને દબાવી વિવાદીત જમીનમાં સેટલમેન્‍ટ કરાવવાની કાર્યપધ્‍ધતિને કોર્ટ સાંખી નહિ લે. હાઇકોર્ટએ તાત્‍કાલીક અસરથી તપાસનીશ અધિકારીને સસ્‍પેન્‍ડ કરો અથવા પોલીસ કમિશનર માફીનામુ આપે.

કુવાડવા રોડ પર આવેલી મેંગો માર્કેટ પાછળની જમીનના ખેડૂત દિલીપ મકવાણાએ એફઆઇઆર ક્‍વોશીંગ માટેની અરજી કરી છે. જેની સુનાવણીમાં હાઈકોર્ટે પોલીસની ભારે ઝાટકણી કાઢી છે. કોર્ટે ગંભીર નોંધ લઈને ગઇકાલે કહ્યું હતું કે નાના મુદ્દાની એફઆઈઆર નોંધીને બે પાર્ટી વચ્‍ચેના જમીનના વિવાદને સુલટાવવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે. સામાન્‍ય માણસ સામે આ સત્તાનો દુરૂપયોગ છે. અરજીની સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે, આ પોલીસ ફરિયાદનો મૂળ મુદ્દો સીસીટીવી ચોરી અને લૂંટનો છે. જેનો મુદ્દામાલ પણ કબજે કરાયો ક છે. આ મુદ્દામાં જમીનનો વિવાદ કઈ રીતે આવ્‍યો? કોર્ટમાં તપાસનીશ અધિકારીએ જે રિપોર્ટ નોંધ્‍યો છે તેમાં સીસીટીવીની ફરિયાદ અંગે તો મૌન છે ફક્‍ત જમીન વિવાદ આવી રહ્યો છે. આ ઉપરાંત ચોરીની આ ફરિયાદમાં આટલી સઘન તપાસ કેમ કરવામાં આવી રહી છે બીજામાં આમ કરાય છે? આવા વેધક સવાલ કરીને કોર્ટે જવાબ માગ્‍યાં હતા.

કોર્ટે એ પણ કહ્યું હતું કે ૨૭ જુલાઈએ ઘટના બની હતી તો પછી ૧૦ દિવસ બાદ શા માટે ફરિયાદ થઈ? તે અંગે બિલ્‍ડર મનસુખ શિવા તલસાણિયાના વકીલે કહ્યું હતું કે, આ જમીન પર કબજો કરવાની ત્રીજી વખતની ઘટના  બની હતી ત્‍યારે ૧૦૦ નંબરમાં ફોન કર્યો ત્‍યારે પોલીસ આવી હતી. જોકે ઘણા પ્રયત્‍નો કરવા છતાં પોલીસે ફરિયાદ નોંધી ન હતી. આટલું કહેતાં જ ફરી જસ્‍ટિસે સવાલ કર્યો હતો કે, એફઆઈઆરમાં જમીન કબજે કરવાનો ઉલ્લેખ કયા? જો ફરિયાદીના કહેવા મુજબ ફરિયાદ નથી લેવાતી, ફરિયાદ મોડી લેવાય છે, તો તે અંગે અત્‍યાર સુધીમાં કેમ એકપણ વખત ઉલ્લેખ થયો નથી, ક્‍વોશિંગમાં જ કેમ વાત આવી? અત્‍યારે જ જાણીને કહો શું થયું છે!

કોર્ટે પૂછયું હતું કે, ફરિયાદમાં જમીન વિવાદનો ઈતિહાસ લખ્‍યો છે અને તેમાં પણ કહેવાયું છે કે આ વિવાદની સિવિલ મેટર ચાલી રહી છે અને બંને પક્ષોને જમીનના વધુ વ્‍યવહાર કરવા પર ના પાડી છે. નાના મુદ્દાઓને લઈને જમીનના વિવાદ સુલટાવવા છે? તમે (પોલીસ) કોઈકની મદદ કરી રહ્યા છો? કોર્ટે તપાસનીશ અધિકારી વિશે માહિતી મેળવી હતી. સરકારી વકીલે કહેવાયું હતું કે બધી તપાસ સઘન રીતે કરવામાં આવે છે.

કોર્ટે કહ્યું કે, તો તપાસનીશ અધિકારી કે.ડી. મારૂનો અત્‍યાર સુધીનો ટ્રેક રેકોર્ડ રજૂ કરો કયાં કેવી તપાસ થાય છે. નાના મુદ્દાની ફરિયાદ નોંધીને જમીન વિવાદ સુલટાવી રહ્યા છો. આટલું કહેતા અધિકારીએ ક્ષમા યાચના કરી હતી. જોકે કોર્ટે કહ્યું કે, સવાલ જ નથી. તપાસનીશ અધિકારી સામે તપાસ કરવા માટે પોલીસ કમિશનરને અમે કહેશું અને સાથે જ આ તપાસનું સુપરવિઝન ડી.જી. કરશે! વકીલે કહ્યું કે, ઉપરી અધિકારીની સુચના શું હતી તે જાણવા માટે સમય આપવા વિનંતી છે, તો કોર્ટે શુક્રવાર સવારે ૧૧ વાગ્‍યાનો સમય આપ્‍યો હતો.

આ દરમિયાન બિલ્‍ડરના વકીલ આવ્‍યા તેમણે કહ્યું હતું કે, અરજી ૨૯મીએ કરી હતી તો કોર્ટે તેમને પણ સવારે ૧૧ વાગ્‍યાનો સમય આપ્‍યો હતો. જેને લઈને સતત બીજા દિવસે આ કેસની સુનાવણી આજે કરવામાં આવી હતી. જેમાં જજશ્રી દેસાઇએ પોલીસની આકરા શબ્‍દોમાં ઝાટકણી કાઢી હતી. તેમજ પોલીસને જમીનની સિવિલ મેટરોમાં જ વધુ રસ છે, પાવરનો દુરૂપયોગ કરી સેટલમેન્‍ટ માટે નિર્દોષ લોકોને હેરાન કરવામાં આવે છે તેવું કહ્યું હતું.

(3:55 PM IST)