તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th August 2024
રાજકોટમાં અતિવૃષ્ટિથી પ્રભાવિત થયેલા પરિવારોને મકાન અને રોકડ સહાય તાકિદે ચૂકવો : કોંગ્રેસ
કલેકટરને આવેદન પાઠવાયું : સંખ્યાબંધ વિસ્તારો અસરગ્રસ્ત હોવાનું ઉમેરાયું

રાજકોટ શહેર કોîગ્રેસે અસરગ્રસ્તોને તાકિદે વળતર સહાય કરવા અંગે કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
રાજકોટ, તા. ૩૦ : શહેર કોંગ્રેસ સમિતિએ કલેકટરને આવેદન પાઠવી અતિવૃષ્ટિથી પ્રભાવિત થયેલા પરિવારોને મકાન અને કેસ સહાય ચુકવવા બાબતે માંગણી કરી હતી.
આવેદનમાંથી જણાવેલ કે સમગ્ર રાજયમાં અતિવૃષ્ટિથી લોકો ખુબ મોટી સંખ્યામાં પ્રભાવિત થયા છે અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે અને ગામો સંપર્ક વિહોણા થયા છે. રાજકોટ શહેરમાં ચાર દિવસમાં ૩ર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું અને આજીડેમ તેમજ ન્યારી ડેમ ઓવરફલો થતા તેમજ ઉપરવાસના વરસાદને પગલે શહેરના આજી નદીમાં આવેલા ઘોડાપુર અને અનેક વોર્ડમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી જતા શહેરમાં તેમજ નદી કાંઠે રહેતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની ઘરવખરી અને મકાનો પણ પાણીમાં ગરકાવ થઇ જતા આવા પરિવારો માટે પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે મુશ્કેલી ઉભી થઇ છે.
હાલ શહેરમાં સામાજીક સંસ્થાઓ દ્વારા આવા પરિવારોને ખાદ્ય સામગ્રી કીટ તેમજ ભોજન આપવામાં આવે છે, ત્યારે શહેરના જે જે વોર્ડમાં અતિવૃષ્ટિથી પ્રભાવિત થયેલ નુકશાનીનો તાત્કાલીક સર્વે કરાવી રોકડ સહાય અને જે પરિવારોના મકાનો પડી ગયા છે. તેને પુનઃ બનાવી દેવાની શહેર કોંગ્રેસની માંગણી છે.
ખાસ કરીને લલુડી વોકડી, સોરઠીયા પ્લોટ, ભગવતીપરા જંગલેશ્વર, જય ભીમનગર, રામનાથપરા નદી કાંઠો, તિલક પ્લોટ, ભવાનીનગર આ સિવાયના જે નદી કાંઠાના વિસ્તારો હોય અને સ્લમ વિસ્તારમાં આપ દ્વારા મહાનગરપાલીકા સાથે સંકલન કરી એક ટીમ બનાવી અસરગ્રસ્ત પરિવારો માટે પડી ગયેલ મકાનને મકાનની વ્યવસ્થા કરવામાં આવે અને તાત્કાલીક રોકડ સહાય મળે તે માટે પ્રબંધ કરવા અને રાજય સરકારમાં રીપોર્ટ કરવા માંગણી કરી છે. આવેદન દેવામાં પ્રમુખ અતુલ રાજાણી, મહાનગરપાલીકા વિરોધ પક્ષના નેતા વસરામભાઇ સાગઠીયા, કોંગી આગેવાનો એડવોકેટ જશવંતસિંહ ભટ્ટી, ધરમભાઇ કાંબલીયા, ડી.પી. મકવાણા, ગોપાલભાઇ અનડકટ, મેઘજીભાઇ રાઠોડ, ગજેન્દ્રસિંહ ઝાલા વિગેરે જોડાયા હતા.
(4:18 PM IST)










