તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
શેરબજારમાં ૫૦૦ ટકા નફાની લાલચ આપી બીએસએનએલના જુનીયર ઓફિસર બેલાબેન વૈદ્ય સાથે ૫૫ લાખની છેતરપીંડી
ફેસબૂક પર જાહેરાત વાંચી લિંક પર ક્લીક કરતાં જ પ્રાઇમ વીઆઇપી બેંક નામના વ્હોટ્સએપ ગ્રુપમાં જોઇન કરી લેવાયાઃ એ પછી એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાવાઇઃ રોકાણ સામે ૩ કરોડનો નફો દેખાયો પણ રકમ વિડ્રો કરવા પ્રયાસ કરતાં ગ્રુપમાંથી રીમુવ કરી દેવાયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. દીપકભાઇ પંડીતે ગુનો નોંધતા પીઆઇ એમ. એ. ઝણકાતે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૩૧: ઓનલાઇન શેર બજારમાં નાણાનું રોકાણ કરી મોટો નફો મેળવવાની લાલચ આપી લોકો સાથે લાખો કરોડોનું ફ્રોડ સાયબર ગઠીયાઓ કરી રહ્યા છે. આવો વધુ એક બનાવ સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાયો છે. જેમાં શહેરના બીએસએનલના જુનિયર ટેલિકોમ ઓફિસર તરીકે નોકરી કરતાં અને મોટી ટાંકી ચોક નજીક પંચનાથ પ્લોટ-૧૭માં રહેતાં બેલાબેન સુરેશચંદ્ર વૈદ્ય (ઉ.વ.૩૯) સાથે શેર માર્કેટમાં રોકાણ કરવાથી ત્રણ મહિનામાં ૫૦૦ ટકા રિટર્ન મળશે તેવી લાલચ આપી તેમની સાથે અધધધ ૫૫,૦૦,૫૯૪ની ઠગાઇ કરવામાં આવી છે. પોલીસે અલગ અલગ ૧૧ બેંકોમાં ખાતા ધરાવતાં શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મોટી ટાંકી ચોક પાસે રહેતા અને બીએસએનએલમાં જુનિયર ટેલિકોમ ઓફિસર તરીકે ફરજ બજાવતાં બેલાબેન સુરેશચંદ્ર વેધ (ઉ.વ.૩૯)એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અલગ અલગ બેંકના ખાતા ધરાવતાં ૧૧ શખ્સોના ખાતા નંબર આપ્યા હતા. બેલાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.૫મેના તેઓના ફેસબૂકમાં એક જાહેરાત જોવા મળી હતી, જેમાં સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી ત્રણ મહિનામાં ૫૦૦ ટકા રિટર્ન મળશે તેવું લખેલુ હતું. આ જાહેરાત જોઇને બેલાબેને જાહેરાતની લીંકમાં ક્લીક કરતાંપ્રાઇમ વીઆઇપી બેંક નામના વ્હોટ્સેપ ગળપમાં તે જોડાઇ ગયા હતા અને બેલાબેન સાથે ચેટીંગ કરી તેમની પાસે અલગ અલગ ૨૦ આર્થિક વ્યવહાર કરી તેમની પાસેથી રૂ.૫૫,૦૦,૫૯૪ પડાવી લીધા હતા,
રોકાણ કરનારા બેલાબેનને વિશ્વાસ અપાવવા ગઠીયાઓએ એક વખત તેમના બેંક એકાઉન્ટમાં રૂ.૧.૯૪ લાખ જમા કરાવ્યા હતા, ત્યારબાદ આ ઠગોએ તૈયાર કરેલી એપ્લીકેશનમાં બેલાબેનના ખાતામાં રૂપિયા ૩ કરોડ નફારૂપે જમા હોવાનું પણ બતાવવામાં આવ્યું હતું. પોતાને ખરેખર મોટુ વળતર મળી ગયું છે તેમ વિચારી બેલાબેને તે રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એ રકમ વીડ્રો થઇ શકી નહોતી. વળી તેમને વ્હોટ્સેપ ગ્રુપમાંથી પણ રીમુવ કરી દેવાયા હતા. આથી પોતાની સાથે ઠગાઇ થયાનું જણાતાં સાયબર ક્રાઇમ પોર્ટલ ૧૯૩૦માં અરજી કરી હતી. તેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ મથકના હેડકોન્સ. દિપકભાઇ પંડિતે ગુનો નોંધતા આગળની તપાસ પીઆઇ એમ. એ. ઝણકાતે હાથ ધરી છે.
(2:10 PM IST)










