તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
ઝનાના હોસ્પિટલમાં દિકરીના જન્મ સાથે જ માતા વનીતાબેન ઘાવરીનું મોતઃ તબિબી-નર્સિંગ સ્ટાફની બેદરકારીનો આક્ષેપ
ત્રણ દિવસથી દાખલ હતાં: જન્મ સાથે જ દિકરી મા વિહોણી થતાં અરેરાટીઃ નર્સિંગ સ્ટાફ દ્વારા તોછડાઇનો આક્ષેપ

રાજકોટઃ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલ સંલગ્ન ઝનાના હોસ્પિટલમાં વધુ એક વખત બેદરકારી સામે આવી છે. અહિ પ્રસુતી માટે દાખલ કરવામાં આવેલી તોપખાનામાં રહેતી પરિણીતાએ આજે સવારે દિકરીને જન્મ આપ્યા બાદ તબિયત બગડતાં મોત નિપજતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. તબિબી અને નર્સિંગ સ્ટાફની બેદરકારીથી વનીતાબેનનું મૃત્યુ થયાનો આક્ષેપ તેમના પરિવારજનોએ કરી ન્યાયી કાર્યવાહીની માંગણી કરી હતી. જામનગર રોડ પર તોપખાનામાં રહેતાં વનીતાબેન જીજ્ઞેશભાઇ ઘાવરી (ઉ.વ.૨૫) નામના સગર્ભાને ત્રણ દિવસ પહેલા ઝનાના હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરાયા હતાં. આજે તેણીએ દિકરીને જન્મ આપ્યા બાદ મૃત્યુ થતાં પરિવારજનોમાં દેકારો મચી ગયો હતો. ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની બેદરકારીને કારણે તેણીનું મોત થયાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે અમે નોર્મલ ડિલીવરી ન થાય તેમ હોય તો સિઝેરીયન કરવા કહ્યું હતું. પરંતુ અમને ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ તરફથી સતત અયોગ્ય જવાબ મળ્યો હતો. ગઇકાલે વનીતાબેનને ખુબ દુઃખાવો ઉપડયો ત્યારે અમે નર્સિંગ સ્ટાફનું ધ્યાન દોરતાં તેમણે બીજા ઘણા દર્દીઓ છે, તમારા એક જ દર્દી અમારે નથી. તેમ કહી દીધુ હતું. નર્સિંગ સ્ટાફ મોબાઇલમાં જ વ્યસ્ત રહેતો હતો. આ બનાવને પગલે સિક્યુરીટીની ટીમ પણ દોડી ગઇ હતી અને પરિવારજનોએ મોબાઇલ ફોનમાં વિડીયો ઉતાર્યો હોઇ તે ડીલીટ કરવાનું કહેતાં દેકારો મચી ગયો હતો. બનાવની પોલીસને જાણ થતાં એ-ડિવીઝન પોલીસ દોડી આવી હતી. મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લેવાયો હતો.
દરમિયાન આ બનાવમાં સિનીયર તબિબે એવી શક્યતા દર્શાવી હતી કે ડિલીવરી દરમિયાન બ્લીડીંગ થવું જોઇએ એ થયું નહોતું. આથી પરપોટો થઇ જવો કે લોહીનો ગઠ્ઠો બની ગયો હોય તે ફુટવાને કારણે સીધી હૃદય પર અસર પડી હોઇ શકે. જો કે આવુ બહુ જુજ કિસ્સામાં જ થાય છે. અમે મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવવાનો આગ્રહ રાખ્યો હતો. જો કે આવા કિસ્સામાં ઘણીવાર પોસ્ટમોર્ટમ બાદ પણ કારણ જાણી શકાતું હોતું નથી. આ બનાવમાં જન્મ સાથે જ નવજાત દિકરી મા વિહોણી થઇ જતાં ગમગીની વ્યાપી ગઇ છે. મૃતકના પતિ સફાઇ કામ કરે છે. મૃત્યુ પામનારના માવતર વિસાવદર રહે છે. તેણી પાંચ બહેન એક ભાઇમાં પાંચમા નંબરે હતી. તેના લગ્ન દોઢ વર્ષ પહેલા જ થયા હતાં.
(3:25 PM IST)










