<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

મનપામાં ગટર-સફાઇ-રોશનીની ફરિયાદોના ઘોડાપુર

વરસાદ બાદ પણ તંત્ર ઉપર મુશ્‍કેલીના વાદળો યથાવત : સૌથી વધુ ૪૪ર૬ ડ્રેનેજ અંગે ફોન રણકયા : ગાર્ડન શાખાએ પ૩૪ માંથી માત્ર ૪૧ જગ્‍યાએથી વૃક્ષોનો નિકાલ કર્યો !

રાજકોટ તા. ૩૧ :.. શહેરમાં ગત અઠવાડીયાથી શરૂ થયેલ વરસાદ ગત બુધવાર સુધી વરસ્‍યો હતો. ૪ દિવસમાં શહેરને આખા વર્ષનું પાણી ઠાલવવાની સાથે મનપા તંત્રની પોલ પણ ખોલી હતી.

વરસાદના કારણે શહેરના તમામ વિસ્‍તારોમાંથી ગટર, લાઇટ, ગંદકી, વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદોનો ધોધ વરસ્‍યો છે. જેમાં હાલ વરસાદે ૪૮ કલાકથી વિરામ લીધો હોવા છતાં ગટરની ફરિયાદો પારાવાર આવી રહી છે.

શહેરમાં રપ થી ૩૦ ઓગસ્‍ટ સુધીમાં ગટર અંગેની કુલ ૪પ૪ર ફરિયાદો મનપાના ચોપડે લોકોએ નોંધાવી છે. જેમાંથી તંત્ર દ્વારા ૧ર૦૦ જેટલી ફરીયાદના નિરાકરણનો દાવો કરાયો છે. હાલ પણ ૩ર૦૦ થી વધુ ડ્રેનેજની ફરીયાદો નિકાલની રાહ જોઇ રહી છે.જયારે લાઇટના હાલ પણ બેહાલ બનતા રોશની શાખામાં ર હજારથી વધુ ફરીયાદોનો ખડકલો થયો હતો. જેમાંથી ૧ર૮૯ નો નિકાલ કરાયો હોવાનું અને ૭પર પેન્‍ડીંગ હોવાનું મનપાએ સત્તાવાર રિતે સ્‍વીકાર્યું છે.

તદ્‌ ઉપરાંત ગાર્ડન શાખામાં વૃક્ષો ધરા શાયી થવાની પ૩૪ ફરિયાદો માંથી માત્ર ૪૧ નો જ નિકાલ શકય બન્‍યો છે. જયારે  ૪૯૩ જેટલા તુટેલા ઝાડ જે-તે સ્‍થળે જ પડયા છે. સાથે સોલીડ વેસ્‍ટ શાખામાં પણ ૪૮૯ ફરિયાદો નોંધાઇ છે. જેમાંથી ૩૧૭ નું નિવારણ તંત્ર દ્વારા કરવામાં આવ્‍યું છે. (૯.ર૮)

ગટરો ઉભરાવાનું બંધ નહીં થતા રોગચાળાને આમંત્રણ

શહેરમાં કોલેરાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેનું મુખ્‍ય કારણ પીવાના પાણીની જર્જરિત લાઇનોમાં ડ્રેનેજનું પાણી ઘુસી જવાના કારણે આ સમસ્‍યામાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસ દરમિયાન ફરિયાદોમાં સૌથી વધુ ફરિયાદો પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાની હતી. જેમાં લાઇન ઉપર મુકવામાં આવેલ વાલ્‍વમાં પણ દુષિત પાણી ઘુસી જવાના કારણે લોકોના નળમાં ગંદુ પાણી આવી રહ્યુ છે. જે પીવાના કારણે ઝાળા-ઉલ્‍ટીના કેસમાં વધારો થવાની સાથે કોલેરાના કેસ સતત વધી રહ્યા છે. આથી દુષિત પાણીથી રોગચાળાને આમંત્રણ અપાઇ રહ્યાનું ચર્ચાઇ રહ્યું છે.

(3:27 PM IST)