તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
શાળાઓ રવિવાર સહિત રજાના દિવસોમાં વાલીઓની સહમતીથી શૈક્ષણિક કાર્ય ચાલુ રખાશે : રાજપૂત
ફાયર એનઓસી અને ભારે વરસાદથી પડેલી વધુ રજાઓના કારણે... પ્રથમ સત્રની પરીક્ષાઓ પહેલા કોર્ષ અધૂરો રહેવાની ભીતિથી વાલીઓની વિદ્યાર્થી પ્રતિનિધિઓને રજૂઆતો આવી

રાજકોટ તા. ૩૧ : જાહેર રજાઓમા કે રવિવારે શાળાઓમા શૈક્ષણિક કાર્ય શરૂ હોય તો જે વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધિઓ શાળાઓ બંધ કરાવવા નીકળતા હોય તે અચાનક રવિવાર સહિતની રજાઓમા શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાના સમર્થનમાં આવે તે કાંઇક નવીન લાગે પરંતુ કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે આ અંગે જણાવ્યુ હતુ કે રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલોમા બાળકોની સુરક્ષાને ધ્યાને લઇ ફાયર એનઓસી ફરજીયાતના નિયમના કારણે રાજકોટની અનેક શાળાઓ સીલ થઈ હતી જેના કારણે નવા વર્ષના શૈક્ષણિક કાર્ય શરૂ થતા ૮-૧૦ દિવસ જેટલી રજાઓ પડી હતી અને બીજી તરફ જન્માષ્ટમીના વેકેશન સમયે સમગ્ર રાજયમા અતિભારે વરસાદના કારણે રાજયસરકારે બાળકોની સુરક્ષાને ધ્યાને લઇ શાળાઓ બંધ રાખવાની સૂચના આપી હતી જેથી જન્માષ્ટમી વેકેશન થોડુ લંબાયા બાદ વધારાના ૪-૫ દિવસની રજાઓ પડી હતી એટલે પ્રથમ શૈક્ષણિક સત્રના મર્યાદિત સમયના દિવસોમા ૧૫-૧૬ દિવસની ઘટ આવે તે સ્વાભાવિક છે. આ મહિનામા અન્ય અનેક જાહેર રજાઓ તેમજ વિશેષ નવરાત્રી પણ આવનાર છે ત્યારે પ્રથમ સત્રની પરીક્ષાઓ પહેલા જે શૈક્ષણિક કોર્ષ પૂર્ણ કરવાનો થતો હોય છે તે કોઇ સંજોગે પૂર્ણ ના થાય જેથી બાળકોની પરીક્ષાઓના પરિણામો તેની ગંભીર અસર વર્તાય શકે છે બીજી તરફ જો ઝડપી રીતે કોર્ષ પૂર્ણ કરવામા આવે તો બાળકોના અભ્યાસ અર્થે જોખમકારક છે.
ઉપરોક્ત બાબતોની વિદ્યાર્થીનેતાઓને રાજકોટના જાગૃત વાલીઓએ ધ્યાન દોરતા અપીલ કરી હતી કે અમે જે તે શાળાના શિક્ષકોને પણ રજૂઆત કરી છે પણ સાથોસાથ તમામ વિદ્યાર્થી સંગઠનોના પ્રતિનિધિઓને ધ્યાન દોરી છે કે આ પ્રશ્ન અમારા એક બાળક પૂરતો નથી સમગ્ર રાજકોટના બાળકોનો છે જેથી જાહેરરજાઓમા શાળાઓ શરૂ રહેવાની ફરિયાદો મળે તો થોડો સમય પુરતુ સકારાત્મક વલણ દાખવજો.
આ અંગે રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ હતુ કે વિદ્યાર્થી સંગઠનો માટે વિદ્યાર્થીઓનુ હિત પ્રાથમિકતા હોય છે જેથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કોર્ષ પૂર્ણ થાય તે ખુબ અગત્યનુ છે જેથી રવિવાર કે જાહેરરજાઓમા શાળાઓ શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીઓના વાલીઓની સહમતિથી શરૂ રાખતા હોય તો અમારો સંપૂર્ણ સહયોગ રહેશે.(૨૧.૧૭)
(4:15 PM IST)










