<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

હોથીજી ખડબાના શખ્‍સનો ફેક આઇડી બનાવી રાજકોટના યુવાનની સગાઇ તોડાવવા પ્રયાસ

યુવાનને તેની મંગતેરના મોર્ફ કરેલા નગ્ન ફોટો મોકલ્‍યા : સહકાર સોસાયટીના યુવાનની ફરિયાદ પરથી સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૯: શહેરના એક યુવાનની સગાઇ તોડાવી નાખવાના પ્રયાસરૂપે એક શખ્‍સે તેને ફેક આઇડી પરથી તેની વાગ્‍દતાના મોર્ફ કરેલા નગ્ન ફોટા મોકલી તેમજ તેના સાળાને પણ આવા ફોટા મોકલી દેતાં આ મામલે શહેરં સાયબર ક્રાઇમ પોલીસે   સહકાર સોસાયટી મેઇન રોડ પર ખોડિયાર સોસાયટી-૪માં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં કુલદીપસિંહ મહેન્‍દ્રસિંહ ચુડાસમા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી કૃતિ પટેલ નામની ઇન્‍ટાગ્રામ આઇડીનો ઉપયોગ કરનાર વ્‍યક્‍તિ તેમજ દેવેન્‍દ્રસિંહ જસુભા જાડેજા અને તપાસમાં ખુલે તેના વિરૂધ્‍ધ બીએનએસ ૨૦૨૩ કલમ ૨૯૪ અને આઇટી એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યો છે.

કુલદીપસિંહે પોતાની ફરિયાદમાં જણાવ્‍યું છે કે મારી સગાઇ બે મહિના પહેલા જ થઇ છે, ગત તા.૧૨ જુલાઇના એક ઇન્‍સ્‍ટાગ્રામ આઇડી પરથી મેસેજ આવ્‍યો હતો અને મેસેજ કરનારે મને કહ્યું હતું કે તમારી વાગ્‍દતા સાથે તેને પ્રેમસંબંધ છે અને સગાઇ તોડી નાખો, બાદમાં મને મારી વાગ્‍દતાના મોર્ફ કરેલા ન્‍યુડ ફોટા પણ મોકલ્‍યા હતા. અગાઉ આ શખ્‍સે મારા સાળાને પણ આવા મેસેજ અને ફોટા મોકલી સગાઇ તોડવાનું કહ્યું હતું. પોલીસે કૃતિ પટેલ નામની ઇન્‍ટાગ્રામ આઇડીની વિગતો મંગાવતા તેમાં જે મોબાઇલ નંબર હતો તે જામજોધપુરના બાલવાના હરદિપસિંહ જાડેજાના નામે હોવાનું અને હાલમાં આ મોબાઇલ નંબરનો ઉપયોગ જામજોધપુરના હોથીજી ખડબા ગામના દેવેન્‍દ્રસિંહ જસુભા જાડેજા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો હોવાનું ખુલ્‍યું હતું. દેવેન્‍દ્રસિંહે ફેક આઇડી બનાવી ઓળખ છુપાવી તેનો ઉપયોગ કર્યાનું ખુલતાં એએસઆઇ ડી. બી. કાકડીયાએ ગુનો દાખલ કરાવ્‍યો છે. પીઆઇ આર. જી. પઢીયારે વધુ તપાસ હાથ ધરી છે.

(10:26 AM IST)