News of Sunday, 1st September 2024
સાંગણવા ચોક વિસ્તારમાં ૨૫૦ થી વધુ ઘરોમાં મનપાનું ચેકીંગઃ પાણીના સેમ્પલ લેવાયા
ધમધમતા જુના રાજકોટના વિસ્તારમાં એક મહિલાનો કોલેરાનો રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર ઉંધામાથે

રાજકોટ તા.૩૧: ચોમાસા દરમિયાન ડહોળા પાણીના કારણે પાણીજન્ય રોગચાળો દર વર્ષે વકરતો હોય છે. પરંતુ આ વર્ષે ઉનાળામાં જ કોલેરાના કેસ શરૂ થતા આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર કામગીરી વધુ ઝડપી બનાવી હતી. ત્યાર બાદ તહેવારોમાં સતત વરસાદ વરસતા પાણી જન્ય રોગચાળાને વધુ વેગ મળ્યો હોય તેમ ઝાળા-ઉલ્ટીના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગત મંગળવારે શહેરના ધમધમતા એવા સાંગણવા ચોક પાસે આવેલ કોટક શેરી નં.૨માં રહેતા એક મહિલાને ડાયેરીયા થયા બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં રીપોર્ટ કોલેરા પોઝીટીવ આવતા સારવાર શરૂ કરવામાં આવી હતી. કોલેરાનો એક કેસ કોટક શેરીમાં આવતા તંત્ર દ્વારા આજુબાજુના ૨ કીમી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરી મહાનગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતા પાણીના સેમ્પલ તેમજ ૨૫૦થી વધુ ઘરોમાં ચકાસણી કરી બોરના પાણીના સેમ્પલ વઇ પળથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા કોટક શેરી નં.૨ અને આજુબાજુના વિસ્તારમાં ડોર ટુ ડોર કામગીરી વધુ તેજ બનાવી ફોંગીગ તેમજ કોલેરા વિરોધી ટેબલેટ વિતરણ કરવાનો પ્રારંભ કર્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ દુષિત પાણી પીવાથી તેમજ વાસી ખાદ્યા ખોરાકથી થતા ઝાડા-ઉલ્ટીના કેસમાં કોલેરાની અસર જોવા મળતી હોય છે. ખાસ કરીને ઉનાળા દરમિયાન ઉપયોગમાં લેવાતા ઠંડા-પીણામાંથી કોલેરાના કેસ વધુ જોવા મળતા હોય છે. તેવી જ રીતે ચોમાસા દરમિયાન પાણી જન્ય રોગચાળામાં પણ કોલેરાના કેસમાં વધારો થતો હોય છે. આથી હવે તમામ વિસ્તારોમાં કોલેરા વિરોધી ડોર ટુ ડોર અરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ શંકાસ્પદ કેસમાં સારવાર અને રીપોર્ટ કરવામાં આવી રહ્યા છે. છતા કોટક શેરી સહિતના આજુબાજુના વિસ્તારમાં કરવામાં આવેલ ચેકીંગ દરમિયાન એક પણ નવો કોલેરાનો કેસ નોંધાયો નથી.
(10:26 AM IST)










