<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભઃ જૈનોમાં ધર્મોલ્લાસ

આત્‍મનિરક્ષણ કરાવનારા મહાપર્વને વધાવવાનો જૈન સમાજમાં અનેરો ઉલ્લાસ : ભકિત સંગીત, પૂ. ગુરૂભગવંતોની પ્રેરક પ્રવચનવાણી : જૈનો દ્વારા આરાધનાની હેલી સર્જાશે

પર્યુષણ પર્વે પ્રથમ દિવસે પ્રભુજીને મનમોહક આંગી : આજથી દેરાવાસી જૈનોના પર્યુષણનો તપભીનો પ્રારંભ થયો છે. શ્રાવક-શ્રાવીકાઓ દેવદર્શન તથા પૂ.ગુરૂભગવંતોના વ્‍યાખ્‍યાનનો લાભ લઇ રહ્યા છે. શહેરના જાગનાથ જિનાલય ખાતે ભવ્‍ય શણગાર કરવામાં આવ્‍યો છે. પ્રભુજીને મનમોહન આંગી રચવામાં આવી છે. જૈનો પ્રભુજીની પૂજા-વંદના કરી રહ્યા છે. જે તસવીરમાં દર્શાય છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૩૧ : તપ વડે મનશુદ્ધિ તથા કાયશુદ્ધિનું મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થયો છે.  પર્વાધિરાજ પર્યુષણ પર્વ આત્‍મશુદ્ધિનું મહાપર્વ છે. આઠ - આઠ દિવસ સુધી ઉપાશ્રયોમાં પૂ. ગુરૂ ભગવંતોના કલ્‍યાણકારી પ્રવચનો તથા ધાર્મિક અનુષ્‍ઠાનો થશે. જૈનોમાં તપ અને ત્‍યાગનો મહિમા ગવાશે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના જૈનો અનેરા ધર્મોલ્લાસ સાથે કરેલ અને આત્‍માને નિર્મળ બનાવવાનો પ્રયાસ કરશે. દેરાવાસી  સમાજમાં કલ્‍પસૂત્રના વાંચન દરમિયાન ભગવાન મહાવીરના જન્‍મનું વાંચન થશે તથા પૂ. ગુરૂ ભગવંતોની નિશ્રામાં માતા ત્રિશલાદેવીને આવેલા ૧૪ સ્‍વપ્‍ના અનેરા ધર્મોલ્લાસ સાથે ઉતારવામાં આવશે. દરેક સ્‍વપ્‍નાની ઉછામણી - બોલી બોલાશે. વીરપ્રભુના પારણાની બોલી બોલાયા પછી લાભાર્થી પરિવારને આંગણે વાજતે - ગાજતે વીર પ્રભુનું પારણુ લઈ જવાશે.સંવત્‍સરી પર્વ  ઉજવાશે.

જિનાલયોને રોશની અને કમાન - તોરણથી સુશોભિત બનાવાયા છે. આજે પ્રથમ દિવસથી ધર્મભકિતનો માહોલ ઉભો થયો છે. જિનાલયોમાં સવારે રાઈસી પ્રતિક્રમણ, સ્‍નાત્ર પૂજન, પૂ. ગુરૂભગવંતોના વ્‍યાખ્‍યાન પરમાત્‍માને ભવ્‍યાતિભવ્‍ય આંગી, રાત્રે ભાવના (ભકિત સંગીત) ભણાવાશે.  પર્યુષણ પર્વનો પ્રારંભ થતાં ઠેર-ઠેર તપ, ત્‍યાગ અને આરાધનાનો માહોલ ઉભો થયો છે.

જ્‍યારે જૈનોના પર્યુષણ દરમિયાન આજે પ્રથમ દિવસે મૂર્તિપૂજક જૈન સંઘોમાં પૂ.ગુરૂભગવંતોએ પાંચ કર્તવ્‍યોનું વર્ણન કરેલ. જેમાં અમારી પ્રવર્તન, સાધાર્મિક, વાત્‍સલ્‍ય, ક્ષમાપના, અઠ્ઠમ તપ તથા ચૈત્‍ય પરિપાટી વિષે સમજણ આપી હતી.

સોમવારે પૂ. ગુરૂભગવંતો દૈનિક ૬ કર્તવ્‍યોનું વર્ણન કરશે. શ્રાવકે પોતાના દૈનિક જીવનમાં આ ૬ કર્તવ્‍યો જરૂર અનુસરવા જોઇએ. જેમાં દેવપૂજા, ગુરૂની ઉપાસના, સ્‍વાધ્‍યાય, સંયમ, તપ અને દાન છે. સાથે જ વ્‍યાખ્‍યાનમાં જૈનોના અતિપવિત્ર ગ્રંથ કલ્‍પસૂત્રને ઘર લઇ જવા અને વહોરાવવા તથા પુજા વગેરેના ચઢાવા બોલાશે.

અગિયાર કર્તવ્‍યોમાંથી દસ કર્તવ્‍યો ધનની મમતા ખંખેરવા માટે છે. જયારે વિષય અને કષાયથી કાળા મહોતા જેવા બનેલા આત્‍માનો મેલ આલોચનાથી ધોવાય છે. આજે માંગલિક પ્રતિક્રમણ કરવામાં આવશે.

જયારે સ્‍થાનકવાસી જૈન સંઘોમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણીનો ભવ્‍ય માહોલ જોવા મળી રહ્યો છે. કાલથી ઉપાશ્રયોમાં ભકતામર સ્‍તોત્રના પાઠ, પૂ.સંત-સતીજીઓના વ્‍યાખ્‍યાન, બપોરે ધાર્મિક ગેઇમ્‍સ તથા સાંજે પ્રતિક્રમણ યોજાશે.

(10:26 AM IST)